પરભણીમાં ઉદ્ધવ ઠાકરેએ દેવેન્દ્ર ફડણવીસ પર છોડ્યાં વાગ્બાણ, દેવેન્દ્ર ફડણવીસનો રમૂજી જવાબ

29 June, 2026 07:39 AM IST  |  Parbhani | Gujarati Mid-day Correspondent

પરભણીમાં શિવસેનિકોને સંબોધતાં શિવસેના (UBT)ના અધ્યક્ષ ઉદ્ધવ ઠાકરેએ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસની ટીકા કરી હતી

ઉદ્ધવ ઠાકરે અને દેવેન્દ્ર ફડણવીસ

પરભણીમાં ઉદ્ધવ ઠાકરેએ દેવેન્દ્ર ફડણવીસ પર છોડ્યાં વાગ્બાણ, કહ્યું...BJPમાં વડા પ્રધાનના દાવેદારોની પાંખો કાપી નખાય છે

પરભણીમાં શિવસેનિકોને સંબોધતાં શિવસેના (UBT)ના અધ્યક્ષ ઉદ્ધવ ઠાકરેએ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસની ટીકા કરી હતી અને શનિવારે મુંબઈથી નાગપુર એકસાથે ફ્લાઇટમાં બેઠા ત્યારે દેવેન્દ્ર ફડણવીસ સાવ લાચાર દેખાઈ રહ્યા હતા એમ કહ્યું હતું. તેમણે અયોધ્યાના રામ મંદિરમાં દાનના પૈસામાં થયેલા ગોટાળા વિશે ઉલ્લેખ કરીને ભારતીય જનતા પાર્ટી (BJP) પર નિશાન સાધતાં કહ્યું હતું કે ‘આ તો રામ મંદિર લૂંટનારી બાબર જનતા પાર્ટી છે. બાબરોની ઔલાદો રામ મંદિર લૂંટી રહી છે.’દેવેન્દ્ર ફડણવીસ અને BJPની ટીકા કરતાં ઉદ્ધવ ઠાકરેએ કહ્યું હતું કે ‘તે જ્યારે મને ફ્લાઇટમાં દેખાયા ત્યારે આ માણસ મુખ્ય પ્રધાન હોય એવું લાગતું જ નહોતું. આત્મવિશ્વાસ ગુમાવેલી વ્યક્તિ જેવા દેખાતા હતા, કારણ કે તેમને ખબર છે કે તેમની પાંખો કાપનારા તેમના જ બૉસ છે. આપણે હવે શું કરવું, ન્યાય કોની પાસે માગવો એ જ તેમને નથી ખબર. કયો દરવાજો ખખડાવવો? આ દરવાજો ઉઘાડશો તો પણ પાંખો કપાઈ જવાશે, પેલો દરવાજો ઉઘાડશો તો પણ પાંખો કપાઈ જશે. એટલે તે બચી રહ્યા છે. હવે જેટલા દિવસો બચ્યા છે એટલા દિવસો ઢસેડવા છે.’

ઉદ્ધવ ઠાકરેએ BJP નેતા તેમ જ ભૂતપૂર્વ રાષ્ટ્રીય અધ્યક્ષ નીતિન ગડકરી અને મધ્ય પ્રદેશના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન શિવરાજ સિંહ ચૌહાણનાં ઉદાહરણ આપતાં કહ્યું હતું કે ‘નીતિન ગડકરીની પાંખો પણ કાપી નખાઈ અને એવી કપાઈ કે તેમની વડા પ્રધાન બનવાની બધી શક્યતાઓ પર એથનૉલનું પાણી નાખી દીધું. શિવરાજ ચૌહાણ ‘મામા’ને પણ ઉલ્લુ બનાવ્યા. તેમનું નામોનિશાન રહેવા નથી દીધું.’ 

ઑપરેશન ટાઇગર નહીં, ઑપરેશન દેવેન્દ્ર ફડણવીસ છે 
શિવસેનાના ૬ સંસદસભ્યોને ફોડીને શિવસેનામાં લેવાયા એ ‘ઑપરેશન ટાઇગર’નો ઉલ્લેખ કરતાં ઉદ્ધવ ઠાકરેએ કહ્યું હતું કે ‘આ કંઈ ઑપરેશન ટાઇગર નહોતું. આ તો ઑપરેશન દેવેન્દ્ર ફડણવીસ હતું.’ આમ કહી ઉદ્ધવ ઠાકરેએ દેવેન્દ્ર ફડણવીસને વડા પ્રધાન બનવાની રેસમાંથી બહાર કરવામાં આવ્યા હોવા તરફ ઇશારો કર્યો હતો. 

ઉદ્ધવ ઠાકરેએ કરેલી ટીકાનો દેવેન્દ્ર ફડણવીસનો રમૂજી જવાબ

હું માણસ છું, મને પાંખો નથી એટલે કોઈ એને કાપશે કઈ રીતે?

શિવસેના (UBT)ના અધ્યક્ષ ઉદ્ધવ ઠાકરેએ ભારતીય જનતા પાર્ટી (BJP)ના કેન્દ્રીય નેતૃત્વ દ્વારા દેવેન્દ્ર ફડણવીસની પાંખો કાપવાનો પ્રયત્ન કરાઈ રહ્યો હોવાની કરેલી ટીકાનો રમૂજી રીતે જવાબ આપતાં મુખ્ય પ્રધાને કહ્યું હતું કે ‘હું તો માણસ છું એટલે મારી પાસે પાંખો નથી તો કોઈ એને કઈ રીતે કાપી શકે?’ પોતાને મહારાષ્ટ્રની ૧૪ કરોડ જનતાનો અને BJPના સિનિયર નેતાઓનો પૂરો ટેકો હોવાનું પણ દેવેન્દ્ર ફડણવીસે જણાવ્યું હતું. ઉદ્ધવ ઠાકરે સાથે મુંબઈથી નાગપુરની ફ્લાઇટમાં દેવેન્દ્ર ફડણવીસ એકસાથે હતા. ત્યાર બાદ રાજકીય વર્તુળોમાં થતી ચર્ચા વિશે દેવેન્દ્ર ફડણવીસે કહ્યું હતું કે ‘અમારી ફ્લાઇટમાં સાથે હોવું એ ફક્ત એક યોગાનુયોગ હતો. તે મારાથી દૂર બેઠા હતા, પરંતુ સાથે બેઠા હોત તો મેં તેમની સાથે ગપ્પાં માર્યાં હોત. મારા માટે રાજકીય અદાવત નહીં, વિકાસ પ્રાથમિકતા છે. બે નેતા એક ફ્લાઇટમાં હોય એમાં કોઈ મોટી વાત નથી. મેં તો મોબાઇલમાં ડાઉનલોડ કરેલી મૂવી જોઈને ફ્લાઇટમાં સમય વિતાવ્યો. એમાં તેમને મારા ચહેરા પર લાચારી ક્યાં દેખાઈ?’

mumbai news mumbai uddhav thackeray devendra fadnavis political news indian politics maharashtra news maharashtra parbhani shiv sena bhartiya janta party bjp