મહારાષ્ટ્ર પર તોળાતા જળસંકટ સામે ફડણવીસે યોજી હાઈ લેવલની મીટિંગ

22 May, 2026 11:28 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

રાજ્યમાં માત્ર ૮૮ ટકા વરસાદ પડવાની સંભાવના છે એટલે દરેક જિલ્લાને પાણીનો પૂરતો સંગ્રહ કરવા તૈયારી રાખવાની સૂચના આપી

આ વર્ષે ચોમાસું નબળું રહેશે તેવી આગાહીને પગલે જળસંકટ ઊભું થવાની શક્યતા હોવાથી તે માટે ઉપાય યોજના બનાવવા મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે સહ્યાદ્રી ગેસ્ટહાઉસમાં બેઠક યોજી ત્યારે નાયબ મુખ્ય પ્રધાન એકનાથ શિંદે સહિત અન્ય નેતાઓ પણ હાજર હતા.

મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે સહ્યાદ્રિ ગેસ્ટહાઉસમાં બેઠક યોજી હતી જેમાં મહારાષ્ટ્ર સરકારના અધિકારીઓ ઉપરાંત સરકારી બૅન્કના અધિકારીઓ પણ હાજર રહ્યા હતા અને ચોમાસા દરમ્યાન મહારાષ્ટ્રમાં આવનારા સંભવિત સંકટ વિશે ચર્ચા કરી હતી. આ ચર્ચા દરમ્યાન આ વર્ષે મહારાષ્ટ્રમાં ઓછા વરસાદ અને દુકાળની ગંભીર અસર થવાની વાત થઈ હતી અને મુખ્ય પ્રધાને અધિકારીઓને જિલ્લા પ્રશાસનોને આ સંકટ માટે તૈયાર રહીને અત્યારથી જ તૈયારી કરવાની સૂચના આપી હતી.

મહારાષ્ટ્રમાં આ વર્ષે ૮૮ ટકા વરસાદ જ પડવાની સંભાવના છે અને આજળસંકટના કારણે ખરીફ પાક લેનારા ખેડૂતોને અસર થઈ શકે, કૃષિક્ષેત્રે નુકસાન થવાની શક્યતા હોવાથી ખરીફ પાક લેનારા ખેડૂતોને પૈસાની વ્યવસ્થા માટે હેરાન ન થવું પડે એટલે તેમને લોન આપવા માટે યોજના તૈયાર કરવાના નિર્દેશ પણ બૅન્કના અધિકારીઓને અપાયા હતા. ખેડૂતોને વધુમાં વધુ લોન આપવાની વ્યવસ્થા કરવામાં આવે એવું મુખ્ય પ્રધાને જણાવ્યું હતું.

વરસાદ દર મહિને ઘટતો જશે, પાક પર થશે અસર
સોયબીન અને કપાસ જેવા પાક લેનારા ખેડૂતો વિશે ચિંતા વ્યક્ત કરતાં દેવેન્દ્ર ફડણવીસે કહ્યું હતું કે ‘આ વર્ષે જૂન મહિનામાં વરસાદ પડશે એનાથી ઓછો જુલાઈમાં, એ પછી એનાથી ઓછો ઑગસ્ટમાં અને એના કરતાં વધુ ઓછો સપ્ટેમ્બરમાં પડશે એવી હવામાન ખાતાની આગાહી છે. જોકે એનું પરિણામ પાક પર થશે. પશ્ચિમ વિદર્ભ, મરાઠવાડા અને ઉત્તર મહારાષ્ટ્રમાં સૌથી વધુ અસર દેખાશે એટલે ‘જલયુક્ત શિવાર’ સહિતના પ્રોજેક્ટને વેગ આપવામાં આવશે.’

મુંબઈને પાણી પૂરું પાડતાં જળાશયોમાં હવે ફક્ત ૨૦ ટકા સ્ટૉક બચ્યો છે-હાલનો પાણીનો સ્ટૉક ૩૦ જૂન સુધી ચાલી શકે એટલો જ રિઝર્વ સ્ટૉકમાંથી ૨.૨૮ મિલ્યન લીટર વાપરવા માટે મંજૂરી મળી

મુંબઈને પાણી પૂરું પાડતાં ૭ જળાશયોમાં પાણીની સપાટી ઘટી રહી છે અને હવે ૩૦ જૂન સુધી ચાલે એટલો ૨૦ ટકા પાણીનો સ્ટૉક બચ્યો છે. હવે રાજ્ય સરકારે રિઝર્વ્ડ સ્ટૉકમાંથી ૨.૨૮ મિલ્યન લીટર પાણી વાપરવાની છૂટ આપી છે. આ વર્ષે જૂનમાં વરસાદ લંબાવાનો છે એવી આગાહી છે એથી રિઝર્વ્ડ સ્ટૉકમાંથી પાણી વાપરવા દેવાની મંજૂરી માગવામાં આવી હતી. મુંબઈને રોજ અપર વૈતરણા, મોડક સાગર, તાનસા, મધ્ય વૈતરણા, ભાત્સા, વિહાર અને તુલસી તળાવમાંથી ૩૯૫૦ મિલ્યન લીટર પાણીનો પુરવઠો કરવામાં આવે છે. વર્ષ દરમ્યાન ૧૪,૪૭,૩૬૩ મિલ્યન લીટર પાણી મુંબઈને પૂરું પાડવામાં આવે છે. જોકે ૨૦ મેએ ૭ જળાશયો મળીને ૨,૮૯,૫૭૨ મિલ્યન લીટર પાણીનો સ્ટૉક બચ્યો હતો. 

છેલ્લા  વર્ષમાં ૨૦ મેએ કેટલો સ્ટૉક હતો (મિલ્યન લીટરમાં)
૨૦૨૬    ૨,૮૯,૫૭૨ મિલીલીટર         ૨૦.૦૧ ટકા
૨૦૨૫    ૨,૫૦,૧૯૭ મિલીલીટર        ૧૭.૨૯ ટકા
૨૦૨૪    ૧,૬૪,૯૭૦ મિલીલીટર        ૧૧.૪૦ ટકા

mumbai news mumbai maharashtra government maharashtra news maharashtra Water Cut mumbai water levels mumbai monsoon devendra fadnavis eknath shinde sunetra pawar