નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય પ્રધાનોને મળીને મહારાષ્ટ્રના પ્રોજેક્ટોને ઝડપી બનાવવા મદદ માગી દેવેન્દ્ર ફડણવીસે

18 August, 2026 07:29 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે ગઈ કાલે દિલ્હીમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીની મુલાકાત લીધી હતી

દેવેન્દ્ર ફડણવીસ અને નરેન્દ્ર મોદી

મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે ગઈ કાલે દિલ્હીમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીની મુલાકાત લીધી હતી. એ વિશે માહિતી આપતાં તેમણે કહ્યું હતું કે વડા પ્રધાન નરેન્દ્ર મોદી સાથે ખૂબ જ સારી ચર્ચા થઈ. તેમણે વડા પ્રધાનને કેન્દ્ર સાથેના કો-ઑર્ડિનેશનમાં અમલમાં મુકાયેલા પ્રોજેક્ટ્સ વિશે માહિતી આપીને એમને ઝડપી બનાવવા માટે સહાય માગી હતી. દેવેન્દ્ર ફડણવીસે વધુમાં કહ્યું હતું કે ‘પુણે મેટ્રો લાઇન 3 પ્રોજેક્ટ પૂરો થવાના આરે છે અને ટેસ્ટિંગના તબક્કામાં છે. વડા પ્રધાનને મેટ્રોના ઉદ્ઘાટન માટે આમંત્રણ આપ્યું છે અને તેમની પાસેથી વહેલી તારીખ માગશે.’
એ પછી દેવેન્દ્ર ફડણવીસે કેન્દ્રીય પ્રધાનો સાથે પર્યાવરણીય મંજૂરીઓ ઝડપી બનાવવા અને રાજ્યભરમાં મુખ્ય ઔદ્યોગિક ટાઉનશિપ યોજનાઓને આગળ વધારવા માટે શ્રેણીબદ્ધ ચર્ચાઓ કરી હતી. દેવેન્દ્ર ફડણવીસ પ્રસ્તાવિત ઉત્તન-વિરાર કૉરિડોર પર ચર્ચા કરવા માટે કેન્દ્રીય નાણાપ્રધાન નિર્મલા સીતારમણને પણ મળ્યા હતા, જેના માટે રાજ્ય સરકારે જપાન ઇન્ટરનૅશનલ કો-ઑપરેશન એજન્સી (JICA)ને દરખાસ્ત રજૂ કરી હતી. પ્રોજેક્ટના કદને ધ્યાનમાં રાખીને નિર્મલા સીતારમણે JICA સાથે અન્ય બહુપક્ષીય એજન્સી દ્વારા ભંડોળ શોધવાનું સૂચન કર્યું હતું. ઉત્તન-વિરાર પ્રોજેક્ટ મુંબઈ મેટ્રોપૉલિટન રીજન (MMR) માટે એક મુખ્ય કનેક્ટિવિટી ઇનિશ્યેટિવ છે. રાજ્યએ અગાઉ પ્રોજેક્ટનો ખર્ચ આશરે ૮૭,૪૨૭ કરોડ રૂપિયાનો લગાવ્યો હતો, જેમાં JICA સહાયનો સમાવેશ થતો હતો.
દેવેન્દ્ર ફડણવીસે જણાવ્યું હતું કે તેઓ રાજ્યના વિવિધ પ્રોજેક્ટ્સ માટે બાકી રહેલા પર્યાવરણીય અને વનમંજૂરીઓ પર ફૉલોઅપ કરવા માટે કેન્દ્રીય પર્યાવરણ અને વનપ્રધાન ભૂપેન્દ્ર યાદવને પણ મળ્યા હતા.

mumbai news mumbai maharashtra news maharashtra devendra fadnavis narendra modi