16 November, 2025 06:42 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પીઢ શિલ્પકાર રામ સુતાર
મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે શુક્રવારે પીઢ શિલ્પકાર રામ સુતારના ઉત્તર પ્રદેશના નોએડાસ્થિત નિવાસસ્થાનની મુલાકાત લઈને તેમને ૨૦૨૪ માટેનો ‘મહારાષ્ટ્ર ભૂષણ’ પુરસ્કાર એનાયત કર્યો હતો. આ પ્રસંગે નાયબ મુખ્ય પ્રધાનો એકનાથ શિંદે અને અજિત પવાર તથા સાંસ્કૃતિકપ્રધાન આશિષ શેલાર પણ હાજર રહ્યા હતા.
૧૯૨૫ની ૧૯ ફેબ્રુઆરીએ મહારાષ્ટ્રના ગોંડુર ગામમાં એક ગરીબ પરિવારમાં જન્મેલા રામ સુતારે નોએડામાં પોતાનો સ્ટુડિયો સ્થાપ્યો છે અને ૧૯૯૦થી નોએડાના સેક્ટર ૧૯માં રહે છે. ફેબ્રુઆરીમાં તેઓ ૧૦૦ વર્ષના થયા હતા. પદ્મશ્રી અને પદ્મભૂષણ મેળવનાર રામ સુતારે સરદાર પટેલના ૧૮૨ ફુટ ઊંચા સ્ટૅચ્યુ ઑફ યુનિટી ઉપરાંત અનેક ઐતિહાસિક શિલ્પો અને સ્મારકો બનાવ્યાં છે. તેમણે મહાત્મા ગાંધીની ૪૫૦થી વધુ પ્રતિમાઓ બનાવી છે. તેમણે અજંતા-ઇલોરાની ગુફાઓમાં ઘણી પ્રાચીન શિલ્પોના પુનઃ સ્થાપનમાં પણ મુખ્ય ભૂમિકા ભજવી હતી. હાલમાં તેમની તબિયત સારી રહેતી નથી અને તેઓ પથારીવશ છે.
મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે આ વર્ષે ૨૦ માર્ચે વિધાનસભામાં જાહેરાત કરી હતી કે શિલ્પકાર રામ સુતારને રાજ્યના સર્વોચ્ચ નાગરિક સન્માન મહારાષ્ટ્ર ભૂષણથી નવાજવામાં આવશે. ફડણવીસે કલાજગતમાં રામ સુતારના ઉત્કૃષ્ટ યોગદાનની પ્રશંસા કરી હતી. આ અવૉર્ડમાં ૨૫ લાખ રૂપિયાની ઇનામ રકમ અને સ્મૃતિચિહ્નનો સમાવેશ થાય છે.