દેવેન્દ્ર ફડણવીસના કાકાએ કરી ધમાકેદાર આગાહી: આજે નહીં તો કાલે મારો ભત્રીજો દેશનો વડા પ્રધાન બનશે

03 August, 2026 07:16 AM IST  |  Pune | Gujarati Mid-day Correspondent

મુખ્ય પ્રધાનના જીવન પર લખાયેલા પુસ્તક દેવાભાઉના લોકાર્પણ પ્રસંગે પુણેમાં બાળાસાહેબ ફડણવીસે વ્યક્ત કર્યો આ વિશ્વાસ

પુસ્તક દેવાભાઉના લોકાર્પણ પ્રસંગે પુણેમાં બાળાસાહેબ ફડણવીસ

મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસના જીવન પર લખાયેલું પુસ્તક ‘દેવાભાઉ’ ગઈ કાલે પુણેમાં લોકાર્પણ થયું હતું. એ પ્રસંગે તેમના કાકા બાળાસાહેબ ફડણવીસે વિશ્વાસ વ્યક્ત કર્યો કે ‘મારો ભત્રીજો આજે નહીં તો કાલે ભારતનો પ્રાઇમ મિનિસ્ટર બનશે એવું મને લાગે છે. તે બની શકે છે.’

રિટાયર્ડ બૅન્કર બાળાસાહેબ ફડણવીસે મુખ્ય પ્રધાનનો મિજાજ શૅર કરતાં કહ્યું હતું કે ‘મારો ભત્રીજો અતિશય ધીરગંભીર છે, પણ જ્યારે તે ઘરે હોય છે ત્યારે મસ્તી કરતો રહે છે. તે ઘરમાં રાજકારણની વાત જ નથી કરતો, કુટુંબને લગતી વાતો કરતો હોય છે અને એ વખતે તે એકદમ ફ્રી હોય છે. દેવેન્દ્ર ફડણવીસે લૉમાં ગોલ્ડ મેડલ મેળવ્યો છે અને તે બહુ જ સારો વક્તા છે. જનસંઘમાં જોડાયા પહેલાં તેણે નાગપુરમાં જાણીતા લૉયર સાથે કામ કર્યું હતું અને ત્યારથી તેના જીવનમાં પરિવર્તન આવ્યું હતું. મને નથી લાગતું એટલી નાની ઉંમરમાં કોઈ ચૂંટાઈ આવ્યું હોય.’
ઉલ્લેખનીય છે કે ૧૯૯૭માં દેવેન્દ્ર ફડણવીસ ૨૭ વર્ષની ઉંમરે નાગપુર મ્યુનિસિપલ કૉર્પોરેશનમાં ચૂંટાઈ આવ્યા હતા અને દેશના બીજા નંબરના સૌથી નાની ઉંમરના મેયર બન્યા હતા.
બાળાસાહેબ ફડણવીસનું આ સ્ટેટમેન્ટ એવા સમયે આવ્યું છે જ્યારે થોડા સમય પહેલાં ભૂતપૂર્વ કેન્દ્રીય એજ્યુકેશન મિનિસ્ટર ધર્મેન્દ્ર પ્રધાને રાજીનામું આપ્યું અને એ વખતે દેવેન્દ્ર ફડણવીસનું નામ તેમના અનુગામી તરીકે ચર્ચાયું હતું. જોકે દેવેન્દ્ર ફડણવીસે એ વાતને બહુ સહજતાથી અવગણી હતી.

mumbai news mumbai devendra fadnavis maharashtra government maharashtra news maharashtra political news indian politics pune news pune