દેવેન્દ્ર ફડણવીસે પાછળ છોડ્યા શરદ પવારને, મુખ્ય પ્રધાન તરીકે ૨૪૩૦ દિવસ પૂરા કર્યા

14 July, 2026 09:10 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન તરીકેની લૉન્ગેસ્ટ ટર્મની યાદીમાં ત્રીજા સ્થાને

શરદ પવાર અને દેવેન્દ્ર ફડણવીસ

મહારાષ્ટ્રના ઇતિહાસમાં મુખ્ય પ્રધાનપદ પર સૌથી વધુ મુદત માટે રહેનારા નેતાઓની યાદીમાં દેવેન્દ્ર ફડણવીસ ત્રીજા સ્થાને આવી ગયા છે. ૧૨ જુલાઈએ તેમણે મુખ્ય પ્રધાન તરીકે ૨૪૩૦ દિવસ પૂરા કરીને નૅશનલિસ્ટ કૉન્ગ્રેસ પાર્ટી (SP)ના વડા શરદ પવારને પાછળ છોડી દીધા હતા. શરદ પવાર તેમની રાજકીય કારકિર્દી દરમ્યાન ૪ વખત મુખ્ય પ્રધાન રહ્યા હતા અને ૨૪૧૨ દિવસ સુધી મુખ્ય પ્રધાન તરીકે પદભાર સંભાળ્યો હતો.  

સૌથી વધુ દિવસ માટે મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાનપદ પર રહેવાનો રેકૉર્ડ ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન વસંતરાવ નાઈકના નામે છે. તેઓ ૪૦૯૬ દિવસ એટલે કે ૧૧ વર્ષ ૭૮ દિવસ સુધી મુખ્ય પ્રધાન રહ્યા હતા. ત્યાર બાદ બીજા ક્રમાંકે વિલાસરાવ દેશમુખનું નામ આવે છે. તેઓ ૨૬૮૬ દિવસ એટલે આશરે ૭ વર્ષ ૧૨૯ દિવસ સુધી મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન રહ્યા હતા. 

ભારતીય જનતા પાર્ટી (BJP)ના પ્રવક્તા નવનાથ બને સોમવારે પત્રકાર-પરિષદ દરમ્યાન દેવેન્દ્ર ફડણવીસ સૌથી વધુ મુદત માટે પદ પર રહેનારા મુખ્ય પ્રધાન બનશે એવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. ઉલ્લેખનીય છે કે દેવેન્દ્ર ફડણવીસ પાંચ વર્ષનો મુખ્ય પ્રધાન તરીકેનો કાર્યકાળ એક વખત પૂરો કરી ચૂક્યા છે.

mumbai news mumbai maharashtra government maharashtra news maharashtra sharad pawar devendra fadnavis