✕

કર્જત હાઇડ્રો પાવર પ્રોજેક્ટ માટે વૃક્ષોના નિકંદનના વિરોધને દેવેન્દ્ર ફડણવીસે ફેક નૅરેટિવ ગણાવ્યો

26 October, 2026 07:41 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

૯૦,૦૦૦ વૃક્ષો રોપવામાં આવશે, ઉત્પન્ન થનારી વીજળી પર પહેલો અધિકાર મહારાષ્ટ્રનો જ રહેશે

દેવેન્દ્ર ફડણવીસ

ટૉરેન્ટ કંપનીના હાઇડ્રો પાવર પ્રોજેક્ટ માટે કર્જત અને ભીમાશંકર અભયારણ્યમાં મોટા પાયે વૃક્ષો કાપવાં પડે એમ હોવાથી વૃક્ષપ્રેમીઓ અને ઍક્ટિવિસ્ટો એનો વિરોધ કરી રહ્યા છે. આ વિશે જ્યારે મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસને સવાલ કરવામાં આવ્યો ત્યારે તેમણે કહ્યું હતું કે આને ફેક નૅરેટિવ સિવાય બીજું કશું ન કહી શકાય.
મુખ્ય પ્રધાને આ વિશે માહિતી આપતાં કહ્યું હતું કે ‘કંપનીએ એ જગ્યા પાણીનો સંગ્રહ કરવા લીધી છે. જે રીતે આપણે ડૅમ બનાવીએ એ રીતે પાણીનો સ્ટૉક કરાશે. એ સામે તેણે ત્રણ ગણી જગ્યા ફૉરેસ્ટ ડિપાર્ટમેન્ટને આપી છે. ફૉરેસ્ટ ડિપાર્ટમેન્ટ કંપનીના ખર્ચે ત્યાં ૩૦,૦૦૦ ઝાડ એ સાઇટ પર રોપશે અને ૬૦,૦૦૦ ઝાડ અહીંની સાઇટ પર રોપશે. આમ કુલ ૯૦,૦૦૦ ઝાડ રોપવામાં આવશે. વળી મહત્ત્વની વાત એ છે કે જો આપણને ક્લીન એનર્જી ન મળે તો આપણે કોલાસામાંથી એનર્જી (વીજળી) મેળવવી પડે છે. ૩૦૦૦ મેગાવૉટ વીજળી પેદા કરતી વખતે જે પૉલ્યુશન થશે એને કન્ટ્રોલ કરવા ૨૭ કરોડ ઝાડ લગાડવા પડે એમ છે. એ કરવું ન પડે એ માટે આ પ્રોજેક્ટ તૈયાર કરાયો છે. આ પ્રોજેક્ટ પર્યાવરણપૂરક છે. ભીમાશંકર અને મંદિરથી ૨૦ કિલોમીટર દૂર છે. વળી બધું જ ઇન્વેસ્ટમેન્ટ રાજ્યમાં જ થઈ રહ્યું છે. રોજગાર રાજ્યમાં રહેવાનો છે અને એ વીજળી પર પહેલો અધિકાર મહારાષ્ટ્રનો જ રહેશે. મહારાષ્ટ્રમાં અનેક પ્રોજેક્ટ્સ આકાર લઈ રહ્યા છે ત્યારે એમને ક્લીન એનર્જી પૂરી પાડવી એ જરૂરિયાત છે. પૉલ્યુશન ન થાય એવા આ પ્રોજેક્ટનો વિરોધ કરવાનું કોઈ કારણ નથી. એથી ફેક નૅરેટિવ ચલાવીને રાજકારણ કરવાનું કામ વિરોધીઓએ કરવું નહીં.’   

mumbai news mumbai maharashtra government maharashtra devendra fadnavis