મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસની સ્પષ્ટ વાત: BESTની માલિકીની કોઈ પણ જમીન વેચવામાં નહીં આવે

06 June, 2026 07:43 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

BEST ડેપોનું રીડેવલપમેન્ટ બે તબક્કામાં કરવામાં આવશે. ડેપોમાં મ્યુઝિયમ, સ્પોર્ટ્સનાં સાધનો, કલ્ચરલ હબ, અર્બન પ્લાઝા જેવા ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો સમાવેશ કરવામાં આવશે. સ્ટાફ માટે રેસિડેન્શિયલ કૉમ્પ્લેકસ બનાવવામાં આવશે.

દેવેન્દ્ર ફડણવીસ

મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે બૃહન્મુંબઈ ઇલેક્ટ્રિક સપ્લાય ઍન્ડ ટ્રાન્સપોર્ટ (BEST) માટે એક રીડેવલપમેન્ટ યોજના તૈયાર કરવાનો BEST અને BMCના અધિકારીઓને નિર્દેશ આપ્યો છે. આ પ્રોજેક્ટ અંતર્ગત BEST ઇન્ફ્રાસ્ટ્રક્ચરનું આધુનિકીકરણ કરવામાં આવશે, એની નાણાકીય સ્થિતિ સુધારવામાં આવશે અને ડેપોનું મલ્ટિ-પર્પઝ ડેવલપમેન્ટ કરવામાં આવશે. મુખ્ય પ્રધાને સ્પષ્ટતા કરી હતી કે રીડેવલપમેન્ટ પ્રક્રિયાના ભાગરૂપે BESTની માલિકીની કોઈ પણ જમીન વેચવામાં આવશે નહીં. આ પ્રોજેક્ટ્સ પબ્લિક-પ્રાઇવેટ પાર્ટનરશિપ (PPP) મૉડલ હેઠળ પૂરો કરવામાં આવશે જેમાં જમીન અને પ્રૉપર્ટીની માલિકી BEST પાસે જ રહેશે. 

BEST અન્ડરટેકિંગ રીડેવલપમેન્ટ પ્લાનમાં સમાવાયેલા મુદ્દા
 BEST ડેપોનું રીડેવલપમેન્ટ બે તબક્કામાં કરવામાં આવશે. ડેપોમાં મ્યુઝિયમ, સ્પોર્ટ્સનાં સાધનો, કલ્ચરલ હબ, અર્બન પ્લાઝા જેવા ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો સમાવેશ કરવામાં આવશે. સ્ટાફ માટે રેસિડેન્શિયલ કૉમ્પ્લેકસ બનાવવામાં આવશે.

BESTના વિવિધ ડેપોને સુરક્ષિત રાખશે ૧૮૧ નિવૃત્ત સૈનિકો
BESTના વિવિધ ડેપો પર સુરક્ષા કર્મચારીઓની અછત, ચોરીની ઘટનાઓ અને સરકારી જમીન પર થતાં ગેરકાયદે દબાણોને ડામવા માટે ૧૮૧ નિવૃત્ત સૈનિકોની ભરતી કરવામાં આવશે. આ ભરતી સોલ્જર બોર્ડ (BSF, CISF, CRPF)ના માધ્યમથી કરવામાં આવશે. શિવાજીનગર ડેપોમાંથી અંદાજે ૧૦ જેટલી ઇલેક્ટ્રિક બસ ચાર્જિંગ ગનની ચોરી થયા બાદ ડેપોની સુરક્ષા વધારવા આ નિર્ણય લેવામાં આવ્યો છે.

કૉન્ટ્રૅક્ટરોને કારણે વિલંબ સહન નહીં કરાય, ત્રણથી સાડાત્રણ વર્ષમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સ પૂરા થવા જોઈએ: મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસનો આદેશ

મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે ગુરુવારે સરકારી એજન્સીઓને તમામ મોટા ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સ ત્રણથી સાડાત્રણ વર્ષની સમયમર્યાદામાં પૂરા કરવાની સૂચના આપી છે. મુંબઈના સહ્યાદ્રિ ગેસ્ટ હાઉસ ખાતે યોજાયેલી ઇન્ફ્રાસ્ટ્રક્ચર વૉરરૂમ બેઠકમાં મુખ્ય પ્રોજેક્ટ્સની સમીક્ષા કરતી વખતે તેમણે સ્પષ્ટ ચેતવણી આપી હતી કે કૉન્ટ્રૅક્ટરોને કારણે થતો વિલંબ બિલકુલ ચલાવી લેવામાં નહીં આવે, કારણ કે એનાથી રાજ્યને અને દેશને મોટું આર્થિક નુકસાન થાય છે. મુખ્ય પ્રધાને ટાંક્યું હતું કે હવેથી ટેન્ડરની શરતોમાં કૉન્ટ્રૅક્ટરોના જૂના ટ્રૅક-રેકૉર્ડને ધ્યાનમાં લેવામાં આવશે અને ભૂતકાળમાં થયેલા વિલંબ માટે જવાબદાર રહેલા કૉન્ટ્રૅક્ટરોને નવા પ્રોજેક્ટ સોંપવામાં નહીં આવે.

mumbai news mumbai brihanmumbai electricity supply and transport mumbai transport maharashtra government maharashtra news maharashtra devendra fadnavis