07 July, 2025 07:59 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
ડિજિટલ અરેસ્ટના વધતા જતા કેસને કાબૂમાં લેવા માટે મુંબઈ પોલીસ દ્વારા જાગૃતિ-અભિયાનો ચલાવવામાં આવે છે. એમાં આવા કેસના ગોલ્ડન અવર એટલે કે ટ્રાન્ઝૅક્શન થવાના એક કલાકની અંદર જો હેલ્પલાઇન નંબર-૧૯૩૦ પર ફરિયાદ નોંધાવવામાં આવે તો સ્કૅમરના અકાઉન્ટમાં પૈસા ટ્રાન્સફર થતાં અટકાવી શકાય છે. જૂન ૨૦૨૨થી એટલે કે છેલ્લાં ત્રણ વર્ષમાં ગોલ્ડન અવરની કાર્યવાહીને લીધે ૨૮૦ કરોડ રૂપિયા સ્કૅમરના ખાતામાં જતાં અટકાવાયા છે. તાજેતરમાં જ મુંબઈ પોલીસે છ વરિષ્ઠ નાગરિકોને આ સ્કૅમમાં ફસાતા બચાવ્યા હોવાનું મુંબઈ પોલીસ-કમિશનર દેવેન ભારતીએ જણાવ્યું હતું. જો ગોલ્ડન અવરમાં પોલીસને ફરિયાદ કરવામાં આવે તો પોલીસ, બૅન્ક અને ડિજિટલ પેમેન્ટ પ્લૅટફૉર્મ એકસાથે કાર્યવાહી કરીને પૈસા ટ્રાન્સફર થતાં પહેલાં સ્કૅમરનું અકાઉન્ટ ફ્રીઝ કરી શકે છે. ગોલ્ડન અવર બાદ કરેલી ફરિયાદમાં પૈસા પરત મળવાનું મુશ્કેલ બની જાય છે એથી કોઈ પણ સંજોગોમાં કોઈ પણ રીતે ડિજિટલ અરેસ્ટનો ભોગ બનેલા લોકોએ ગોલ્ડન અવરમાં ફરિયાદ કરવી, એમ દેવેન ભારતીએ જણાવ્યું હતું.