વિધાનસભ્યોના સિક્યૉરિટી અધિકારીઓને કારણદર્શક નોટિસ આપવાનો નિર્દેશ

25 June, 2022 09:32 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

એકનાથ શિંદેના બળવાને લઈને શરદ પવાર ગુપ્તચર વિભાગથી નારાજ છે. તેમણે આ ઘટના પર નારાજગી વ્યક્ત કરી હોવાનું જાણવા મળ્યું હતું. 

ઉદ્ધવ ઠાકરે (ફાઇલ તસવીર)

શિવસેનાના બળવાખોર નેતા એકનાથ શિંદે બળવો કરીને વિધાનસભ્યો સાથે પહેલાં સુરત અને પછી ગુવાહાટી પહોંચ્યા હતા. આ વિષયે પ્રશાસનને માહિતી મળી શકી નહોતી. પરિણામે હવે એકનાથ શિંદે સાથે બળવો કરનારા લગભગ ૪૦ બળવાખોર વિધાનસભ્યોના પર્સનલ સિક્યૉરિટી ઑફિસરો, કમાન્ડો અને કૉન્સ્ટેબલ પર કાર્યવાહી કરવામાં આવશે એવી માહિતી મળી હતી. શરદ પવારે આ બાબતે પોલીસ દ્વારા કોઈ કાર્યવાહી ન કરવા અંગે નારાજગી વ્યક્ત કરી હતી. 
રાજ્ય સરકાર આ તમામ અધિકારીઓ પર કાર્યવાહી કરશે. આ તમામ વિધાનસભ્યો બળવો કર્યા બાદ રાજ્યની બહાર જઈ રહ્યા હતા એ વિશેની માહિતી આ અધિકારીઓએ પ્રશાસનને કે પછી ગુપ્તચર વિભાગને ન આપી હોવાથી તેમના પર કાર્યવાહી કરવાનો આદેશ આપવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું છે. એવું પણ જાણવા મળે છે કે રાજ્યના તમામ જિલ્લા કલેક્ટરોને સંબંધિત જિલ્લાઓમાં વિધાનસભ્યોના અધિકારીઓને કારણદર્શક નોટિસ આપવાનો નિર્દેશ આપવામાં આવ્યો છે. 
છ મહિનાથી બળવાની તૈયારી થતી હતી 
એકનાથ શિંદેએ છેલ્લા છ મહિનાથી બળવો કરવાની તૈયારી કરી હોવાની માહિતી સૂત્રો પાસેથી મળી હતી. આ ઉપરાંત મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેને પાંચથી છ વખત ગૃહ ખાતા તરફથી એકનાથ શિંદેની બીજેપીના નેતાઓ સાથે મુલાકાત વધી રહી હોવાની તેમ જ શંકાસ્પદ હિલચાલ વિશે માહિતી આપવામાં આવી હતી. ગુપ્તચર ખાતાનો અહેવાલ મળ્યા બાદ પણ મુખ્ય પ્રધાનની બેદરકારીના કારણે આ સ્થિતિ સર્જાઈ હોવાનું સૂત્રો જણાવે છે. 
એકનાથ શિંદેના બળવાને લઈને શરદ પવાર ગુપ્તચર વિભાગથી નારાજ છે. તેમણે આ ઘટના પર નારાજગી વ્યક્ત કરી હોવાનું જાણવા મળ્યું હતું. 

Mumbai mumbai news maharashtra