04 July, 2025 07:49 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ગઈ કાલે વિધાનભવનમાં મીડિયા સાથે વાત કરતા આદિત્ય ઠાકરે અને નીતેશ રાણે.
મુંબઈ પોલીસે બૉમ્બે હાઈ કોર્ટને કહ્યું કે દિશા સાલિયને આત્મહત્યા કરી હતી, આ કેસમાં કોઈ કાવતરાની શંકા નથી લાગી રહી
સુશાંત સિંહ રાજપૂતની એક સમયની મૅનેજર દિશા સાલિયનના કેસમાં શિવસેના (ઉદ્ધવ બાળાસાહેબ ઠાકરે-UBT)ના નેતા અને ઉદ્ધવ ઠાકરેના પુત્ર આદિત્ય ઠાકરેને પોલીસ તરફથી ક્લીન ચિટ મળી ગઈ છે. દિશા સાલિયને પોતાના જ ફ્લૅટની બારીમાંથી ૧૪મા માળેથી કૂદીને આત્મહત્યા કરી હતી અને આ કેસમાં કોઈ કાવતરાની શંકા નથી લાગી રહી એમ મુંબઈ પોલીસે બુધવારે બૉમ્બે હાઈ કોર્ટને એના ક્લોઝર રિપોર્ટમાં જણાવ્યું હતું.
૨૦૨૦ની ૯ જૂને દિશાએ મલાડમાં આવેલા પોતાના ઘરની બારીમાંથી કૂદીને આત્મહત્યા કરી હતી. એના એક અઠવાડિયા બાદ સુશાંત સિંહ રાજપૂતે આત્મહત્યા કરી હોવાના અહેવાલ આવતાં આ કોઈ ષડ્યંત્ર હોવાનું ચર્ચાયું હતું. દિશાના પપ્પા સતીશ સાલિયને આ મુદ્દે વર્ષો સુધી મૌન રહ્યા પછી થોડા મહિના પહેલાં દિશા પર ગૅન્ગરેપ કરીને તેને મારી નાખવામાં આવી હોવાની ફરિયાદ કરીને મુંબઈ પોલીસની સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ (SIT) અને સેન્ટ્રલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશન (CBI) પાસે તપાસ કરાવવા માટે બૉમ્બે હાઈ કોર્ટને અરજી કરી હતી જેમાં શંકાની સોય આદિત્ય ઠાકરે વિરુદ્ધ પણ હતી.
માલવણી પોલીસે બૉમ્બે હાઈ કોર્ટ સમક્ષ સ્પષ્ટતા કરી હતી કે ‘ફૉરેન્સિક તપાસ અને પોસ્ટમૉર્ટમના આધારે સ્પષ્ટ થાય છે કે આ કેસ આત્મહત્યાનો જ છે. ક્લોઝ્ડ સર્કિટ ટેલિવિઝન (CCTV) કૅમેરાનાં ફુટેજ, દિશાના ફિયૉન્સે તેમ જ મિત્રોનાં નિવેદનો બધું જ એક દિશામાં છે, જેમાં કોઈ વિરોધાભાસ જણાતો નથી.’
આ કેસમાં વધુ તપાસ ચાલી રહી છે અને બૉમ્બે હાઈ કોર્ટ ૧૬ જુલાઈએ આગળની સુનાવણી હાથ ધરશે.
દિશાના પપ્પાએ પોલીસના આ રિપોર્ટ વિશે પ્રતિક્રિયા આપતાં કહ્યું હતું કે ‘ફર્સ્ટ ઇન્ફર્મેશન રિપોર્ટ (FIR) નોંધ્યા વગર SIT ગૅન્ગરેપ અને મર્ડર જેવા કેસની કાર્યવાહી હાથ ધરે છે એ ગેરકાયદે છે. તેમણે પહેલાં FIR નોંધવો જોઈએ.’
પિક્ચર અભી બાકી હૈ મેરે દોસ્ત : નીતેશ રાણે
દિશાના કેસમાં આદિત્ય ઠાકરેની સંડોવણી નથી એમ પોલીસે કરેલા ઍફિડેવિટમાં જણાતાં નીતેશ રાણેએ પ્રતિક્રિયા આપતાં જણાવ્યું હતું કે ‘આદિત્ય ઠાકરેએ બૉમ્બે હાઈ કોર્ટમાં અરજી કરતી વખતે પોતે સમાજસેવક અને ઉદ્યોગપતિ હોવાનું જણાવ્યું હતું. વિધાનસભ્ય હોવાની વાત તેણે કોર્ટથી છુપાવી હતી. તે માણસ પાસે સાચું બોલવાની શું અપેક્ષા રાખવી? યાદ છે, SITની રચના થઈ ત્યારે જ એક અધિકારી આ કેસનો સાગરીત હોવાનું જણાતાં તેને બદલવાની મેં માગણી કરી હતી? દિશાના પપ્પાએ પણ કાઉન્ટર ઍફિડેવિટ ફાઇલ કરી છે અને કોર્ટમાં હજી કેસ ચાલે છે. ૧૬ તારીખે જુઓ શું થાય છે.’
પિક્ચર અભી બાકી હૈ મેરે દોસ્ત એમ ટીખળ કરતાં નીતેશ રાણેએ પત્રકારોને કહ્યું હતું કે આ બધાં નિવેદનો રેકૉર્ડ કરી રાખો, પછી (ચુકાદો આવે પછી) કામ લાગશે.
દેવેન્દ્ર ફડણવીસે આદિત્ય ઠાકરેની માફી માગવી જોઈએ : સંજય રાઉત
દિશા સાલિયનના કેસમાંથી આદિત્ય ઠાકરેને ક્લીન ચિટ મળતાં શિવસેના (ઉદ્ધવ બાળાસાહેબ ઠાકરે-UBT)ના નેતા સંજય રાઉતે કહ્યું હતું કે ‘દિશાના કેસમાં આદિત્ય ઠાકરેની સંડોવણીને લઈને મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ અને રાજ્યકક્ષાના પ્રધાન નીતેશ રાણેએ જે ટિપ્પણી કરી હતી એ બદલ તેમણે હવે માફી માગવી જોઈએ. જેમણે પોતાના રાજકીય લાભ માટે આદિત્ય ઠાકરેની બદનામી કરી હતી એ તમામ લોકોએ આદિત્ય ઠાકરે સહિત મહારાષ્ટ્રની જનતાની પણ માફી માગવી જોઈએ.’
આદિત્ય ઠાકરેએ બૉમ્બે હાઈ કોર્ટને અરજી કરી હતી કે આ કેસનો ચુકાદો આપતાં પહેલાં તેમને તેમની વાત અદાલતમાં રજૂ કરવાની તક આપવી જોઈએ.