22 August, 2025 06:58 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
નવજાત શિશુ સાથે ખુશખુશાલ દેખાતાં ડૉ. સુજાતા, (ડાબે) બીજલ દેઢિયા અને આ ઘડીને માણી રહેલા દીકરાના પિતા બનેલા ધીરેન દેઢિયા. તસવીર : શ્રીકાંત ખુપેરકર
માતા બનવા માટે ૭ વર્ષ રાહ જોયા બાદ બાળકને જન્મ આપવાની ક્ષણ આવે એ દરેક મહિલા માટે જીવનની સૌથી સુખદ ક્ષણ હોય છે, પરંતુ ડોમ્બિવલીની બીજલ દેઢિયાને આ સુખ મળે એ પહેલાં ચિંતા અને લાચારીના દુ:ખમાંથી પસાર થવું પડ્યું હતું.
સોમવારે વરસાદે માઝા મૂકી હતી અને ડોમ્બિવલીના અનેક વિસ્તારોને જળબંબાકાર કર્યા હતા ત્યારે નવનીતનગરમાં રહેતી ૩૩ વર્ષની બીજલ દેઢિયાને સવારથી લેબર પેઇન ઊપડ્યું હતું. ડિલિવરી માટે હૉસ્પિટલ સુધી પહોંચવું કેવી રીતે એ સમસ્યા હતી, કારણ કે એ આખા વિસ્તારમાં ઘૂંટણ સુધી પાણી ભરાયાં હતાં. બસો તો બંધ જ હતી અને રિક્ષાઓ પણ આટલા વરસાદમાં હૉસ્પિટલ સુધી આવવા તૈયાર નહોતી.
બીજલના પરિવારજનોએ અનેક રિક્ષા-ડ્રાઇવરોને વિનંતી કરી, પરંતુ રસ્તાઓ પર એટલું પાણી હતું કે રિક્ષા ફસાઈ જવાની બીકે કોઈ જ તેમને મદદ કરવા તૈયાર નહોતું. કૅબ કે ટૅક્સી માટે પણ ઘણા પ્રયત્નો કરવા છતાં કલાકો સુધી કોઈ રીતે વાહનની વ્યવસ્થા થતી નહોતી. બીજલ માટે એક એક મિનિટ એક-એક કલાક જેટલી ભારે બનતી જતી હતી. હૉસ્પિટલ પહોંચવામાં મોડું થાય તો કૉમ્પ્લિકેશન થવાની ચિંતા બીજલ અને તેના પરિવારજનોને હતી. આખરે એક ઓળખીતા રિક્ષા-ડ્રાઇવરે તેમને હૉસ્પિટલ લઈ જવાની તૈયારી બતાવી હતી.
બીજલ સોમવારે બપોરે ડોમ્બિવલી-ઈસ્ટના ગાંધીનગરમાં આવેલી શ્રી સિદ્ધિ વિમેન્સ હૉસ્પિટલમાં પહોંચી હતી. હૉસ્પિટલમાં હાજર ગાયનેકોલૉજિસ્ટ ડૉ. વિવેક અને ડૉ. સુજાતા ભરામ્બેએ બીજલને તાત્કાલિક સારવાર આપી હતી. તપાસ કરતાં તેમને જણાયું કે બાળકનું માથું સામાન્ય કરતાં મોટું થઈ ગયું છે તેથી વધુ કૉમ્પલીકેશન આવે એ પહેલાં તેમણે સિઝેરિયન કરવાનો નિર્ણય લીધો હતો. આખરે રાતે ૯.૪૬ વાગ્યે બીજલે ૩.૨ કિલોના સ્વસ્થ દીકરાને જન્મ આપ્યો હતો.
ડૉ. સુજાતાએ જણાવ્યું હતું કે ‘બીજલ સવારથી કૉલ કરતી હતી, પણ તેને અહીં પહોંચવામાં મોડું થતાં તેનો કેસ થોડો સેન્સિટિવ બની ગયો હતો. જોકે હવે બીજલ અને બાળક બન્ને સ્વસ્થ છે.’
-શ્રીકાંત ખુપેરકર