મધરાતે પી.વી. નરસિંહ રાવના પ્રિન્સિપલ સેક્રેટરીનો ફોન આવ્યો અને ડૉ. મનમોહન સિંહના જીવનની દિશા સાવ બદલાઈ ગઈ

28 December, 2024 03:21 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

૧૯૯૧ની ૨૧ જૂને ડૉ. મનમોહન સિંહે રાષ્ટ્રપતિ ભવનમાં શપથ લીધા હતા. તેમણે શપથ ગ્રહણ કર્યા બાદ નાણાપ્રધાન તરીકે દેશના અર્થતંત્રમાં આમૂલ ફેરફાર કર્યા હતા અને ઉદારીકરણ દ્વારા દેશના દરવાજા ખોલી નાખ્યા હતા.

ડૉ. મનમોહન સિંહ

ડૉ. મનમોહન સિંહે જ્યારે ૧૯૯૧માં વડા પ્રધાન પી. વી. નરસિંહ રાવની સરકારમાં નાણાપ્રધાન તરીકે કાર્યભાર સંભાળ્યો એ પછી ભારતમાં આર્થિક સુધારાઓ આવ્યા અને દેશનું અર્થતંત્ર બદલાઈ ગયું અને દેશમાં ઉદારીકરણનો પવન ફૂંકાવાનો શરૂ થયો. જોકે આ પહેલાં ડૉ. મનમોહન સિંહ યુનિવર્સિટી ગ્રાન્ટ્સ કમિશનના ચૅરમૅન હતા. ૧૯૯૧માં નેધરલૅન્ડ્સમાં એક કૉન્ફરન્સમાં ભાગ લઈને તેઓ ભારત પાછા ફર્યા હતા અને રાતે સૂતા હતા ત્યારે તત્કાલીન વડા પ્રધાન પી. વી. નરસિંહ રાવના પ્રિન્સિપલ સેક્રેટરી પી. સી. ઍલેક્ઝાન્ડરે તેમને ફોન કર્યો હતો અને એ ફોન સાથે ડૉ. મનમોહન સિંહની જિંદગી અને જવાબદારીઓ પૂર્ણપણે બદલાઈ ગઈ હતી.

૧૯૯૧નો દોર એવો હતો જ્યારે ભારતમાં ભૂતપૂર્વ વડા પ્રધાન રાજીવ ગાંધીની હત્યા કરી દેવામાં આવી હતી. દેશમાં આર્થિક કટોકટી હતી, વિદેશી હૂંડિયામણની પરિસ્થિતિ સારી નહોતી, સોવિયેટ યુનિયનના વિભાજનથી દુનિયાભરમાં એની અસર જોવા મળતી હતી. પી. વી. નરસિંહ રાવને વડા પ્રધાન નિયુક્ત કરવામાં આવ્યા હતા અને એ સમયે તેમના પ્રિન્સિપલ સેક્રેટરી પી. સી. ઍલેક્ઝાન્ડરે ડૉ. મનમોહન સિંહને ફોન કર્યો હતો અને કહ્યું હતું કે તમને દેશના આગલા નાણાપ્રધાન બનાવવામાં આવી શકે છે.

ડૉ. મનમોહન સિંહની દીકરી દમન સિંહે તેની બુક ‘​સ્ટ્રિક્ટ‍્લી પર્સનલ : મનમોહન ઍન્ડ ગુરશરણ’માં પપ્પાને ટાંકીને લખ્યું છે કે તેમણે મને જોકિંગ્લી એમ પણ કહ્યું છે કે જો બધું બરાબર થશે તો આપણે એની ક્રેડિટ લઈશું, પણ જો બધું બરાબર પાર નહીં પડે તો મને કાઢી મૂકવામાં આવશે.

૧૯૯૧ની ૨૧ જૂને ડૉ. મનમોહન સિંહે રાષ્ટ્રપતિ ભવનમાં શપથ લીધા હતા. તેમણે શપથ ગ્રહણ કર્યા બાદ નાણાપ્રધાન તરીકે દેશના અર્થતંત્રમાં આમૂલ ફેરફાર કર્યા હતા અને ઉદારીકરણ દ્વારા દેશના દરવાજા ખોલી નાખ્યા હતા. જોકે પી. વી. નરસિંહ રાવ એના વિરોધમાં હતા, પણ ડૉ. મનમોહન સિંહે તેમને એ માટે મનાવી લીધા હતા. આ મુદ્દે બુકમાં લખવામાં આવ્યું છે કે નરસિંહ રાવને શરૂમાં ઉદારીકરણનો વિરોધ હતો, પણ પછી તેઓ માની ગયા હતા. જોકે તેમણે તાકીદ કરી હતી કે દેશના ગરીબ લોકોનું પણ એમાં ધ્યાન રાખવામાં આવવું જોઈએ. ડૉ. મનમોહન સિંહે તમામ ઇન્ડસ્ટ્રીને લાઇસન્સ-કન્ટ્રોલમાંથી મુક્ત કરી દીધી હતી અને મૉનોપોલીઝ ઍન્ડ રિ​સ્ટ્રિ​ક્ટિવ ટ્રેડ પ્રૅક્ટિસિસ ઍક્ટમાં સુધારા કરાવ્યા હતા. નવી ટૅક્સનીતિને અમલી બનાવી હતી અને ઘણાં સેક્ટરમાં પબ્લિક સેક્ટરની મૉનોપોલીને દૂર કરી દીધી હતી.

manmohan singh indian economy rajiv gandhi indian politics news mumbai mumbai news