શેખર સુમનના પાર્ટનર ધર્મેશ સંગાણીના ઠેકાણે EDના દરોડા, પુરાવા છુપાવવા ફોન ફેંક્યાનો આક્ષેપ

10 July, 2026 06:13 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

EDએ કલાની ઇમ્પેક્સ પ્રાઇવેટ લિમિટેડ અને તેના ડિરેક્ટર ધર્મેશ સંગાણીના ઠેકાણાઓ પર FEMA હેઠળ તપાસ હાથ ધરી છે. તપાસમાં વિદેશી સંપત્તિ, બૅન્ક ખાતાઓ અને નાણાકીય વ્યવહારો અંગે કથિત ગેરરીતિઓ મળી આવી છે. આ મામલે તપાસ વધુ આગળ વધી રહી છે.

ધર્મેશ સંગાણી અને શેખર સુમન (તસવીર: સોશિયલ મીડિયા)

એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)એ ગુરુવારે કલાની ઇમ્પેક્સ પ્રાઇવેટ લિમિટેડ અને તેના ડિરેક્ટર તથા ઉદ્યોગપતિ ધર્મેશ સંગાણીના અલગ-અલગ સ્થળો પર દરોડા પાડ્યા હતા. અધિકારીઓના જણાવ્યા અનુસાર, આ કાર્યવાહી વિદેશમાં છુપાવવામાં આવેલી સંપત્તિ, વિદેશી બૅન્ક ખાતાઓ અને નિકાસથી થતી આવકમાં કથિત ગેરરીતિઓની તપાસના ભાગરૂપે થઈ છે. ધર્મેશ સંગાણી ફિલ્મ નિર્માણ ક્ષેત્ર સાથે પણ જોડાયેલા છે. તેમનું નામ અભિનેતા અને ટીવી હોસ્ટ શેખર સુમન સાથે જોડાયેલું છે. તેઓ શેખર સુમન ફિલ્મ એકેડમીના સહ-સ્થાપક પણ છે. EDના અધિકારીઓએ જણાવ્યું કે, કલાની ઇમ્પેક્સ પ્રાઇવેટ લિમિટેડ અને ધર્મેશ સંગાણી સામે ચાલી રહેલી તપાસ હેઠળ આ તપાસ હાથ ધરવામાં આવી છે.

નિકાસની રકમ પરત ન લાવવાના મામલે કંપની પર સવાલ

રિપોર્ટ મુજબ, તપાસમાં સામે આવ્યું છે કે કંપની દ્વારા વિદેશમાં કરવામાં આવેલા કેટલાક નિકાસ વ્યવહારોની રકમ નક્કી કરેલા સમય બાદ પણ ભારતમાં લાવવામાં આવી નથી. કેટલાક વિદેશી ગ્રાહકો પાસેથી ચુકવણી પણ મળી નથી અને આ માટે અધિકૃત ડીલર બૅન્ક પાસેથી સમય વધારવાની મંજૂરી પણ લેવામાં આવી નથી. આ ઉપરાંત, બાકી રહેલી રકમ વસૂલવા માટે કંપની તરફથી કોઈ યોગ્ય દસ્તાવેજી પ્રયાસ કરવામાં આવ્યો હોવાના પુરાવા પણ મળ્યા નથી. અધિકારીઓના જણાવ્યા અનુસાર, તપાસ દરમિયાન એવું પણ સામે આવ્યું છે કે કેટલાક કેસમાં નિકાસની ચુકવણી દસ્તાવેજોમાં દર્શાવેલા ગ્રાહકો પાસેથી નહીં પરંતુ કોઈ અન્ય ત્રીજી કંપની પાસેથી મળી હતી. EDનો દાવો છે કે, દરોડા દરમિયાન જાહેર ન કરાયેલી વિદેશી સંપત્તિ અને વિદેશી બૅન્ક ખાતાઓ સાથે જોડાયેલા મહત્ત્વના પુરાવા મળ્યા છે.

ધર્મેશ સંગાણીની વિદેશી કંપનીઓ અને બૅન્ક ખાતાઓ અંગે EDની તપાસમાં નવા ખુલાસા

એક અધિકારીના જણાવ્યા અનુસાર, તપાસ દરમિયાન જાણવા મળ્યું કે ધર્મેશ સંગાણીની કૅનેડાની એક કંપનીમાં મોટી ભાગીદારી છે, જેની જાણકારી સંબંધિત વિભાગોને આપવામાં આવી ન હતી. આ ઉપરાંત, તેમની સાથે જોડાયેલા વિદેશી બૅન્ક ખાતાઓ અને નાણાકીય ટ્રાન્ઝેક્શનની માહિતી પણ જાહેર કરવામાં આવી ન હતી. તપાસમાં સંયુક્ત આરબ અમીરાત (UAE)માં આવેલી એક બિઝનેસ કંપની વિશે પણ માહિતી મળી છે, જેની અગાઉ જાણ કરવામાં આવી નહોતી. અધિકારીઓના જણાવ્યા અનુસાર, અત્યાર સુધીમાં કૅનેડા, અમેરિકા અને UAEમાં આવેલા કેટલાક એવા વિદેશી બૅન્ક ખાતાઓની ઓળખ થઈ છે, જેની માહિતી પહેલાં આપવામાં આવી ન હતી.

પુરાવા નષ્ટ કરવાનો પ્રયાસ? ફોન ફેંક્યો, વિદેશી તપાસ પણ મળી આવી

EDનો આક્ષેપ છે કે, દરોડા દરમિયાન ધર્મેશ સંગાણીએ ડિજિટલ પુરાવા નષ્ટ કરવાનો પ્રયાસ કર્યો હતો. EDની ટીમ તેમના ઠેકાણે પહોંચી ત્યારે તેમણે 13મા માળેથી પોતાનો મોબાઇલ ફોન નીચે ફેંકી દીધો હતો. આ ઘટનાની જાણ મુંબઈ પોલીસને પણ કરવામાં આવી હતી. જોકે, બાદમાં EDની ટીમે મોબાઇલ શોધી કાઢ્યો અને તેને કબજે લીધો હતો. તપાસ એજન્સીનું કહેવું છે કે કેટલાક નાણાકીય વ્યવહારોને લઈને ધર્મેશ સંગાણી અમેરિકાની કસ્ટમ્સ એજન્સીની તપાસ હેઠળ પણ છે. અધિકારીઓએ વધુમાં જણાવ્યું કે, સપ્ટેમ્બર 2016માં બ્રિટનની બોર્ડર ફોર્સે ધર્મેશ સંગાણી પાસેથી લગભગ 7.4 કિલોગ્રામ સોનાના દાગીના જપ્ત કર્યા હતા. તેમના પર સોનાની સાચી માત્રા જાહેર ન કરવાનો આરોપ હતો. આ મામલે પણ તપાસ હજી ચાલુ છે.

shekhar suman mumbai news mumbai police news national news ed enforcement directorate new delhi