19 March, 2025 10:36 AM IST | Nagpur | Gujarati Mid-day Correspondent
દેવેન્દ્ર ફડણવીસ અને હર્ષવર્ધન સપકાળની તસવીરોનો કૉલાજ
મુખ્ય પ્રધાનના શાસનની સરખામણી ઔરંગઝેબ સાથે કરનારા કૉન્ગ્રેસના પ્રદેશાધ્યક્ષને એકનાથ શિંદેએ આપ્યો જવાબ
કૉન્ગ્રેસના પ્રદેશાધ્યક્ષ હર્ષવર્ધન સપકાળે શાસક તરીકે મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસની સરખામણી ઔરંગઝેબ સાથે કરી હોવાથી એના વિશે નાયબ મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ ગઈ કાલે વિધાનસભામાં કહ્યું હતું કે ‘ઔરંગઝેબ દેશદ્રોહી હતો. તેણે ધર્મવીર સંભાજી મહારાજ સાથે કપટ કર્યું હતું, તેમની આંખ ફોડી નાખી હતી અને જીભ કાપી નાખી હતી. હર્ષવર્ધન સપકાળ, તમે દેવેન્દ્ર ફડણવીસની સરખામણી ઔરંગઝેબ સાથે કરો છો. તેમણે તમારી જીભ કાપી નાખી? આંખ ફોડી નાખી? કોની તુલના કોની સાથે કરો છો? ક્રૂર શાસક તરીકે પંકાયેલા ઔરંગઝેબની સરખામણી મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ સાથે કરો છો? નાના પટોલે, તમારા અધ્યક્ષ હર્ષવર્ધન સપકાળે માફી માગવી જોઈએ. જો માફી નહીં માગે તો તેમનું આ નિવેદન દેશદ્રોહીનું સમર્થન કરનારું હોવાથી હર્ષવર્ધન સપકાળ પણ દેશદ્રોહી બની જાય છે. તેમની સામે દેશદ્રોહનો કેસ ચલાવીએ?’
ઉલ્લેખનીય છે કે રવિવારે હર્ષવર્ધન સપકાળે કહ્યું હતું કે ‘ઔરંગઝેબ ક્રૂર રાજા હતો. અત્યારના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ પણ એટલા જ ક્રૂર શાસક છે. તેઓ કાયમ ધર્મઆધારિત સમસ્યાને સમર્થન કરે છે, પણ બિડના સરપંચ સંતોષ દેશમુખની હત્યા કરવામાં આવી હતી એ વિશે કંઈ કરતા નથી.’
તેમના આ નિવેદન બદલ મહાયુતિના નેતાઓએ હર્ષવર્ધન સપકાળ સામે કાર્યવાહી કરવાની માગણી કરી હતી.