પૌત્ર જ તરછોડી આવ્યો દાદીને આરે કૉલોનીમાં

26 June, 2025 07:18 AM IST  |  Mumbai | Samiullah Khan

પહેલાં બનેવી સાથે હૉસ્પિટલમાં લઈ ગયો, પણ ત્યાં ઍડ્‍‌મિટ ન કરવામાં આવ્યાં એટલે ઓળખીતા રિક્ષા-ડ્રાઇવરને સાથે લઈને કચરાના ઢગલા પાસે મૂકી આવ્યો : ત્રણેયની ધરપકડ

કાંદિવલીની શતાબ્દી હૉસ્પિટલના CCTV કૅમેરાના ફુટેજમાં મધરાત પછી ૨.૨૩ વાગ્યે દેખાતાં વૃદ્ધ મહિલા યશોદા.

આરે કૉલોનીના દરગાહ રોડ પર આવેલી કચરાપેટી પાસેથી શનિવારે સવારે મળી આવેલાં ​બીમાર વૃદ્ધા યશોદાના કેસમાં આરે પોલીસે તપાસ કરીને તેના જ પૌત્ર સાગર શેવાળે, સાગરના બનેવી બાબાસાહેબ ગાયકવાડ અને તેમને આરેમાં રિક્ષામાં લઈ જનારા સંજય કુડશીમની ધરપકડ કરી છે.

પોલીસે કરેલી પહેલી પૂછપરછમાં સાગરે જે માહિતી આપી હતી એમાં કેટલીક વિસંગતિઓ જણાઈ આવતાં તેના પર જ શંકા ગઈ હતી એટલે પોલીસે તેની ફેરતપાસ કરતાં આખરે તેણે કબૂલી લીધું હતું કે તેણે તેના બનેવી અને રિક્ષાવાળાની મદદથી દાદીને કચરાપેટી પાસે મૂકીને નાસી ગયા હતા.

પોલીસને તેણે ત્યાર બાદ હકીકત જણાવી હતી. યશોદા શારીરિક અને માનસિક બીમારીથી પીડાતાં હતાં. ઘટનાની રાતે-શુક્રવારે તે અકળાઈ ગયાં હતાં અને તેમણે ગળાફાંસો ખાઈને જીવન ટૂંકાવવાની કોશિશ કરી હતી. એમાં જ્યારે તે સફળ ન થયાં ત્યારે સાગરને થોડું માર્યું પણ હતું. તેમની ક​ન્ડિશન જોઈને સાગરે તેના બનેવી બાબાસાહેબ ગાયકવાડને ફોન કરીને બોલાવી લીધા. બન્નેએ તેમને હૉસ્પિટલ લઈ જવાનું નક્કી કર્યું અને એ પછી ઍમ્બ્યુલન્સ બોલાવી તેમને કાંદિવલી-વેસ્ટની શતાબ્દી હૉસ્પિટલમાં લઈ ગયા હતા. હૉસ્પિટલના ક્લોઝ્ડ સર્કિટ ટેલિવિઝન (CCTV) કૅમેરામાં એ જોવા મળે છે અને યશોદા પૅસેજમાં બેસેલાં પણ દેખાય છે. એ વખતે શુક્રવારે મધરાત બાદ ૨.૨૩ વાગ્યાનો સમય થયો હતો. જોકે એ પછી શતાબ્દી હૉસ્પિટલના સ્ટાફે તેમની પાસે પૂરતી સુવિધા ન હોવાથી તેમને ઍડ્મિટ કરવાની ના પાડી દીધી હતી એટલે તેઓ મૂંઝાયા હતા અને હવે શું કરવું એ વિશે વિચારવા લાગ્યા હતા. એ પછી સાગર પાછો ઘરે ગયો હતો. તેણે તેના ઓળખીતા રિક્ષા-ડ્રાઇવર સંજય કુડશીમને ઉઠાડ્યો અને તેને લઈને ફરી શતાબ્દી હૉસ્પિટલ આવ્યો હતો. એ પછી તેઓ યશોદાને રિક્ષામાં બેસાડીને આરે કૉલોની લઈ ગયા અને દરગાહ રોડ પરની કચરા પેટી પાસે ડમ્પ કરીને નીકળી ગયા. સાગર પહેલાં ફિલ્મસિટીમાં કામ કરતો હતો એટલે તેને એ જગ્યાની જાણ હતી. ત્યાર બાદ સાગર પાછો ઘરે આવી ગયો હતો.’

આરોપીઓ સામે ભારતીય ન્યાય સંહિતાની કલમ ૧૨૫ તેમ જ બીજાના જીવ સામે જોખમ ઊભું કરવા હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. એ સિવાય તેમની સામે મેઇન્ટેનન્સ ઍન્ડ વેલ્ફેર ઑફ પેરન્ટ્સ ઍન્ડ સિનિયર સિટિઝન ઍક્ટ ૨૦૦૭ હેઠળ પણ ગુનો નોંધવામાં આવ્યો છે.

aarey colony kandivli mumbai crime news mumbai crime news mumbai police news mumbai news mental health mumbai crime branch