04 November, 2025 12:41 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
મહા વિકાસ આઘાડીના સાથી પક્ષો શિવસેના (UBT), નૅશનલિસ્ટ કૉન્ગ્રેસ પાર્ટી (NCP-SP), કૉન્ગ્રેસ અને એમની સાથે મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (MNS) અને અન્ય વિરોધ પક્ષો દ્વારા શનિવારે ફૅશન સ્ટ્રીટથી બૃહન્મુંબઈ મ્યુનિસપિલ કૉર્પોરેશન (BMC) સુધી મોરચો કાઢીને મતદારયાદીમાંની ત્રુટિઓમાં સુધારો કરવામાં આવે એ પછી જ સ્થાનિક સ્વરાજ સંસ્થાઓની ચૂંટણી કરવામાં આવે એવી માગણી કરવામાં આવી હતી. જોકે સ્ટેટ ઇલેક્શન કમિશનના એક સિનિયર ઑફિસર દ્વારા કહેવામાં આવ્યું છે કે ચૂંટણીઓની તૈયારીઓ હવે અંતિમ ચરણમાં છે એટલે હવે એ પાછળ ઠેલવી શક્ય નથી.
સ્ટેટ ઇલેક્શન કમિશનના ઑફિસરે આ વિશે માહિતી આપતાં કહ્યું હતું કે ‘સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ કહ્યું છે કે સ્થાનિક સ્વરાજ સંસ્થાઓની ચૂંટણી ૨૦૨૬ની ૩૧ જાન્યુઆરી સુધીમાં આટોપી લેવાની છે. વળી સ્વરાજ સંસ્થાઓની ચૂંટણીઓ યોજવી એ ભગીરથ કાર્ય હોય છે. અમારે એ તબક્કાવાર લેવી પડે છે. કોર્ટે આપેલી ડેડલાઇન સુધીમાં જ એ આટોપી લેવાની હોવાથી એ માટેની તૈયારીઓ અમે ચાલુ કરી દીધી છે એટલું જ નહીં, હવે એ તૈયારીઓ અંતિમ તબક્કામાં પહોંચી ગઈ છે એટલે હવે ચૂંટણી પાછળ ઠેલવી શક્ય નથી.’