અમારું કોઈ અસ્તિત્વ જ નહીં? અમને ન્યાય નહીં મળે ત્યાં સુધી એલ્ફિન્સ્ટન બ્રિજ તોડવા નહીં દઈએ

06 September, 2025 09:13 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

એલ્ફિન્સ્ટન બ્રિજને કારણે આસપાસનાં ૧૯ બિલ્ડિંગો પણ તૂટવાનાં છે, પરંતુ આ ઇમારતોના રહેવાસીઓ પોતાના પુવર્નસન વિશે હજીયે અસ્પષ્ટ, ફરી આંદોલન કરવાની ચેતવણી

૨૫ એપ્રિલે એલ્ફિન્સ્ટન બ્રિજ બંધ કરવા સામે રહેવાસીઓએ આંદોલન કર્યું હતું.

પરેલ અને પ્રભાદેવીને જોડતા વર્ષો જૂના એલ્ફિન્સ્ટન બ્રિજને તોડી પાડવાનો નિર્ણય લેવાયો છે એ ખરું, પણ એ તોડીને નવો બનાવવામાં આડે આવતાં પરેલનાં ૧૯ બિલ્ડિંગો પણ તોડવાં પડે એમ છે. હવે બ્રિજ તોડી પાડવાની તારીખ નજીક આવી રહી છે અને ટ્રાફિક ડિપાર્ટમેન્ટે ૧૦ સપ્ટેમ્બરથી ટ્રાફિક બંધ કરશે એમ જણાવ્યું છે ત્યારે એ રહેવાસીઓ તેમને પ્રશાસન તરફથી કોઈ જ બાંયધરી કે ખાતરી ન મળવાથી ચિંતામાં છે. તેમનું કહેવું છે કે અમને નજીકના ટ્રાન્ઝિટ કૅમ્પમાં શિફ્ટ કરવાની બાંયધરી તો આપો. એ માટે તેમણે મુંબઈની ટ્રાફિક-પોલીસ, મુંબઈ મેટ્રોપૉલિટન રીજન ડેવલપમેન્ટ ઑથોરિટી (MMRDA) અને અન્ય સંબંધિત ઑથોરિટીને પત્ર લખીને ચોખવટ માગી છે. જોકે તેમના એ પત્રનો કોઈ જ ઑથોરિટીએ જવાબ આપ્યો નથી. એથી તેમનું કહેવું છે કે જો આવું જ ચાલ્યું અને અમને ખાતરી નહીં મળે તો અમે ફરી આંદોલન કરીશું અને બ્રિજ તોડવા જ નહીં દઈએ.

બ્રિજ તોડી પાડવાથી અસરગ્રસ્ત થનારા નૂરાની બિલ્ડિંગમાં રહેતાં રાબિયા ઠાકુરે કહ્યું હતું કે ‘અમે પૂરી અનિશ્ચિતતામાં જીવી રહ્યા છીએ. ઑથોરિટી તો એ રીતે વર્તી રહી છે કે જાણે અમારું કોઈ અસ્તિત્વ જ ન હોય. અમને કંઈ જ ખબર નથી કે હવે શું થશે? બ્રિજ ક્યારે તોડશે? શું અમારાં ઘર સલામત રહેશે? શું અમને એમાં જવા મળશે? શું અમને નજીકના ટ્રાન્ઝિટ કૅમ્પમાં શિફ્ટ કરવામાં આવશે? આ બેઝિક સવાલોનો કોઈ જવાબ નથી આપી રહ્યું.’

અન્ય એક રહેવાસી જ્યોતિ એસ.એ કહ્યું હતું કે ‘અમે ડિમોલિશનનો વિરોધ નથી કરી રહ્યા. અમને પણ ખબર છે કે બ્રિજ જૂનો છે એટલે એ નવો બનાવવો પડે એમ છે; પણ જે રીતે એ લોકો કામ કરી રહ્યા છે, અમને કશી જ જાણ કરતા નથી કે કમ્યુનિકેટ કરતા નથી કે પ્લાન શું છે? અમને કોઈ જ ખાતરી આપવામાં આવી નથી. આ જ દર્શાવે છે કે ઑથોરિટી સામાન્ય જનતાની કેટલી કાળજી લે છે.’

પરેલનું હાજી નૂરાની બિલ્ડિંગ, જે તોડી પાડવાનું છે.

જો આમ જ ચાલ્યું અને ઑથોરિટીએ અમને કશું જણાવ્યું નહીં તો અમારે નાછૂટકે આંદોલન તીવ્ર કરવું પડશે એમ જણાવતાં મુનાફ ઠાકુરે કહ્યું હતું કે ‘આ પહેલાં પણ અમે આંદોલન કર્યું હતું. એ વખતે પણ અમે હાથમાં પ્લૅકાર્ડ્સ લઈને અમારી માગણીઓ દર્શાવી હતી. જો બ્રિજના ડિમોલિશન પહેલાં અમને નજીકના ટ્રાન્ઝિટ કૅમ્પમાં શિફ્ટ નહીં કરાય તો અમારે નાછૂટકે અમારું આંદોલન વધુ તીવ્ર બનાવવું પડશે. અમને જ્યાં સુધી ન્યાય નહીં મળે ત્યાં સુધી અમે બ્રિજ તોડવા નહીં દઈએ.’

ઑફિસરનું શું કહેવું છે?

જૉઇન્ટ કમિશનર (ટ્રાફિક) અનિલ કુંભારેએ કહ્યું હતું કે ‘અમે આ બાબતે એપ્રિલ મહિનામાં જ નોટિસ આપી હતી અને એ નોટિસ હજી વૅલિડ જ છે. MMRDAએ તેમના રીહૅબિલિટેશન માટે પગલાં લેવાનાં છે, જોવાનું છે. અમે પહેલેથી નક્કી થયા મુજબ ૧૦ સપ્ટેમ્બરથી બ્રિજ પરની ટ્રાફિક મૂવમેન્ટ રોકી દઈશું.’

MMRDAના ઑફિસરોને આ મુદ્દે પૂછવામાં આવ્યું ત્યારે તેમણે કોઈ પ્રતિભાવ આપ્યો નહોતો.

રહેવાસીઓનું શું કહેવું છે?

મયૂર લોકે : એક બાજુ વડા પ્રધાન નરેન્દ્ર મોદીના દરેકને માટે હાઉસિંગના મોટા પ્લાન છે, પણ બીજી બાજુ અમે તો ઘર વગરના થઈ જઈશું​. આંદોલન કરવા સિવાય અમારી પાસે બીજો કોઈ વિકલ્પ નથી. અમે પહેલાં જે આંદોલન કર્યું હતું એ નાના પાયે હતું, પણ અસરકારક હતું. હજી પણ જો ઑથોરિટી અમને ગંભીરતાથી નહીં લે અને જ્યાં સુધી ટ્રાન્ઝિટ કૅમ્પમાં શિફ્ટ કરશે એમ લખી નહીં આપે ત્યાં સુધી અમે બ્રિજ પરથી હટીશું નહીં.

શ્વેતા ગુરવ : આ અમારી સાથે અન્યાય નથી થઈ રહ્યો, આ રીતે અમને લટકતા રાખીને અમાનવીય વર્તન થઈ રહ્યું છે. અમે ઉંમરલાયક છીએ અને અમારા માટે આ સ્ટ્રેસફુલ છે. અમે કંઈ અજુગતી માગણી નથી કરી રહ્યા. રહેવા માટે સુર​િક્ષત ઘર મળે એ દરેક નાગરિકનો હક છે. અમે જ્યારે અમારી ફરજ બજાવીને સમયસર ટૅક્સ ભરીએ છીએ તો અમને અમારા હક માટે કેમ ના પાડવામાં આવે છે?

અક્ષય સુતાર : અમારે એક જ અન્યાય માટે કેટલી વાર લડવાનું? જો બ્રિજ તોડવાનો જ છે અને નવા બ્રિજના પ્લાન મુજબ એના પિલર અમારાં મકાનોની જગ્યાએ બનવાના છે તો તેમણે અમને બ્રિજ તોડતાં પહેલાં જ શિફ્ટ કરી દેવા જોઈએ. અમારો રોજગાર આ જ વિસ્તારમાં છે એથી અમને આ જ વિસ્તારના ટ્રાન્ઝિટ કૅમ્પમાં શિફ્ટ કરવા જોઈએ.

ધ્રુતી પરબ : મને લાગે છે સરકાર ફક્ત આંદોલનની જ ભાષા સમજે છે, મનોજ જરાંગેની જેમ. અમારે પણ તેમની જેમ સરકાર પર દબાણ લાવવું પડશે. મને લાગે છે કે એ પછી જ તેઓ અમારી માગણઓ પૂરી કરશે.

-રિતિકા ગોંધળેકર 

parel prabhadevi elphinstone road news mumbai mumbai newws mumbai metropolitan region development authority mumbai traffic