ભિવંડીમાં પકડાઈ બનાવટી દારૂ બનાવવાની ફૅક્ટરી

07 April, 2025 06:59 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

એક્સાઇઝ ડિપાર્ટમેન્ટના ઑફિસરોએ દારૂ અને મશીનરી મળીને ૬૧.૪૩ લાખ રૂપિયાની માલમતા જપ્ત કરી

એક્સાઇઝ ડિપાર્ટમેન્ટે મીરા રોડ અને ભિવંડીમાંથી ગેરકાયદે બનાવીને વેચાતા ઇન્ડિયન મેડ ફૉરેન લિકર (IMFL)નો મોટો જથ્થો પકડી પાડ્યો

એક્સાઇઝ ડિપાર્ટમેન્ટે મીરા રોડ અને ભિવંડીમાંથી ગેરકાયદે બનાવીને વેચાતા ઇન્ડિયન મેડ ફૉરેન લિકર (IMFL)નો મોટો જથ્થો પકડી પાડ્યો હતો અને આ સંદર્ભે પાંચ જણની ધરપકડ કરવામાં આવી હતી.

એક્સાઇઝ ડિપાર્ટમેન્ટના સુપરિન્ટેન્ડેન્ટ પ્રવીણ તાંબેએ માહિતી આપતાં કહ્યું હતું કે ‘મીરા રોડની એક હોટેલ પર પાડવામાં આવેલી રેઇડમાં રામકેશ ગુપ્તા ઝડપાયો હતો. તેની પાસેથી ૧,૨૫,૪૭૦ રૂપિયાનો ગેરકાયદે દારૂ જપ્ત કરવામાં આવ્યો હતો. એમાં મુખ્યત્વે દારૂની લોકપ્રિય બ્રૅન્ડ રૉયલ ચૅલેન્જ અને DSP વ્હિસ્કીની બૉટલો હતી.’

રામકેશ ગુપ્તાની પૂછપરછમાં આ રૅકેટ ચલાવતા ભિવંડીના માસ્ટરમાઇન્ડનો પત્તો મળ્યો હતો એટલે તેના ઘરે રેઇડ પાડવામાં આવી. એ ઘરમાં જ બનાવટી દારૂનું મોટા પાયે ઉત્પાદન કરવામાં આવતું હોવાનું જોઈને ઑફિસરો ચોંકી ઊઠ્યા હતા. એમાં દારૂ બનાવવાથી લઈને એને બૉટલમાં પૅક કરવો, એના પર કૅપ બેસાડીને બૉટલ સીલ કરવી જેવી બધી જ ગોઠવણ કરવામાં આવી હતી. ત્યાંથી પણ ૪૭ લાખ રૂપિયાનો દારૂ અને પૅકેજિંગ મટીરિયલ મશીનરી અને ટ્રાન્સપોર્ટ કરવાનું વેહિકલ એમ કુલ મળીને ૬૧.૪૩ લાખ રૂપિયાની મતા જપ્ત કરી હતી.

bhiwandi crime news mumbai crime news mumbai police mira road news mumbai mumbai news