રાજ્યના પ્રધાન પર વિનયભંગનો આરોપ કરનારી મહિલાને પોલીસે છટકું ગોઠવીને એક કરોડની ખંડણી લેતાં પકડી પાડી

27 March, 2025 06:56 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

બન્ને નેતાઓના કૉલ-રેકૉર્ડ પોલીસ પાસે છે. કેટલાક વિડિયો પણ પોલીસને હાથ લાગ્યા છે. આ મામલાની તપાસ કરવામાં આવશે

જયકુમાર ગોરે

મહારાષ્ટ્રના ગ્રામીણ વિકાસ પ્રધાન અને ભારતીય જનતા પાર્ટી (BJP)ના વિધાનસભ્ય જયકુમાર ગોરે પર વિનયભંગનો આરોપ કરનારી મહિલાની પોલીસે એક કરોડ રૂપિયાની ખંડણી વસૂલવાના આરોપસર રંગેહાથ ધરપકડ કરી છે. આ મામલો વિધાનસભામાં પણ ગઈ કાલે ગાજ્યો હતો. મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે વિધાનસભામાં કહ્યું હતું કે ‘રાજ્યના પ્રધાન જયકુમાર ગોરે સાથેની ઘટના કમનસીબ છે. કોઈનું જીવન દાવ પર લાગી જાય એવું રાજકારણ કરવું યોગ્ય નથી. ૨૦૧૬માં જયકુમાર પર વિનયભંગનો આરોપ કરવામાં આવ્યો હતો અને ૨૦૧૯માં જયકુમારને દોષમુક્ત જાહેર કરવામાં આવ્યા હતા. એ પછી અચાનક આ પ્રકરણને ઉછાળવામાં આવ્યું છે. સામાન્ય રીતે આવા મામલામાં કુટુંબ અને સમાજમાં બદનામી થવાના ડરથી લેતીદેતી કરીને મામલો નીપટાવી દેવામાં આવે છે. જયકુમાર ગોરેની હિંમતને દાદ આપવી જોઈએ. તેમની પાસેથી લાંચની માગણી કરવામાં આવી હતી ત્યારે તેમણે ડરવાને બદલે પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે છટકું ગોઠવીને બ્લૅકમેઇલ કરી રહેલી મહિલાની ધરપકડ કરી હતી. આરોપી મહિલા, યુટ્યુબર તુષાર ખરાત અને અનિલ સુબેદાર સહિતના લોકોનું ખંડણી વસૂલવાનું નેક્સસ હોવાનું બાદમાં પોલીસની તપાસમાં બહાર આવ્યું હતું. પુરાવા હાથ લાગ્યા છે એમાં નેક્સસમાં સામેલ લોકો સાથે નૅશનલિસ્ટ કૉન્ગ્રેસ પાર્ટી (NCP-શરદચંદ્ર પવાર)નાં સંસદસભ્ય સુપ્રિયા સુળે અને વિધાનસભ્ય રોહિત પવાર ડાયરેક્ટ સંપર્કમાં હોવાનું જણાયું છે. બન્ને નેતાઓના કૉલ-રેકૉર્ડ પોલીસ પાસે છે. કેટલાક વિડિયો પણ પોલીસને હાથ લાગ્યા છે. આ મામલાની તપાસ કરવામાં આવશે.’

mumbai news mumbai bharatiya janata party maharashtra news maharashtra