04 July, 2025 11:20 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
તારા પતિમાં જીન ઘૂસી ગયો છે, જો એ કાઢવામાં નહીં આવે તો ૮ દિવસમાં તેનું મૃત્યુ થશે એવી ખોટી માહિતી આપીને મીરા રોડના કાશીગાવ વિસ્તારમાં રહેતી ૩૫ વર્ષની મહિલા પાસેથી આશરે ૧૧ લાખ રૂપિયાના દાગીના અને રોકડ પડાવી લેનાર અયોધ્યાગિરિ નામના ભોંદુબાબાની કાશીગાવ પોલીસે ગઈ કાલે ધરપકડ કરી હતી. મહિલાના પતિ અને ભાઈને રોજ દારૂ પીવાની લત હતી જે છોડાવવા માટે મહિલા ભોંદુબાબા પાસે ગઈ હતી. દરમ્યાન બાબાએ મહિલાને વાતોમાં ભોળવીને દારૂ છોડાવવા ઉપરાંત તેના પતિના શરીરમાં રહેલા જીનને કાઢવા માટે પૂજા કરવા ૨.૭૫ લાખ રૂપિયા રોકડા લીધા હતા એટલું જ નહીં, પૂજા સમયે ઘરના તમામ લોકોના શરીર પર રહેલું સોનું રાખવા માટેનું કહીંને પાછળથી તમામ દાગીના તફડાવી લીધા હતા.
પોલીસે જણાવ્યો આખો ઘટનાક્રમ
કાશીગાંવ પોલીસ-સ્ટેશનના સિનિયર ઇન્સ્પેક્ટર મહેશ તોગરવાડે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘મહિલાનો પતિ અને તેનો સગો ભાઈ દારૂના વ્યસની હોવાથી મહિલા અને તેનો પરિવાર ખૂબ જ ચિંતિત હતાં. દરમ્યાન ગયા મહિને મહિલાની ઓળખાણ નજીકમાં રહેતા અયોધ્યાગિરિ નામના બાબા સાથે થઈ હતી. તેણે તેના પતિ અને ભાઈની દારૂની લત છોડાવી આપીશ એવું વચન મહિલાને આપીને અમુક મંત્રો રોજ બોલવા માટે કહ્યું હતું. આ મંત્રો રોજ મહિલા પોતાના ઘરમાં બોલતી હતી. જોકે તેના પતિનું દારૂ પીવાનું ઓછુ થયું નહોતું ત્યારે ફરી મહિલા બાબા પાસે ગઈ હતી. ત્યારે બાબાએ મહિલાને કહ્યું હતું કે તારા પતિના શરીરમાં જીન ઘૂસી ગયો છે એટલે તેનું આવતા ૮ દિવસમાં મૃત્યુ નિશ્ચિત છે. બાબાએ આવું કહેતાં મહિલા ખૂબ જ ગભરાઈ ગઈ હતી. એનો ફાયદો ઉઠાવીને બાબાએ તેને કહ્યું કે આ જીન કાઢવાની એક પૂજા છે જેના માટે પાંચ લાખ રૂપિયા ખર્ચ આવશે અને ઘરના તમામ મેમ્બરોએ પહેરેલા સોના સાથે ઘરમાં રાખેલું તમામ સોનું પૂજામાં રાખવું પડશે. એ સમયે મહિલાએ બાબાની વાત પર વિશ્વાસ કરીને પોતાના પતિને બચાવવા માટે અમુક પૈસા લોન પર લઈને ૨.૭૫ લાખ રૂપિયા બાબાને આપ્યા હતા. ગયા મહિનાના અંતમાં બાબાના ઘરે અઘોરી પૂજા કરવામાં આવી ત્યારે બાબાએ પોતાના શરીરમાં ભગવાન હોવાનો દાવો કરીને તમામ દાગીના કાળા કલરના એક બૉક્સમાં મૂકી દેવા માટે કહ્યું હતું. એ મુજબ મહિલાએ તમામ દાગીના બૉક્સની અંદર રાખી દીધા હતા. એ બૉક્સ ચારથી પાંચ દિવસ બાદ ખોલવાનું કહેવામાં આવ્યું હતું. આ પૂજા બાદ સોમવારે બૉક્સ ખોલવામાં આવ્યું ત્યારે અંદર રાખેલા દાગીના મળી આવ્યા નહોતા. અંતે મહિલાને પોતાની સાથે થયેલી છેતરપિંડીની ખાતરી થતાં તેણે અમારી પાસે ફરિયાદ નોંધાવી હતી. આ ગંભીર ઘટનાની નોંધ લઈને તાત્કાલિક અમે બાબાની તપાસ કરીને તેની વસઈ વિસ્તારમાંથી ધરપકડ કરી હતી.’