ડોમ્બિવલીમાં બ્લડપ્રેશરની બનાવટી દવાનું કૌભાંડ, બે આરોપીની ધરપકડ

19 February, 2026 07:14 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

આ તપાસના આધારે મૂળ સપ્લાયર સુધી પહોંચીને આરોપીને ઝડપી લેવામાં આવ્યા છે. આ દવા ગુજરાતમાં તૈયાર થઈ હોવાની પ્રાથમિક માહિતી મળી છે. 

પ્રતીકાત્મક તસવીર

જાણીતી બ્રૅન્ડની નકલ કરીને ૯ લાખ રૂપિયાની બ્લડપ્રેશરની બનાવટી દવા વેચવાના આરોપમાં માનપાડા પોલીસે ૩૩ વર્ષના પંકજ ઉપાધ્યાય અને ૩૩ વર્ષના વિવેક રાયની ધરપકડ કરી છે. આરોપીઓ ટેલ્મિસાર્ટન 40 અને એમ્લોડિપિન 5 ટૅબ્લેટ્સને શ્રીરામ ફાર્માના લાઇસન્સ હેઠળ મૂળ ઉત્પાદક કંપનીની દવા તરીકે એને બજારમાં વેચતા હતા. ફૂડ ઍન્ડ ડ્રગ ઍડ્મિનિસ્ટ્રેશન (FDA)એ ૨૦ જાન્યુઆરીએ ડોમ્બિવલી-ઈસ્ટના એક ગોડાઉનમાં દરોડો પાડીને ૮,૯૪,૪૦૦ રૂપિયા કિંમતની ૨૭૯૫ સ્ટ્રિપ નકલી ટૅબ્લેટ્સ જપ્ત કરી હતી. ત્યાર બાદ FDAએ માનપાડા પોલીસ-સ્ટેશનમાં ડ્રગ્સ ઍન્ડ કૉસ્મેટિક્સ ઍક્ટ હેઠળ ફરિયાદ નોંધાવી હતી. આ તપાસના આધારે મૂળ સપ્લાયર સુધી પહોંચીને આરોપીને ઝડપી લેવામાં આવ્યા છે. આ દવા ગુજરાતમાં તૈયાર થઈ હોવાની પ્રાથમિક માહિતી મળી છે. 

માનપાડા પોલીસ-સ્ટેશનના એક સિનિયર અધિકારીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘ડોમ્બિવલી-ઈસ્ટમાં રહેતા સ્થાનિક દવાના ડિસ્ટ્રિબ્યુટર પંકજ ઉપાધ્યાયના ગોડાઉનમાં FDAએ ૨૦ જાન્યુઆરીએ દરોડો પાડ્યો હતો. મુખ્ય આરોપી પંકજને દવા બનાવટી હોવાની માહિતી હોવા છતાં તેણે અનેક મેડિકલ સ્ટોરને એ દવા વેચી હતી. તપાસ દરમ્યાન જાણવા મળ્યું હતું કે નકલી જથ્થો કાંદિવલી-ઈસ્ટમાં રહેતા વિવેક રાય પાસેથી મળ્યો હતો જેના આધારે પછીથી તેની પણ ધરપકડ કરવામાં આવી છે. આ કેસમાં દવા ક્યાં તૈયાર કરવામાં આવી હતી એની તપાસ હાથ ધરવામાં આવી છે.’

mumbai news mumbai dombivli mumbai police maharashtra news maharashtra Crime News mumbai crime news