બ્રૅન્ડેડના નામે ડુપ્લિકેટ દારૂ

31 December, 2024 02:05 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

કોપરખૈરણેમાં દિનેશગર ગુસાઈના ઘરે એક્સાઇઝ ડિપાર્ટમેન્ટે છાપો મારીને સાત લાખ રૂપિયાની ​​વ્હિસ્કી જપ્ત કરી : આ બનાવટી દારૂ થર્ટીફર્સ્ટની પાર્ટી માટે બોરીવલી જઈ રહ્યો હતો

નવી મુંબઈના એક્સાઇઝ ડિપાર્ટમેન્ટના ઑફિસરોએ ૭ લાખ રૂપિયાના બનાવટી દારૂ સાથે બે જણની ધરપકડ કરી.

થર્ટીફર્સ્ટે પાર્ટી કરી દારૂ પીવાનું ચલણ વધી ગયું હોવાથી એનો ફાયદો લઈને ‍પૈસા કમાવાની ગણતરી સાથે બનાવટી દારૂ પણ સર્વ કરાતો હોય છે. નવી મુંબઈમાં એક્સાઇઝ ડિપાર્ટમેન્ટે પોર્ટર ઍપ દ્વારા જે માલ સપ્લાય કરવામાં આવે છે એના એક ટેમ્પોમાં બનાવટી દારૂનો મોટો જથ્થો પકડી પાડ્યો હતો. ટેમ્પોમાંથી હાઈ ક્વૉલિટી બ્રૅન્ડની સ્કૉચ ​​વ્હિસ્કીની ૧૯ ડુપ્લિકેટ બૉટલ મળી આવી હતી. આ ટેમ્પોના ૩૭ વર્ષના ડ્રાઇવર મુલાયમ કમલાશંકર યાદવને પકડીને ડુપ્લિકેટ દારૂની બૉટલો જપ્ત કરવામાં આવી હતી.

એક્સાઇઝ ડિપાર્ટમેન્ટના ઑફિસરોએ ડ્રાઇવરની પૂછપરછ કરતાં તેણે એ દારૂનું પાર્સલ કોપરખૈરણેમાંથી ઉપાડ્યું હોવાનું જણાવ્યું હતું. આથી પોલીસ સાથે મળી એક્સાઇઝના ઑફિસરોએ કોપરખૈરણેના સેક્ટર-૧૮ના એક ઘરમાં છાપો માર્યો હતો અને ૩૧ વર્ષના દિનેશગર ગુસાઈને ઝડપી લીધો હતો. દિનેશગર મૂળ કચ્છના સામખિયાળીનો છે અને આ જગ્યા તેણે ભાડે લીધી હતી. ત્યાં તે આ ડુપ્લિકેટ ​વ્હિસ્કી બનાવતો હતો અને એને બ્રૅન્ડેડ કંપનીઓના નામે માર્કેટમાં વેચતો હતો. તેની પાસેથી બનાવટી ​વ્હિસ્કીની ૭૮ સીલબંધ બૉટલ અને ૩૭૯ સ્કૉચની ખાલી બૉટલો મળી આવી હતી. આમ કુલ ૭,૫૨,૧૯૩ રૂપિયાનો બનાવટી દારૂ તેમણે જપ્ત કર્યો હતો.

એક્સાઇઝ ડિપાર્ટમેન્ટના ઑફિસરો તેઓ આ ખાલી બૉટલો ક્યાંથી મેળવે છે અને આ રૅકેટનો મુખ્ય સૂત્રધાર કોણ છે એની તપાસ ચલાવી રહ્યા છે.

પ્રદૂષણ પર પાણી

 બાંદરા-વેસ્ટમાં ઑટર્સ ક્લબ પાસે ચાલી રહેલા કામને લીધે રોડ પર માટીનો ઢગલો હોવાથી ગઈ કાલે એના પર પાણીનો છંટકાવ કરવામાં આવ્યો હતો જેથી ધૂળના રજકણ હવામાં ફેલાઈને એને પ્રદૂષિત કરે.      (તસવીર : સૈયદ સમીર અબેદી)

navi mumbai new year festivals mumbai police news mumbai mumbai news