09 August, 2026 07:23 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
ઉરણ-પનવેલ-પેણનાં ૧૨૪ ગામના વિસ્તારમાં મુંબઈ ૩.૦ બનાવવાની તૈયારી થઈ રહી છે ત્યારે ત્યાંના સ્થાનિક ખેડૂતોએ એ બદલ વિરોધ નોંધાવ્યો છે. તેમણે ૨૫,૦૦૦ જેટલા વાંધાવચકા મોકલ્યા હોવાનો દાવો કરવામાં આવ્યો છે. સરકારે તેમના વાંધાવચકા પર સુનાવણી ન લેતાં એકતરફી જમીન હસ્તગત કરવાનો નિર્ણય લીધો હોવાનો આરોપ ખેડૂતોએ કર્યો છે. એથી ૧૫ ઑગસ્ટે કોકણ ભવન સામે તેઓ ધરણા પર બેસશે એમ ખેડૂત પ્રતિનિધિએ જણાવ્યું છે.
ખેડૂતોનું કહેવું છે કે આ વિસ્તારની જમીન ઉપજાઉ છે અને વર્ષમાં બે વાર એમાંથી પાક લેવામાં આવે છે. આ વિસ્તાર પહેલેથી ‘ભાતના કોઠાર’ તરીકે જાણીતો છે. આ ઉપજાઉ જમીન પર મોટા પ્રમાણમાં બાંધકામ થશે તો ખેતી સહિત પર્યાવરણનું મોટા પ્રમાણમાં નુકસાન થશે એવો તેમને ડર છે.
મીટિંગનું આશ્વાસન ન પાળ્યું
આ પ્રશ્ન પર પહેલી જુલાઈએ આંદોલન થવાનું હતું. એ વખતે અર્બન ડેલવપમેન્ટ ડિપાર્ટમેન્ટના ચીફ સેક્રેટરી અને મુંબઈ મેટ્રોપૉલિટન રીજન ડેવલપમેન્ટ ઑથોરિટી (MMRDA)ના ઉચ્ચ અધિકારીઓ સાથે ૧૦-૧૨ દિવસોમાં જૉઇન્ટ મીટિંગ કરવામાં આવશે એવું આશ્વાસન અપાતાં એ આંદોલન મોકૂફ રાખવામાં આવ્યું હતું. એને એક મહિનો વીતી જવા છતાં મીટિંગ બોલાવાઈ નથી એટલે આ બાબતે વહેલી તકે મીટિંગ બોલાવીને ખેડૂતોની સમસ્યાઓનું સમાધાન કરવામાં આવે નહીં તો ૧૫ ઑગસ્ટે કોકણ ભવન સામે લોકશાહીના માર્ગે ધરણા આંદોલન કરવામાં આવશે એવી ચીમકી ખેડૂત સંઘના અધ્યક્ષ સુધાકર પાટીલે આપી છે.