શિવસેના નામ અને ધનુષ-બાણ કોનાં? અંતિમ ફેંસલો હવે ૨૧ જાન્યુઆરીએ

13 November, 2025 07:32 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

સુપ્રીમ કોર્ટે ગઈ કાલની સુનાવણીમાં ફાઇનલ હિયરિંગ ૨૧ જાન્યુઆરી પર રાખ્યું, NCPનાં નામ અને સિમ્બૉલનો નિર્ણય પણ ત્યારે જ આવશે

સુપ્રીમ કોર્ટમાં શિવસેના (UBT)એ પક્ષનું નામ શિવસેના અને પાર્ટીનું સિમ્બૉલ ધનુષ-બાણ તેમને જ ફાળવવામાં આવે એ માટે અરજી કરી હતી

સુપ્રીમ કોર્ટમાં શિવસેના (UBT)એ પક્ષનું નામ શિવસેના અને પાર્ટીનું સિમ્બૉલ ધનુષ-બાણ તેમને જ ફાળવવામાં આવે એ માટે અરજી કરી હતી. સુપ્રીમ કોર્ટના જસ્ટિસ સૂર્યકાંત અને જયમાલ્યા બાગચીની બેન્ચે ગઈ કાલે આ કેસની સુનાવણી હવે ૨૧ જાન્યુઆરી પર ઠેલી છે. આ સુનાવણી સાથે જ અજિત પવારના નેતૃત્વવાળી નૅશનલિસ્ટ કૉન્ગ્રેસ પાર્ટી (NCP)ને પાર્ટીનું અધિકૃત ચિહ્‌ન ઘડિયાળ અને નામ આપવા બદલ નૅશનલિસ્ટ કૉન્ગ્રેસ પાર્ટી (શરદચંદ્ર પવાર-SP)એ નોંધાવેલી અરજી પર પણ સુનાવણી કરવામાં આવશે. આ બન્ને અરજીઓમાં સામ્ય હોવાથી કોર્ટે આ નિર્ણય લીધો હતો. સાથે જ કોર્ટે એવો પણ નિર્દેશ આપ્યો છે કે બાવીસમી જાન્યુઆરીએ સવારે કોઈ મહત્ત્વની મૅટરની સુનાવણી રાખવી નહીં, જેથી ઉપરોક્ત અરજીની સુનાવણી જો બીજા દિવસે લંબાય તો એ કન્ટિન્યુ કરી શકાય.

કોર્ટના આ પગલાને લીધે શિવસેના (UBT)એ બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કૉર્પોરેશનની ચૂંટણી હાલમાં એને ફાળવવામાં આવેલા ચિહ્‌ન મશાલ અને નામ શિવસેના (‍ઉદ્ધવ બાળાસાહેબ ઠાકરે) અંતર્ગત જ લડવી પડે એવી શક્યતાઓ જણાઈ રહી છે. 

શું બન્યું હતું?
મૂળ શિવસેનામાંથી એકનાથ શિંદે વિધાનસભ્યો અને સંસદસભ્યોનો સાથ મેળવીને અલગ થયા એ પછી ઉદ્ધવ ઠાકરેએ આ બાબતે ઇલેક્શન કમિશનને જણાવ્યું હતું કે શિવસેના પક્ષનું ચિહ્‌ન ધનુષ-બાણ અને પાર્ટીનું નામ તેમને જ વાપરવા મળવું જોઈએ. જોકે ઇલેક્શન કમિશને પક્ષના બહુમતી સભ્યોનો સાથ એકનાથ ​શિંદે ધરાવતા હોવાથી તેમને પક્ષપ્રમુખ તરીકે માન્યતા આપી હતી અને પક્ષનું નામ અને ચિહ્‌ન તેમની પાસે જ રહ્યું હતું. એથી ઇલેક્શન કમિશનના આ પગલાને શિવસેના (UBT)એ સુપ્રીમ કોર્ટમાં પડકાર્યું હતું.

mumbai news mumbai supreme court shiv sena maharashtra news maharashtra government maharashtra political news nationalist congress party