માહિમનો કિલ્લો પર્યટન-સ્થળ બનશે?

21 March, 2023 10:23 AM IST  |  Mumbai | Priti Khuman Thakur

મહારાષ્ટ્રના ઐતિહાસિક કિલ્લા પર થયેલું અતિક્રમણ બીએમસીએ દૂર કર્યું : ઝૂંપડાવાસીઓને મુંબઈમાં વિવિધ ઠેકાણે રહેવા માટે વ્યવસ્થા કરી આપી

માહિમ કિલ્લા પર થયેલું અતિક્રમણ દૂર કરાયું હતું અને ત્યાંનાં ઝૂંપડાં પર કાર્યવાહી કરીને રહેવાસીઓને રહેવા માટે પર્યાયી વ્યવસ્થા કરી આપવામાં આવી હતી

બીએમસીની હદમાં આવેલા જી-ઉત્તર વિભાગમાં ઐતિહાસિક માહિમ કિલ્લો આવેલો છે. આ કિલ્લો જોખમી અ‍વસ્થામાં આવી ગયો હતો. કિલ્લાની સમુદ્ર બાજુની દીવાલ અને ભાગ અત્યંત ખરાબ અવસ્થામાં હતાં. આ કિલ્લાનો અમુક ભાગ અથવા કિલ્લો તૂટી જાય તો મોટી સંખ્યામાં જાનહાનિ થઈ શકે એમ હતી. બીએમસીએ તપાસ કરતાં જણાયું હતું કે ત્યાંના રહેવાસીઓ માટે અહીં રહેવું જોખમી બની ગયું હતું. એથી અહીંના ત્રણ હજારથી વધુ રહેવાસીઓની સુરક્ષાને ધ્યાનમાં લઈને ૨૬૭ ઝૂંપડાં જમીનદોસ્ત કરી ત્યાંના રહેવાસીઓને પર્યાયી વ્યવસ્થા ઉપલબ્ધ કરીને આપીને મહારાષ્ટ્રના ઐતિહાસિક વારસો ધરાવતા આ કિલ્લાનું જતન કરવું આવશ્યક બની ગયું હતું.

માહિમનો કિલ્લો મુંબઈના સમુદ્રકિનારાને લાગીને છે અને માહિમ સમુદ્રકિનારાને અડીને છે. ઉત્તર કોંકણના રાજા બિંબદેવે અહીં પોતાનું રાજ્ય બનાવ્યું હતું. આ રાજ્ય ‘મહિકાવતી’ એવું પણ કહેવાતું હતું. બિંબદેવ રાજાના વંશ દ્વારા માહિમમાં આ કિલ્લો ૧૧૪૦થી ૧૨૪૧ દરમ્યાન બાંધવામાં આવ્યો હતો. આ કિલ્લો ૮૦૦ વર્ષ જૂનો છે. અંગ્રેજોએ માહિમના કિલ્લાને એક વખતે કાળી બંદર તરીકે ઉપયોગમાં લીધો હોવાથી ત્યાં કસ્ટમ્સ હાઉસ પણ બનાવ્યું હતું. સ્વાતંત્ર્ય બાદ માહિમ કિલ્લાના પરિસરમાંથી કસ્ટમ્સ હાઉસ ખાલી કરાવાયું હતું, પરંતુ આ કિલ્લાની માલિકી હજી પણ તેમની છે.  

૧૯૭૨માં કાયદા અનુસાર આ કિલ્લાને મહારાષ્ટ્ર અંતર્ગત રાજ્ય સંરિક્ષત સ્મારક તરીકે જાહેર કરવામાં આવ્યો ત્યારે કસ્ટમ્સ હાઉસ વિભાગે સુરક્ષા હટાવી લીધી હતી. એથી કિલ્લા પર સંપૂર્ણપણે અતિક્રમણ થયું અને ત્યાં વિવિધ વસ્તુઓનો ઉપયોગ કરીને ઝૂંપડાં બાંધવામાં આવ્યાં હતાં. ત્યાં રહેતા લોકો અનેક સેવા જેમ કે વીજળી, પીવાનું પાણી વગેરેનો પણ ઉપયોગ કરે છે. જોકે વર્ષો જૂના આ કિલ્લાની એક બાજુ અતિ જોખમી થવાથી માહિમના કિલ્લાનો જીર્ણોદ્ધાર કરવો જરૂરી થઈ ગયો હતો.

આ વિસ્તાર જોખમી હોવાથી પહેલાં એને વિશેષ પ્રકલ્પ તરીકે જાહેર કરવામાં આવ્યો હતો. ત્યાર બાદ અહીંનાં ઝૂંપડાંઓનો સર્વે કરવામાં આવ્યો હતો અને તેમને નોટિસ આપવામાં આવી હતી. તેમનાં ઝૂંપડાંના પુરાવા અથવા ડૉક્યુમેન્ટ્સ મગાવવામાં આવ્યા હતા. હાલનાં ૨૬૭ ઝૂંપડાંમાંથી ૨૬૩ ઝૂંપડાધારક યોગ્ય પાત્રતા ધરાવતા હતા. તેમનું યોગ્ય જગ્યાએ પુનર્વસન કરવામાં આવે એટલે સમયસર ઝૂંપડાધારકો સાથે બેઠક લેવામાં આવતી હતી. ઝૂંપડપટ્ટી પુનર્વિકાસ પ્રાધિકરણ સાથે પત્રવ્યવહાર કર્યો હોવાથી તેમને મલાડમાં સાંઈરાજ ગુરાઈપાડામાં ચાલતા પુનવર્સન પ્રકલ્પમાં બાંધવામાં આવેલા સંક્રમણ શિબિર બિલ્ડિંગમાં ૧૭૫ અને ભંડારી મેટલર્જીમાં પ્રકલ્પના બિલ્ડિંગમાં ૭૭, માલવણીમાં રૉયલ ફિંચ બિલ્ડિંગમાં ૧૧ એમ વ્યવસ્થા કરી આપવામાં આવી હતી. તેમને રહેવાની જગ્યા કરી આપી હોવા છતાં તેઓ ઘર ખાલી કરી રહ્યા ન હોવાથી તેમને સમજાવીને ઘર ખાલી કરાવ્યાં હતાં. એમ છતાં અમુક ઝૂંપડાધારકો ઘર ખાલી કરીને આપેલી જગ્યાએ જતા ન હોવાથી પ્રકલ્પ અટવાઈ રહ્યો હોવાથી વિભાગના અધિકારીઓએ પોલીસની મદદ લઈને ઝૂંપડાં ખાલી કરાવ્યાં હતાં. આ કાર્યવાહી વખતે અમુક લોકો પર પાસેના પોલીસ સ્ટેશનમાં કેસ પણ નોંધવામાં આવ્યા હતા.

જી-ઉત્તર વિભાગના અસિસ્ટન્ટ મ્યુનિસિપલ કમિશનર પ્રશાંત સપકાળેએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘માહિમના કિલ્લાનું રિપેરિંગ કરીને એને પર્યટકો માટે પર્યટન-સ્થળ તરીકે ખુલ્લો મૂકવા માટે પુરાતન સલાહકારની નિમણૂક કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. વિવિધ અધિકારીઓ અને બીએમસીના કમિશનર સહિત સંપૂર્ણ ટીમને કારણે માહિમ કિલ્લા પર થયેલું અતિક્રમણ દૂર કરી શકાયું હતું અને આ કિલ્લાનો જીર્ણોદ્ધાર કરીને કિલ્લાના પુરાતન વારસાનું જતન કરવું શક્ય બન્યું છે.’

mumbai mumbai news mahim maharashtra brihanmumbai municipal corporation preeti khuman-thakur