19 March, 2026 07:13 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
અંધેરી રેલવે-સ્ટેશનના બ્રિજ પર કરવામાં આવેલી કાર્યવાહી.
અંધેરી રેલવે-સ્ટેશન પર મિડલ રેલવે બ્રિજ પર ગઈ કાલે વેસ્ટર્ન રેલવેના કમર્શિયલ વિભાગ દ્વારા ટિકિટ વગર મુસાફરી કરતા લોકો સામે ખાસ ચકાસણી-અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. આ કાર્યવાહી ટિકિટ કલેક્ટર (TC) અને રેલવે પ્રોટેક્શન ફોર્સ (RPF) દ્વારા સંયુક્ત રીતે કરવામાં આવી હતી. વહેલી સવારથી શરૂ થયેલી આ ડ્રાઇવ દરમ્યાન મોટી સંખ્યામાં ટિકિટ વગરના મુસાફરો ઝડપાયા હતા. પરિસ્થિતિને નિયંત્રિત રાખવા માટે બ્રિજ પર કૉર્ડન કરીને એક ખાસ કઠેડા જેવો વિસ્તાર બનાવવામાં આવ્યો હતો, જ્યાં પકડાયેલા મુસાફરોને ઊભા રાખવામાં આવ્યા હતા. RPFના જણાવ્યા મુજબ બપોર સુધીમાં અંદાજે ૧૧૬ મુસાફરો પાસેથી દંડ વસૂલ કરવામાં આવ્યો હતો, જ્યારે દંડ ન ભરનારા મુસાફરોને સ્થાનિક કોર્ટમાં હાજર કરવામાં આવ્યા હતા. અધિકારીઓએ જણાવ્યું હતું કે મોટી સંખ્યામાં ટિકિટ વગરના મુસાફરોને નિયંત્રિત કરવા અને તેઓ નાસી ન જાય એ માટે આ ખાસ વ્યવસ્થા કરવામાં આવી હતી.