06 March, 2026 08:18 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
નવી મુંબઈના કોપરખૈરણેમાં એક બિલ્ડિંગનો સ્લૅબ તૂટી પડતાં નીચે ચાલી રહેલા કોચિંગ ક્લાસિસના ૧૮ વિદ્યાર્થીઓ ફસાઈ ગયા હતા. ૧૦ વિદ્યાર્થીઓને તાત્કાલિક બચાવી લેવામાં આવ્યા હતા, જ્યારે અન્ય વિદ્યાર્થીઓને કાટમાળ નીચેથી કાઢવામાં સમય લાગી ગયો હતો. એને કારણે પાંચ વિદ્યાર્થીઓની હાલત ગંભીર થઈ ગઈ હતી. સારવાર દરમ્યાન સાતમા ધોરણમાં ભણતા ૧૩ વર્ષના એક વિદ્યાર્થીએ જીવ ગુમાવ્યો હતો.
આ ઘટના કોપરખૈરણેની વિદ્યાભવન સોસાયટીમાં બની હતી. સોસાયટીમાં ગ્રાઉન્ડ ફ્લોર પર એક પ્રાઇવેટ કોચિંગ ક્લાસિસ ચાલી રહ્યા હતા. ક્લાસ ચાલી રહ્યો હતો ત્યારે પહેલા માળના ઘરનો આખો સ્લૅબ અચાનક તૂટી પડ્યો હતો. સ્લૅબ તૂટી પડતાં ક્લાસમાં હાજર ૧૮ વિદ્યાર્થીઓ એની નીચે ફસાઈ ગયા હતા. સ્લૅબ તૂટવાના જોરદાર અવાજને કારણે સોસાયટીના લોકો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગયા હતા અને સ્લૅબ નીચે ફસાયેલા વિદ્યાર્થીઓને બહાર કાઢવામાં આવ્યા હતા. ફાયર-બ્રિગેડના કર્મચારીઓ ઘટનાસ્થળે પહોંચ્યા બાદ કાટમાળ નીચે દટાયેલા અન્ય વિદ્યાર્થીઓને બહાર કાઢવામાં આવ્યા હતા.
ઈજાગ્રસ્ત વિદ્યાર્થીઓને તાત્કાલિક નજીકની હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. આ ઘટના સાથે નવી મુંબઈમાં જોખમી ઇમારતોનો મુદ્દો ફરી એક વાર સામે આવ્યો છે.