લાંબા વિલંબ બાદ મેટ્રો 9 અને 2Bનો પ્રથમ તબક્કો આજથી પબ્લિક માટે શરૂ

08 April, 2026 10:05 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

મુંબઈનું મેટ્રો નેટવર્ક વધુ વિસ્તૃત અને મજબૂત બનાવવા માટે મેટ્રો 9 અને મેટ્રો 2Bના પહેલા તબક્કાનું ગઈ કાલે લોકાર્પણ કરવામાં આવ્યું હતું. લાંબા વિલંબ બાદ આજથી આ મેટ્રો લાઇન્સ મુસાફરો માટે ખુલ્લી મુકાશે

દહિસર-ઈસ્ટ મેટ્રો સ્ટેશન પરથી ગઈ કાલે કાશીગાવ સુધીની મેટ્રો 9ને લીલી ઝંડી બતાવીને ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ અને નાયબ મુખ્ય પ્રધાનો એકનાથ શિંદે તથા સુનેત્રા પવાર અને મુંબઈનાં મેયર રિતુ તાવડેએ નવી મેટ્રોને લીલી ઝંડી આપી હતી. તસવીર : સતેજ શિંદે

મુંબઈનું મેટ્રો નેટવર્ક વધુ વિસ્તૃત અને મજબૂત બનાવવા માટે મેટ્રો 9 અને મેટ્રો 2Bના પહેલા તબક્કાનું ગઈ કાલે લોકાર્પણ કરવામાં આવ્યું હતું. લાંબા વિલંબ બાદ આજથી આ મેટ્રો લાઇન્સ મુસાફરો માટે ખુલ્લી મુકાશે. 

દહિસર-ઈસ્ટથી ભાઈંદરના શહીદ ભગત સિંહ ગાર્ડન સુધી દોડનારી મેટ્રો 9ના પહેલા તબક્કા તરીકે દહિસર-ઈસ્ટ અને કાશીગાવ સ્ટેશન સુધીની મેટ્રોની શરૂઆત થઈ છે. ડી. એન. નગરથી મંડાલે વચ્ચે દોડનારી મેટ્રો 2Bના ફર્સ્ટ ફેઝ તરીકે ચેમ્બુરના ડાયમન્ડ ગાર્ડનથી મંડાલે વચ્ચેની મેટ્રો પણ કાર્યરત થઈ ગઈ છે.

મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ તથા નાયબ મુખ્ય પ્રધાનો એકનાથ શિંદે તથા સુનેત્રા પવારે દહિસર-ઈસ્ટ સ્ટેશનથી નવી મેટ્રો ટ્રેનને લીલી ઝંડી બતાવીને પ્રસ્થાન કરાવ્યું હતું અને પોતે કાશીગાવ સુધી મુસાફરી કરીને સુવિધાઓનું નિરીક્ષણ કર્યું હતું. ટ્રાન્સપોર્ટ મિનિસ્ટર પ્રતાપ સરનાઈક અને મુંબઈનાં મેયર રિતુ તાવડે પણ આ પ્રસંગે હાજર રહ્યાં હતાં.

મુખ્ય પ્રધાને જણાવ્યું હતું કે ‘મીરા-ભાઈંદરમાં મેટ્રો 9ના સાંઈબાબાનગર અને સુભાષચંદ્ર બોઝ મેદાન વચ્ચેના બીજા તબક્કાનું લગભગ ૯૬ ટકા કામ પૂરું થઈ ગયું છે. ૪ સ્ટેશનો સાથે ૪.૩ કિલોમીટર લાંબા બીજા તબકકાનું ઉદ્ઘાટન આ વર્ષના અંતમાં થશે.’

મેટ્રો 2B ડી. એન. નગરથી મંડાલે (માનખુર્દ) સુધી દોડાવાતાં વેસ્ટર્ન અને ઈસ્ટર્ન સબર્બની કનેક્ટિવિટી વધશે. અત્યારે ડાયમન્ડ ગાર્ડન-મંડાલે સુધીનો તબક્કો શરૂ કરવામાં આવ્યો છે જેમાં ડાયમન્ડ ગાર્ડન, શિવાજી ચોક, BSNL મેટ્રો, માનખુર્દ, મંડાલે સ્ટેશનો વચ્ચે મેટ્રો દોડશે. આખો કૉરિડોર શરૂ થતાં અંધેરી-વેસ્ટ, બાંદરા-કુર્લા કૉમ્પ્લેકસ, કુર્લા અને ચેમ્બુરની કનેક્ટિવિટી સરળ બનશે. 

૩૫૦થી ૪૦૦ રૂપિયાને બદલે માત્ર ૫૦ રૂપિયામાં ગુંદવલીથી કાશીગાવ

ગુંદવલી (અંધેરી-ઈસ્ટ)થી કાશીગાવ સુધીની અંદાજે ૨૦ કિલોમીટરની મુસાફરી માટે હવે મુસાફરોએ ટૅક્સી કે રિક્ષાના ૩૫૦થી ૪૦૦ રૂપિયાને બદલે માત્ર ૫૦ રૂપિયા ખર્ચવા પડશે. ગુંદવલીથી કાશીગાવ સુધીનું સિંગલ જર્નીનું ભાડું ૫૦ રૂપિયા રહેશે, જ્યારે પાંડુરંગવાડી અને મીરાગાવ સુધીની મુસાફરી માટે ૪૦ રૂપિયા ચૂકવવા પડશે. દહિસર–ઈસ્ટથી કાશીગાવ સુધીનું ભાડું માત્ર ૨૦ રૂપિયા રાખવામાં આવ્યું છે, જ્યારે પાંડુરંગવાડીથી કાશીગાવ વચ્ચેનું ભાડું ૧૦ રૂપિયા રહેશે.

ગુંદવલીથી કાશીગાવની હવે સીધી કનેક્ટિવિટી

હવે મેટ્રો 7 ગુંદવલીથી કાશીગાવ સુધી ચાલશે તેમ જ મેટ્રો 2A અંધેરી-વેસ્ટથી દહિસર-ઈસ્ટ સ્ટેશન સુધી જશે. આમ જે સર્ક્યુલર રૂટ હતા એ બંધ કરવામાં આવ્યા છે. એથી એક લાઇનના પ્રવાસીએ હવે બીજી લાઇનમાં પ્રવાસ કરવા દહિસર-ઈસ્ટ સ્ટેશન પર એક મેટ્રોમાંથી ઊતરીને બીજી મેટ્રો પકડવી પડશે. મુસાફરો મેટ્રો 2A અને મેટ્રો 7માં પ્રવાસ કરવા પેઇડ એરિયામાંથી બહાર નીકળ્યા વિના ઇન્ટરચેન્જનો લાભ લઈ શકશે.

નવી મેટ્રોનું ટાઇમટેબલ જાણી લો 

મેટ્રો 2A : અંધેરી-વેસ્ટથી દહિસર-ઈસ્ટ કૉરિડોર પર પહેલી ટ્રેન સવારે ૫.૫૦ વાગ્યે ઊપડશે અને છેલ્લી ટ્રેન રાતે ૧૧.૦૦ વાગ્યાની હશે. 
મેટ્રો 7 અને મેટ્રો 9 (ઇન્ટિગ્રેટેડ રેડ લાઇન કૉરિડોર) : ગુંદવલીથી કાશીગાવ માટેની પહેલી ટ્રેન સવારે ૫.૫૦ વાગ્યે અને છેલ્લી ટ્રેન રાતે ૧૧.૦૦ વાગ્યે ઊપડશે.
મેટ્રો 2B : મંડાલેથી ડાયમન્ડ ગાર્ડન માટે પહેલી ટ્રેન સવારે ૬.૦૦ વાગ્યે અને છેલ્લી ટ્રેન રાતે ૧૦.૩૦ વાગ્યે ઊપડશે.

મીરા-ભાઈંદરની ૩૦ ટકા જમીન નરેન્દ્ર મહેતા પાસે છે એવી મસ્તી કરતા પ્રતાપ સરનાઈકને મુખ્ય પ્રધાને આપી હસતા મોઢે ચેતવણી

આપણે અહીં મજાક કરીએ છીએ અને આ બધા એનું રેકૉર્ડિંગ કરી રહ્યા છે, સંભાળજો

મેટ્રો 9ના ફર્સ્ટ ફેઝ દહિસર-ઈસ્ટથી કાશીગાવનું ગઈ કાલે ઉદ્ઘાટન થયું હતું. એ પછી મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ, નાયબ મુખ્ય પ્રધાન એકનાથ શિંદે, રાજ્યના ટ્રાન્સપોર્ટ મિનિસ્ટર પ્રતાપ સરનાઈક, વિધાનસભ્ય સંજય ઉપાધ્યાય, શિવસેનાના નેતા પ્રકાશ સુર્વે અને મીરા–ભાઈંદરના વિધાનસભ્ય નરેન્દ્ર મહેતાએ મેટ્રોમાં પ્રવાસ કર્યો હતો. એ વખતે તેમની વચ્ચે મજાક-મસ્તી ચાલી રહી હતી અને સાથે મીડિયાના ફોટોગ્રાફરો પણ હતા જેઓ ફોટો અને વિડિયો રેકૉર્ડ કરી રહ્યા હતા.

એ વખતે પ્રતાપ સરનાઈકે મુખ્ય પ્રધાનને હસતાં-હસતાં કહ્યું હતું કે મીરા-ભાઈંદરની ૩૦ ટકા જમીન નરેન્દ્ર મહેતાની છે અને તેઓ એમાંની ૧૦ ટકા જમીન મને આપવા તૈયાર છે. એ વખતે તેમને વારવા પાછળથી નરેન્દ્ર મહેતાએ તેમનો ખભો દબાવ્યો હતો, પણ પ્રતાપ સરનાઈક બોલતા જ રહ્યા હતા.

સમયની નજાકત પારખીને મુખ્ય પ્રધાને હસતાં-હસતાં તેમને કહ્યું હતું કે આપણે અહીં મજાક-મસ્તી કરી રહ્યા છીએ અને આ બધા ફોટોગ્રાફરો એનું રેકૉર્ડિંગ કરી રહ્યા છે, સંભાળજો. મુખ્ય પ્રધાનનું એ સ્ટેટમેન્ટ સાંભળીને બધા ખડખડાટ હસી પડ્યા હતા.

બન્યું હતું એવું કે મેટ્રોના કાશીગાવ સ્ટેશન પાસે એક દાદરાનું કામ રખડી પડ્યું છે. એ દાદરો જ્યાં બનાવવાનો છે એ જમીન નરેન્દ્ર મહેતાની કંપનીની છે અને આ જમીન મેટ્રોને આપવા માટે વધુ વળતરની માગણી કરી રહ્યા છે. આ જ વાત પકડીને સરનાઈકે હસતાં-હસતાં વાત છેડી હતી અને એમાં મજાક-મજાકમાં કેટલીક વાતો બહાર આવી ગઈ હતી. 

mumbai news mumbai mumbai metro devendra fadnavis eknath shinde sunetra pawar maharashtra government maharashtra news maharashtra