20 August, 2025 07:30 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
દેવેન્દ્ર ફડણવીસ
છેલ્લા ૩ દિવસથી રાજ્યને ધમરોળી રહેલા વરસાદમાં ૮ જણનાં મૃત્યુ થયાં છે જ્યારે સેંકડો લોકો બેઘર થયા છે. એથી હંમેશાં દોડતી રહેતી મુંબઈ પણ અટકી ગઈ હતી. ભારે વરસાદને કારણે રાજ્યના અનેક જિલ્લાઓમાં અતિવૃષ્ટિ થઈ છે. સ્ટેટ ડિઝૅસ્ટર મૅનેજમેન્ટ ડિપાર્ટમેન્ટ સાથે કોઑર્ડિનેટ કરીને પરિસ્થિતિ પર નજર રાખી રહેલા દેવેન્દ્ર ફડણવીસે કહ્યું હતું કે હવામાન ખાતાના જણાવ્યા અનુસાર હજી ૪૮ કલાક સુધી ભારે વરસાદની આગાહી હોવાથી આપણે પૂરતી કાળજી સાથે સાવચેતી લેવી જરૂરી છે.
સોમવારે રાતે પણ સતત વરસાદ ચાલુ રહેતાં મુંબઈની નીચાણવાળા વિસ્તારો સહિત અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયાં હતાં. એથી બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કૉર્પોરેશન (BMC)એ સરકારી અને અર્ધ સરકારી ઑફિસોમાં રજા જાહેર કરી દીધી હતી. બૉમ્બે હાઈ કોર્ટ જે સવારે ૧૧.૦૦થી ૫.૦૦ વાગ્યા સુધી ચાલતી હોય છે એ બપોરે ૧૨.૩૦ વાગ્યા સુધી જ ચાલુ રહી હતી.
સેન્ટ્રલ રેલવેએ એની હાર્બર લાઇનની સર્વિસિસ પાટા પર પાણી ભરાવાને કારણે છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ (CSMT)થી લઈને કુર્લા વચ્ચે બંધ રાખવી પડી હતી. એ જ પ્રમાણે મેઇન લાઇનમાં પણ કુર્લા પાસે ટ્રૅક પર પાણી ભરાયાં હોવાને કારણે કલાકો સુધી સર્વિસિસ બંધ રાખી હતી. વરસાદ ધીમો પડ્યા બાદ પાણી ઓસરતાં ધીમે-ધીમે મેઇન લાઇનની ટ્રેનો કુર્લા અને એની આગળ દોડતી થઈ હતી.