04 July, 2025 06:54 AM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
પ્રતીકાત્મક તસવીર (સૌજન્ય: AI)
મુંબઈમાં ફૂડ ડિલિવરી ઍપ માટે કામ કરતા 45 વર્ષીય વ્યક્તિનું એક હાઈ-પ્રોફાઇલ બિલ્ડિંગના 22મા માળે સ્થિત સ્વિમિંગ પુલમાં લપસી જવાથી મૃત્યુ થયું. મૃતકની ઓળખ ઈમરાન અકબર ખોજાદા તરીકે થઈ છે, જે મુંબઈના ડોંગરી વિસ્તારમાં રહેતો હતો.
ઇમરાન અકબર ખોજાદા ગ્રાન્ટ રોડ રેલ્વે સ્ટેશન નજીક એક ઇમારતમાં ફૂડ ડિલિવરી પહોંચાડવા જઈ રહ્યો હતો. રાત્રે લગભગ 11.45 વાગ્યે આ ઘટના બની ત્યારે તે ફોન પર વાત કરી રહ્યો હતો. ગામદેવી પોલીસે જણાવ્યું હતું કે ઇમારતના સીસીટીવી ફૂટેજમાં, ઇમરાન 22 મા માળે સ્થિત સ્વિમિંગ પૂલ પાસેથી પસાર થતો અને તેમાં પડી જતો જોવા મળે છે.
હૉસ્પિટલ દ્વારા મૃત જાહેર
જ્યારે સુરક્ષા ગાર્ડે ડિલિવરી બૉય આવી રહ્યો હોવાની જાણ કરી, ત્યારે ફૂડનો ઓર્ડર આપનારા લોકો ઈમરાનને જોવા માટે બહાર આવ્યા. તેઓએ ઈમરાનનો મૃતદેહ પાણીમાં તરતો જોયો અને તેને તાત્કાલિક સ્થાનિક હૉસ્પિટલમાં લઈ જવામાં આવ્યો જ્યાં તેને મૃત જાહેર કરવામાં આવ્યો. બાદમાં પોલીસને ઘટનાની જાણ કરવામાં આવી.
પોલીસે ઇમરાનના પરિવારના સભ્યોનો સંપર્ક કર્યો અને તેના ભાઈનું નિવેદન નોંધ્યું, જેમણે કહ્યું કે તેમને મૃત્યુના સંબંધમાં કોઈ પર શંકા નથી. પોલીસે આ કેસમાં અકસ્માત મૃત્યુનો અહેવાલ નોંધ્યો છે.
પોલીસને કોઈ ગોટાળાની શંકા નથી
પોલીસ અધિકારીએ કહ્યું કે પોલીસને કોઈ ગોટાળાની શંકા નથી કારણ કે સીસીટીવી ફૂટેજમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે ઈમરાન ફોન પર વાત કરી રહ્યો હતો. પછી તે સ્વિમિંગ પુલમાં લપસી ગયો. પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો. પરિવાર તરફથી પણ કંઈ શંકાસ્પદ નથી.
તાજેતરમાં, ગોરેગામ-ઈસ્ટમાં એક યુવકે અજાણ્યા બિલ્ડિંગ પરથી કૂદીને આત્મહત્યા કરી હોવાનો આઘાતજનક બનાવ બન્યો છે. રિક્ષામાં અજાણ્યા બિલ્ડિંગ પાસે આવીને યુવકે રિક્ષાડ્રાઇવરને કહ્યું કે પપ્પા પાસેથી રિક્ષાભાડાના પૈસા લઈને આવું છું અને બિલ્ડિંગના વૉચમૅનને કહ્યું કે બિલ્ડિંગમાં કોઈનું કામ છે. બન્નેને ભ્રમમાં રાખીને બિલ્ડિંગની ટેરેસ પરથી ઝંપલાવીને વીસથી પચીસ વર્ષના યુવાને આત્મહત્યા કરી હતી. આરે પોલીસ-સ્ટેશનના સિનિયર પોલીસ-ઇન્સ્પેક્ટર રવીન્દ્ર પાટીલે જણાવ્યું હતું કે ‘મંગળવારે સવારે વીસથી પચીસ વર્ષનો એક યુવક રિક્ષામાં બેસીને એક રેસિડેન્શિયલ બિલ્ડિંગમાં આવ્યો હતો. તેણે રિક્ષાડ્રાઇવરને કહ્યું કે મારે રિક્ષા માટે પપ્પા પાસેથી પૈસા લેવા પડશે, હું થોડી જ વારમાં પૈસા લઈને આવું છું. ત્યાર બાદ તે યુવક બિલ્ડિંગમાં ગયો હતો અને વૉચમૅને પૂછપરછ કરતાં તેણે બિલ્ડિંગમાં કોઈને મળવા માટે આવ્યો હોવાનું જણાવ્યું હતું. વૉચમૅનને આવું કહીને યુવકે બિલ્ડિંગની ટેરેસ પર જઈને નીચે ઝંપલાવી દીધું હતું.’ આ બનાવની જાણ થતાં આરે પોલીસે ઘટનાસ્થળે પહોંચી પંચનામું કરીને યુવકની બૉડી તાબામાં લીધી હતી. યુવકની ઓળખ તેમ જ બનાવની વધુ વિગત મેળવવા માટે પોલીસની કાર્યવાહી ચાલી રહી છે.