✕

ગોરેગામમાં છૂટો ફરતો દીપડો પાંજરામાં ફસાયો

27 November, 2026 09:37 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

થોડા દિવસો પહેલાં જ એક દીપડાએ દહેશત ફેલાવી હતી. એના કારણે દિંડોશીમાં રહેતા લોકોમાં ગભરાટ ફેલાયો હતો. એ દીપડો આખરે ગઈ કાલે પકડાઈ ગયો હતો.

પાંજરે પુરાયેલો દીપડો

ગોરેગામ-ઈસ્ટમાં દિંડોશી પાસે જ જંગલ વિસ્તાર હોવાથી અવારનવાર દીપડો આવી ચડે છે.  થોડા દિવસો પહેલાં જ એક દીપડાએ દહેશત ફેલાવી હતી. એના કારણે દિંડોશીમાં રહેતા લોકોમાં ગભરાટ ફેલાયો હતો. એ દીપડો આખરે ગઈ કાલે પકડાઈ ગયો હતો.

થાણે ફૉરેસ્ટ ડિપાર્ટમેન્ટ હેઠળના મુંબઈ રેન્જના રેન્જ ફૉરેસ્ટ ઑફિસર સંતોષ ડગળેએ ગઈ કાલે જણાવ્યું હતું કે ‘૯ નવેમ્બરે ગોરેગામ-ઈસ્ટના દિંડોશીસ્થિત સમતા સંકલ્પ સોસાયટીના મૅનેજર તરફથી મળેલી ફરિયાદના પગલે અમારી ટીમે એ પરિસરની તપાસ કરી અને ત્યાં દીપડો હોવાની પુષ્ટિ કરી હતી. ત્યાર બાદ ૧૪ નવેમ્બરે કરવામાં આવેલી તપાસ અને જનજાગૃતિ અભિયાન દરમ્યાન અમને જણાયું કે સોસાયટીમાં જમીન નજીક ઝાડીઓ અને અસ્તવ્યસ્ત સામાન પડેલો હતો જે ખાસ કરીને સિનિયર સિટિઝનો અને બાળકો માટે રિસ્ક ઊભું કરી શકે એમ હતો. આ ઉપરાંત આશરે ૬૦૦થી ૮૦૦ મીટરના વિસ્તારમાં દીપડાની હિલચાલ પણ જોવા મળી હતી. સ્થાનિક જનપ્રતિનિધિઓનાં સૂચનોને ધ્યાનમાં રાખીને અને લોકોની સુરક્ષાને અગ્રતા આપીને અમે ૧૫ નવેમ્બરે સોસાયટી પરિસરમાં એક પાંજરું ગોઠવ્યું હતું અને ચોવીસે કલાક પૅટ્રોલિંગ માટે કર્મચારીઓને તહેનાત કર્યા હતા. આજે ૨૬ નવેમ્બરે દીપડો એ પાંજરામાં આવી ગયો હતો. અમારા અધિકારીઓ અને કર્મચારીઓ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. હવે આ દીપડાનું વેટરિનરી ડૉક્ટર દ્વારા પરીક્ષણ કરવામાં આવશે અને ત્યાર બાદ વાઇલ્ડલાઇફ પ્રોટેક્શન ઍક્ટની જોગવાઈઓ મુજબ આગળની કાર્યવાહી કરવામાં આવશે.’

goregaon animal maharashtra forest department dindoshi wildlife news mumbai mumbai news