મુલુંડની ફરસાણની દુકાનમાંથી ઘરગથ્થુ ગૅસનાં ચાર સિલિન્ડર જપ્ત

21 April, 2026 08:09 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

આ મામલે મુલુંડના રૅશનિંગ ઑફિસર વિશાલ ગોસાવીની ફરિયાદના આધારે મુલુંડ પોલીસે દુકાનમાં કામ કરતા એક કર્મચારી સામે ફરિયાદ નોંધીને વધુ તપાસ શરૂ કરી છે

રૅશનિંગ અધિકારીઓએ જપ્ત કરેલાં સિલિન્ડરો.

મુલુંડ-વેસ્ટના ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદ રોડ પર વર્ધમાનનગરમાં આવેલી જામનગરી સ્વીટ ઍન્ડ ફરસાણની દુકાનમાં રવિવારે સાંજે રૅશનિંગના અધિકારીઓએ છાપો મારીને ૪ ઘરગથ્થુ ગૅસ સિલિન્ડરો જપ્ત કર્યાં હતાં. આ મામલે મુલુંડના રૅશનિંગ ઑફિસર વિશાલ ગોસાવીની ફરિયાદના આધારે મુલુંડ પોલીસે દુકાનમાં કામ કરતા એક કર્મચારી સામે ફરિયાદ નોંધીને વધુ તપાસ શરૂ કરી છે. 

મુલુંડના રૅશનિંગ ઑફિસર વિશાલ ગોસાવીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘વર્ધમાનનગરમાં આવેલી જામનગરી સ્વીટ ઍન્ડ ફરસાણ દુકાનમાં ઘરગથ્થુ ગૅસ સિલિન્ડરોનો કમર્શિયલ ઉપયોગ થતો હોવાની અમને માહિતી મળી હતી. એના આધારે રવિવારે સાંજે છાપો મારીને તપાસ કરવામાં આવતાં ઘરગથ્થુ સિલિન્ડરોનો ઉપયોગ કરવામાં આવતો હોવાનું જોવા મળ્યું હતું. આ કેસમાં ૪ ઘરગથ્થુ સિલિન્ડર જપ્ત કરવામાં આવ્યાં છે અને દુકાનમાં કામ કરતા એક કર્મચારી સામે ફરિયાદ નોંધવામાં આવી છે. આવતા સમયમાં અન્ય દુકાનો અને હોટેલોમાં પણ આ પ્રકારે તપાસ કરવામાં આવશે.’

mumbai news mumbai mulund maharashtra news maharashtra lpg cylinder Crime News mumbai crime news