10 August, 2026 07:41 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
યુનિયન મિનિસ્ટ્રી ઑફ રોડ ટ્રાન્સપોર્ટ ઍન્ડ હાઇવેઝ દ્વારા જન વિશ્વાસ (સુધારણા) કાયદો, ૨૦૨૬ની અમલવારી વિશેનું નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું છે. આ નવા સુધારા હેઠળ ૧૫ ઑગસ્ટથી મોટર વ્હીકલ ઍક્ટ હેઠળનાં નાનાં-મોટાં ટ્રાફિક-ઉલ્લંઘનોને ગુનામુક્ત એટલે કે ડીક્રિમિનલાઇઝ કરવામાં આવશે તેમ જ એને કમ્પાઉન્ડેબલ એટલે કે દંડ ભરીને સમાધાનયોગ્ય બનાવવામાં આવ્યાં છે.
નવા નિયમ અનુસાર મોટર વાહન કાયદાની કલમ 200 અંતર્ગત કલમ 177-Aનો સમાવેશ કરવામાં આવ્યો છે જેમાં ટ્રાફિકના સામાન્ય નિયમોનો ભંગ, લેનની શિસ્ત ન જાળવવી અને રોડ-સાઇનના ઉલ્લંઘન જેવા નાના ગુનાઓ આવરી લેવાયા છે. હવે આવા નિયમભંગ બદલ ડ્રાઇવરોએ કોઈ ફોજદારી અદાલતના કે કોર્ટના ધક્કા ખાવા નહીં પડે. ડ્રાઇવરો ઈ-ચલાન અથવા અધિકૃત માધ્યમો દ્વારા નિર્ધારિત દંડની રકમ ભરીને સ્થળ પર જ કેસનો નિકાલ કરી શકશે. સરકારના આ મહત્ત્વપૂર્ણ સુધારાથી વાહનમાલિકો, ડ્રાઇવરો અને ટ્રાન્સપોર્ટરોને મોટી રાહત મળશે.