16 October, 2026 01:01 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
નવરાત્રિનો પવિત્ર તહેવાર ચાલી રહ્યો છે. આ દરમ્યાન લોકો ફળાહાર કરીને ઉપવાસ કરતા હોય છે અને પ્રસાદીરૂપે પણ ફળો માતાજીને ધરવામાં આવતાં હોય છે ત્યારે ફળોની ભારે ડિમાન્ડ હોય છે. એવા સમયે જ ફળોના ભાવ આસમાને પહોંચ્યા છે. રાજ્યમાં અનેક ભાગોમાં દુકાળની અસર હોવાથી ફળોના ઉત્પાદનને અસર પહોંચી છે. ખૂબ ઓછું ઉત્પાદન થયું હોવાને કારણે ઍગ્રિકલ્ચરલ પ્રોડ્યુસ માર્કેટ કમિટીમાં પણ ફળોની આવક ઓછી છે.
મહારાષ્ટ્રમાં ફળોનું ખાસ ઉત્પાદન ન થયું હોવાને કારણે મુખ્યત્વે ગુજરાત અને મધ્ય પ્રદેશથી ફળો મગાવવાં પડે છે અને એના માટે ટ્રાન્સપોર્ટનો ખર્ચ વધી ગયો છે. ટ્રાન્સપોર્ટ ઉપરાંત વધારાની મજૂરી સહિતના ખર્ચમાં વધારો થયો હોવાને કારણે ફળોના ભાવ પણ વધ્યા છે. હોલસેલ માર્કેટમાં ફળોની કિંમતમાં વીસથી ૩૦ ટકા જ્યારે સામાન્ય માર્કેટોમાં લોકો ત્રીસથી ૪૦ ટકા વધુ ભાવ ચૂકવીને ફળો ખરીદી રહ્યા છે.
રાજ્યમાં અનેક ભાગોમાં ફળોના ઉત્પાદન માટે જોઈએ એવો વરસાદ ન પડતાં સફરજન, સંતરાં, મોસંબી, જમરૂખ, તરબૂચ, પપૈયાં, દાડમ, કેળાં અને ચીકુ સહિતનાં ફળોના ભાવો વધ્યા છે. ગ્રાહકોની માગણી નવરાત્રિને કારણે ખૂબ વધી ગઈ હોવાથી એને પૂરી કરવા માટે બહારનાં રાજ્યોમાંથી ફળો લાવવાં પડે છે.
ફળોના સરેરાશ ભાવ
ફળ હોલસેલ કિંમત બજારકિંમત
સફરજન ૧૦૦થી ૨૦૦ રૂપિયે કિલો ૨૦૦થી ૨૫૦ રૂપિયે કિલો
મોસંબી ૮૦થી ૧૦૦ રૂપિયે કિલો ૧૫૦ રૂપિયે કિલો
સંતરાં ૭૦થી ૯૦ રૂપિયે કિલો ૧૦૦થી ૧૨૦ રૂપિયે કિલો
તરબૂચ ૨૦ રૂપિયાથી શરૂ ૪૦ રૂપિયાથી શરૂ