PoPના મૂર્તિકારોને પોતાની બાજુ રજૂ કરવાનો મોકો આપવાની કરી માગણી

21 February, 2025 07:02 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

માઘી ગણેશોત્સવમાં અમુક મંડળો અને સરકાર વચ્ચે વિસર્જનના મુદ્દે ઘર્ષણ થયા બાદ સમન્વય સમિતિએ દેવેન્દ્ર ફડણવીસ અને એકનાથ શિંદેને પત્ર લખ્યો

માઘી ગણેશોત્સવમાં કેટલાંક ગણેશોત્સવ મંડળોએ PoPની મોટી મૂર્તિની સ્થાપના કરી હતી

ગણપતિ મંડળો સાથે કો-ઑર્ડિનેટ કરતી બૃહન્મુંબઈ સાર્વજનિક ગણેશોત્સવ સમન્વય સમિતિએ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ અને નાયબ મુખ્ય પ્રધાન એકનાથ શિંદેને પત્ર લખીને પ્લાસ્ટર ઑફ પૅરિસ (PoP)ની મૂર્તિ પર બૉમ્બે હાઈ કોર્ટે પ્રતિબંધ મૂક્યો છે એમાં વચલો માર્ગ કાઢવાની માગણી કરી છે. માઘી ગણેશોત્સવમાં કેટલાંક ગણેશોત્સવ મંડળોએ PoPની મોટી મૂર્તિની સ્થાપના કરી હતી. તેમને સમુદ્રમાં કે કુદરતી તળાવમાં મૂર્તિનું વિસર્જન કરવા દેવામાં નહોતું આવ્યું જેને લીધે મુશ્કેલી સર્જાઈ હતી.

પ્રતિબંધ મૂકવામાં આવ્યો હોવા છતાં સાર્વજનિક ગણેશોત્સવ મંડળોએ PoPની મોટી મૂર્તિની સ્થાપના કર્યા બાદ તેમને આ મૂર્તિઓનું સમુદ્રમાં વિસર્જન કરવા ન દેવાતાં કેટલાંક મંડળોએ મૂર્તિનું વિસર્જન કરવાનું ટાળ્યું હતું. મંડળોના આ નિર્ણયની ખૂબ ટીકા થઈ હતી.

બૃહન્મુંબઈ સાર્વજનિક ગણેશોત્સવ સમન્વય સમિતિનું કહેવું છે કે ‘અમે મૂર્તિકાર કે માઘી ગણેશોત્સવ મંડળનું પ્રતિનિધિત્વ નથી કરતા. એટલું જ નહીં, અમે ગણેશોત્સવની ઉજવણી પણ નથી કરતા. સ‌મન્વય ‌સમિતિનું કામ ગણેશોત્સવ મંડળ અને સરકાર વચ્ચે કોઈ વિવાદ ઊભો થાય ત્યારે માત્ર કો-ઑર્ડિનેશન કરીને કાયદો અને વ્યવસ્થા ખરાબ ન થાય એ જોવાનું છે. ૨૦૨૦થી અમે સરકારને કહી રહ્યા છીએ કે PoPની મૂર્તિ બનાવતા મૂર્તિકારોને આ બાબતે રજૂઆત કરવા માટે એક તક આપવામાં આવે. સરકારે PoPની મૂર્તિ પર્યાવરણ માટે કેટલી હાનિકારક છે એ વૈજ્ઞાનિક રીતે પુરવાર કરવા માટે ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ ટેક્નૉલૉજી (IIT) અને નૅશનલ એન્વાયર્નમેન્ટલ એન્જિનિયરિંગ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ (NEERI)ના નિષ્ણાતોની નિયુક્તિ કરવી જોઈએ. સરકારે ભૂતકાળમાં બે કમિટી નિયુક્ત કરી હતી, પરંતુ હજી સુધી એનો રિપોર્ટ જાહેર નથી કરવામાં આવ્યો.’

BMCએ ગણેશોત્સવ માટે સૂચના જાહેર કરી
બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કૉર્પોરેશન (BMC)એ આગામી ગણેશોત્સવની ઉજવણી બાબતે સૂચના જાહેર કરી છે. એમાં ઇકો-ફ્રેન્ડ્લી ગણેશમૂર્તિ અને મૂર્તિની ઊંચાઈ‌ની સૂચના આપવામાં આવી છે. સાર્વજનિક ગણેશોત્સવ મંડળોને કોર્ટના આદેશનું પાલન કરવાનું, મંડપ ઊભો કરવા માટે રસ્તા કે ફુટપાથ પર ખાડા ન ખોદવાનું તથા ઇકો-ફ્રે‌ન્ડલી મૂર્તિનું આગમન અને વિસર્જન સરળતાથી થઈ શકે એટલી ઊંચાઈની જ મૂર્તિની સ્થાપના કરવાનું કહેવામાં આવ્યું છે. 

devendra fadnavis ganesh chaturthi festivals brihanmumbai municipal corporation environment bombay high court culture news religion eknath shinde political news news mumbai mumbai news