11 February, 2025 09:27 AM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
પ્રતીકાત્મક તસવીર
છેલ્લા થોડા સમયથી મહારાષ્ટ્રમાં ગુઇલેન-બેર સિન્ડ્રોમ (જીબીએસ)ની દહેશત (GBS Case in Maharashtra) ફેલાઈ છે. સતત એના કેસ વધી રહ્યા હોવાનું જોવા મળી રહ્યું છે. આ સિન્ડ્રોમે જાણે મહારાષ્ટ્રને ભરડામાં લીધું હોય એમ સતત રાજ્યમાં કેસની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. તાજેતરમાં જ રાજ્ય આરોગ્ય વિભાગે માહિતી આપી હતી કે અત્યાર સુધીમાં ગુઇલેન-બેર સિન્ડ્રોમ (જીબીએસ)ના કુલ 192 શંકાસ્પદ કેસો મળ્યા છે, જેમાં 167 જેટલા કેસોની પુષ્ટિ થઈ છે. આ સાથે જ સોમવારે પૂણેની અંદર એક ૩૭ વર્ષના યુવકનું મોત થયું છે.
આ સાથે જ સિન્ડ્રોમની અસરને કારણે થયેલા મોતનો આંકડો આપતા તેઓએ જણાવ્યું હતું કે અત્યારસુધી સાત મૃત્યુ નોંધાયા છે, જેમાંથી એકની પુષ્ટિ જીબીએસ તરીકે થઈ હતી, જ્યારે છ શંકાસ્પદ છે.
આમ તો, ગુઇલેન-બેર સિન્ડ્રોમ (જીબીએસ)ના કેસો રાજ્ય (GBS Case in Maharashtra)ના વિવિધ વિભાગોમાં જોવા મળ્યા છે. ખાસ કરીને પુણે મ્યુનિસિપલ કોર્પોરેશન (પીએમસી)ના 39, પીએમસી વિસ્તારમાં નવા ઉમેરાયેલા ગામોમાંથી 91, પિંપરી ચિંચવડ મ્યુનિસિપલ કોર્પોરેશન (પીસીએમસી)ના 29, પુણે ગ્રામીણ વિભાગમાંથી 25 અને અન્ય જિલ્લાઓમાંથી 8 કેસનો સમાવેશ થાય છે. અત્યારે 48 જેટલા દર્દીઓ ઇન્ટેન્સિવ કેર યુનિટ (આઈસીયુ)માં સારવાર લઈ રહ્યા છે, જ્યારે 21 વેન્ટિલેટર પર હોવાની માહિતી મળી છે. આ સાથે જ 91 દર્દીઓ એવા છે જેઓ સારવાર લઈને ઘરે ગયા છે.
અત્યારે સમગ્ર રાજ્ય (GBS Case in Maharashtra)માં આ માટે આરોગ્ય વિભાગ સજ્જ થયું છે. 6 ફેબ્રુઆરીએ તો પૂણે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પૂણેના નાંદેડ વિલેજ, ધાયારી અને આસપાસના વિસ્તારોમાં સિંહગઢ રોડ પર 30 ખાનગી પાણી પુરવઠા પ્લાન્ટને સીલ કરી દેવામાં આવ્યા હતા. આ એવા વિસ્તારો છે કે જ્યાંથી રોગનું સંક્રમણ ફેલાયું હોવાની શંકા છે.
3 ફેબ્રુઆરીએ કેન્દ્રીય આરોગ્ય મંત્રીએ મહારાષ્ટ્રના મુખ્ય આરોગ્ય અને તબીબી મંત્રીઓ સાથે એક ઉચ્ચ સ્તરીય બેઠકનું પણ આયોજન કર્યું હતું. આ સંક્રમણથી જેજે દર્દીઓ અસરગ્રસ્ત થયા છે તે તમામ લોકોનું પરીક્ષણ કરીને યોગ્ય સારવાર મળે એ હેતુસર રાજ્યના આરોગ્ય અધિકારીઓ સમીક્ષા કરી રહ્યા છે.
જોવા મળ્યું છે કે ગુઇલેન-બેરે સિન્ડ્રોમમાં શરીરની રોગપ્રતિકારક શક્તિ પેરિફેરલ નર્વસ સિસ્ટમ પર હુમલો કરે છે. જેને કારણે જો શરીરનાં સ્નાયુઓ નબળા હોય અથવા તો કોઈ ગંભીર બીમારી હોય તો લકવાનાં લક્ષણ દેખાઈ આવે છે. આ સિન્ડ્રોમ સાથે સંકળાયેલા કેસમાં જોવા મળ્યું છે કે શરીરની કોશિકાઓને નુકસાન થાય છે.
ન માત્ર મહારાષ્ટ્ર પરંતુ દેશના અન્ય ચાર રાજ્યો (GBS Case in Maharashtra)માં આ સિન્ડ્રોમના કેસ જોવા મળ્યા છે. તેલંગાણામાં એક કેસ છે. જ્યારે આસામમાં એક 17 વર્ષની છોકરીનો જીવ ગયો હતો. બીજો કોઈ સક્રિય કેસ નોંધાયો નથી.