17 April, 2026 07:25 AM IST | Nashik | Gujarati Mid-day Correspondent
નીતેશ રાણે
મહારાષ્ટ્રના પ્રધાન અને ભારતીય જનતા પાર્ટી (BJP)ના નેતા નીતેશ રાણેએ ગુરુવારે રાજ્યમાં કૉર્પોરેટ જેહાદનો ઉદ્ભવ થયો હોવાનો દાવો કર્યો હતો અને કહ્યું હતું કે જેહાદી પ્રવૃત્તિઓ અટકાવવા માટે ફક્ત હિન્દુ ઉમેદવારોને નોકરી પર રાખવાને પ્રેફરન્સ આપવો એ સમયની જરૂરિયાત છે. તેમણે આ કમેન્ટ નાશિકમાં તાતા કન્સલ્ટન્સી સર્વિસિસ (TCS)ના BPO યુનિટમાં ધાર્મિક પરિવર્તન અને જાતીય સતામણીના કેસ સંદર્ભે કરી હતી.
નાશિકમાં TCS કેસનો ઉલ્લેખ કરતાં નીતેશ રાણેએ આરોપ લગાવ્યો હતો કે ધાર્મિક પરિવર્તન માટે નોકરીઓનો દુરુપયોગ થઈ રહ્યો છે. તેમણે કહ્યું હતું કે ‘જો વેપારથી લઈને કૉર્પોરેટ ઑફિસો સુધીના દરેક પ્લૅટફૉર્મનો ઉપયોગ વિવિધ પ્રકારના જેહાદ દ્વારા હિન્દુઓને નિશાન બનાવવા માટે કરવામાં આવે છે તો હવે કડક પ્રતિક્રિયા આપવાનો સમય આવી ગયો છે. આવી ઘટનાઓને કારણે હિન્દુ સમુદાયનાં હિતોનું રક્ષણ કરવા માટે ફક્ત સાથી હિન્દુઓ સાથે આર્થિક વ્યવહાર અને રોજગાર કરવાની ભાવના વધી રહી છે. કંપનીઓ ટૂંક સમયમાં આવી જેહાદી પ્રવૃત્તિઓ અટકાવવા માટે ફક્ત હિન્દુઓને જ નોકરી પર રાખવાની નીતિ અપનાવી શકે છે. અમે સમાજને વિભાજિત કરવા નથી માગતા, પરંતુ ગ્રાઉન્ડ રિયલિટી પર પ્રતિક્રિયા આપી રહ્યા છીએ. જો આજીવિકા માટે પૂરી પાડવામાં આવતા રોજગારને ધાર્મિક પરિવર્તન તરફ વાળવામાં આવે છે તો હિન્દુ રાષ્ટ્રને મજબૂત કરવા માટે હિન્દુ ઉમેદવારોને પ્રાથમિકતા આપવી એ સમયની જરૂરિયાત છે. જો રોજગારનો દુરુપયોગ જેહાદને પ્રોત્સાહન આપવા માટે થઈ રહ્યો છે તો એને આજીવિકાના સાધન તરીકે જોવાને બદલે સ્ટૅન્ડ લેવાનો સમય આવી ગયો છે.’