કાંદાના ભાવ ઘટાડવા સરકારની કાંદા એક્સપ્રેસ શરૂ

26 August, 2026 11:50 AM IST  |  Nashik | Gujarati Mid-day Correspondent

નાશિકથી દિલ્હી અને ચેન્નઈ સહિત પાંચ શહેરોમાં ડુંગળીનો જથ્થો મોકલીને ભાવ કાબૂમાં લેવામાં આવશે

પ્રતીકાત્મક તસવીર

દેશમાં ડુંગળીના ભાવમાં ૫૯ ટકા જેટલો તોતિંગ વધારો થતાં કેન્દ્ર સરકારે હવે બજારમાં દરમ્યાનગીરી કરી છે. ભાવને કાબૂમાં લેવા માટે સરકારે મહારાષ્ટ્રના નાશિકથી પાંચ મોટાં શહેરોમાં ડુંગળી મોકલવા માટે કાંદા એક્સપ્રેસ નામની વિશેષ ટ્રેન શરૂ કરી છે. આ અભિયાન અંતર્ગત દિલ્હી, ચેન્નઈ, કોચી, મદુરાઈ અને ગુવાહાટીમાં મોટા પાયે ડુંગળીનો બફર સ્ટૉક મોકલવામાં આવી રહ્યો છે.
આ નવી પહેલ હેઠળ સોમવારે નાશિકના લાસલગાંવથી ૮૪૦ ટન ડુંગળીનો જથ્થો દિલ્હી રવાના કરવામાં આવ્યો હતો. સરકારનો મુખ્ય ઉદ્દેશ જથ્થાબંધ બજારમાં ડુંગળીનો પુરવઠો વધારીને કિંમતો ઘટાડવાનો છે જેથી સામાન્ય ગ્રાહકોને જલદી રાહત મળી શકે. જોકે સરકારે સ્પષ્ટતા કરી છે કે દેશમાં ડુંગળીની કોઈ જ અછત નથી.

સરકારી અંદાજ મુજબ ૨૦૨૫-’૨૬માં ડુંગળીનું ઉત્પાદન ૩૦૭ લાખ ટન થવાની ધારણા છે જે અગાઉના વર્ષના ૩૦૮ લાખ ટન જેટલું જ છે. આમ છતાં છૂટક બજારમાં ભાવ વધતાં સરકારે આ પગલું ભરવું પડ્યું છે. બજારની જરૂરિયાત મુજબ ભવિષ્યમાં પણ બફર સ્ટૉકમાંથી ડુંગળી સપ્લાય કરવામાં આવશે.

mumbai news mumbai maharashtra government maharashtra news maharashtra nashik onion prices