મફત કે સસ્તા ભાવના અનાજની સરકારી યોજનાનો ૬૦ ટકા લોકો લાભ નથી લેતા

01 July, 2025 09:09 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

એટલે ધ મુંબઈ ગ્રેન ડીલર્સ અસોસિએશને માગણી કરી છે કે અર્થતંત્રને મજબૂત બનાવવા માટે અને રોજગારીમાં વધારો કરવા માટે જાહેર વિતરણ-પદ્ધતિ, મફત રૅશન-યોજના અને કૃષિનીતિમાં ફેરવિચારણા કરે સરકાર : નરેન્દ્ર મોદી અને નિર્મલા સીતારમણને પત્ર લખ્યો

રમણીક છેડા

ખેડૂત, વેપારી અને યુવા વર્ગને નવો માર્ગ મળે, રોજગારીમાં વધારો થાય અને દેશનું અર્થતંત્ર મજબૂત બને એ ઉદ્દેશથી સરકારે અત્યારની જાહેર વિતરણ-પદ્ધતિ, મફત રૅશન-યોજના અને કૃષિનીતિમાં ફેરવિચારણા કરીને સુધારો કરવો જોઈએ એવી માગણી ધ મુંબઈ ગ્રેન ડીલર્સ અસોસિએશન તરફથી સરકાર પાસે કરવામાં આવી છે. આ માટે અસોસિએશનના અધ્યક્ષ રમણીક છેડાએ વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને નાણાં પ્રધાન નિર્મલા સીતારમણને સંયુક્ત પત્ર લખ્યો છે.

આ બાબતની માહિતી આપતાં રમણીક છેડાએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘સરકાર અનાજ અને વિતરણ-પદ્ધતિને અંતર્ગત છેલ્લા ઘણા સમયથી જરૂરિયાતમંદોને મફતમાં અથવા તો સસ્તા ભાવે અનાજ અને આવશ્યક ચીજવસ્તુઓનું વિતરણ કરે છે. એનું સંચાલન કેન્દ્ર અને રાજય સરકારો દ્વારા સંયુક્ત રીતે કરવામાં આવે છે જેમાં ચોખા, ઘઉં, ખાંડ અને કેરોસીન જેવી આવશ્યક વસ્તુઓ બજારના ભાવ કરતાં ઓછી કિંમતે અથવા તો મફતમાં આપવામાં આવે છે. જોકે એક સર્વે પ્રમાણે સરકારની આ યોજનાનો લાભ ૬૦ ટકા લોકો લેતા નથી. આ અનાજ ઘણી વાર પશુઓને ખવડાવવામાં આવે છે અથવા તો વેપારીઓને વેચી દેવામાં આવે છે. આમ દર વર્ષે બે લાખ કરોડ રૂપિયાથી વધુની સબસિડી અર્થહીન ખર્ચાય છે. ફૂડ કૉર્પોરેશન ઑફ ઇન્ડિયા દ્વારા ખરીદવામાં આવેલું અનાજ સંગ્રહની સુવિધાના અભાવને લીધે નુકસાનમાં વેચવું પડે છે જેનાથી સરકાર પર આર્થિક બોજો વધે છે.’

આથી સરકારે આ પદ્ધતિ પર ફેરવિચારણા કરીને એમાં પરિવર્તન લાવવાની જરૂર છે એમ જણાવતાં રમણીક છેડાએ કહ્યું હતું કે ‘અમે સરકાર સમક્ષ માગણી કરી છે કે મફત કે સસ્તા દરે અનાજ આપવાને બદલે લાભાર્થીઓના ખાતામાં સીધી નાણાકીય સહાય જમા કરવી જોઈએ. અત્યારની આ પદ્ધતિને આધુનિક, પારદર્શક અને કાર્યક્ષમ બનાવવાની જરૂર છે. કૃષિનીતિમાં સરકારે વેપારી અને ઉદ્યોગજગતની ભાગીદારી સક્રિય કરવી જોઈએ. તમામ રાજ્યોને મંડી ટૅક્સ અને ચાર્જિસને ગુડ્સ ઍન્ડ સર્વિસિસ ટૅક્સ હેઠળ લાવવાં જોઈએ. અમારી આગ્રહભરી વિનંતી છે કે સરકાર અમારા પ્રસ્તાવને ગંભીરતાથી લઈને યોગ્ય પગલાં ભરે અને ઉચ્ચસ્તરીય સમિતિની રચના કરીને આમાં ઝડપી સુધારાઓ અમલમાં લાવે.’

mumbai food news mumbai food indian food mumbai news news narendra modi nirmala sitharaman goods and services tax