12 March, 2026 07:49 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ડોમ્બિવલી રેલવે-સ્ટેશન પર રેલવે-પૅસેન્જર પોલીસ હેલ્પ ડેસ્કમાં હાજર પોલીસ અધિકારી.
મુંબઈ લોકલમાં દરરોજ લાખો લોકો મુસાફરી કરતા હોવાથી અકસ્માત, ચોરી, છેડછાડ, છેતરપિંડી, લોકો ગુમ થવા જેવી ઘટનાઓ બનવાની શક્યતા વધી છે. આવી પરિસ્થિતિમાં મુસાફરોને તરત અને અસરકારક મદદ મળી રહે એ માટે મુંબઈ ગવર્નમેન્ટ રેલવે પોલીસ (GRP)એ મુસાફરોને તાત્કાલિક સહાય, માર્ગદર્શન અને સુરક્ષા ઉપલબ્ધ કરાવવા માટે વિવિધ રેલવે-સ્ટેશનો પર હેલ્પ ડેસ્ક શરૂ કરવાની મહત્ત્વપૂર્ણ પહેલ મંગળવારથી અમલમાં મૂકી છે. વિશેષ કરીને મહિલાઓ, વરિષ્ઠ નાગરિકો, દિવ્યાંગ વ્યક્તિઓ, બાળકો તેમ જ બહારગામથી આવતા મુસાફરોને ઘણી વાર તાત્કાલિક સહાયની જરૂર પડે છે. સ્ટેશન પર આવી મુશ્કેલીઓનો સામનો કરતા મુસાફરોને ઝડપથી મદદ મળી રહે એ માટે પોલીસની સરળતાથી ઉપલબ્ધ હાજરી જરૂરી માનવામાં આવી હતી. GRP દ્વારા સેન્ટ્રલ અને વેસ્ટર્નનાં વિવિધ રેલવે-સ્ટેશનો પર કુલ ૮૬ હેલ્પ ડેસ્ક સ્થાપિત કરવામાં આવી છે.