હનુમાન ચાલીસા, રાણા કપલની અરેસ્ટ અને પીએમની મુંબઈ વિઝિટ : મુંબઈમાં ‘ઉકળાટ’

24 April, 2022 09:15 AM IST  |  Mumbai | Mehul Jethva

ગરમી તો ખરી જ, પરંતુ રાજકીય ગરમી પણ અસહ્ય થઈ ગઈ છે અને આનું સીધું દબાણ આવ્યું છે મુંબઈની કાયદો અને વ્યવસ્થા પર : પૉલિટિકલ ડ્રામાને લીધે આજે કોઈ ધમાલ ન થાય એ માટે મુંબઈ પોલીસ હાઈ અલર્ટ પર

વિધાનસભ્ય રવિ રાણા અને તેમની પત્નીના ખારમાંના ઘરની સામે ગઈ કાલે શિવસૈનિકોએ હંગામો કર્યો હતો. (તસવીર : શાદાબ ખાન)

મહારાષ્ટ્રના રાજકારણમાં હનુમાન ચાલીસાને લીધે જે ગરમી વધી ગઈ છે એ વાતાવરણમાંની ગરમીથીયે વધુ છે. આને કારણે ખાસ કરીને મુંબઈમાં કાયદો અને વ્યવસ્થા જાળવવામાં પોલીસને પરસેવો છૂટી રહ્યો છે. માતોશ્રીની સામે હનુમાન ચાલીસાનું પઠન કરવાની તૈયારી કરનારા અમરાવતીના વિધાનસભ્ય રવિ રાણા અને તેમનાં સંસદસભ્ય પત્ની નવનીત રાણાને ગઈ કાલે શિવસૈનકોએ પહેલાં તો તેમના ખારમાંના ઘરની બહાર જ નીકળવા નહોતાં દીધાં. શિવસૈનિકોની ધમાલ ચાલી રહી હતી ત્યાં જ વડા પ્રધાન નરેન્દ્ર મોદી આજે મુંબઈ આવવાના હોવાથી પોતે હનુમાન ચાલીસાનો કાર્યક્રમ પડતો મૂકવાના છે એવી રાણા દંપતીની જાહેરાત પછી તેમની મુંબઈ પોલીસે ધરપકડ કરતાં હવે આજે બીજેપી વળતો જવાબ આપશે કે મોદી મુંબઈમાંથી પાછા ફરશે એની રાહ જુએ છે એવી અટકળોએ જોર પકડ્યું હતું. આ બધા વચ્ચે મુંબઈ પોલીસ પર હાઈ અલર્ટ પર છે જેથી આજે કોઈ અનિચ્છનીય બનાવ ન બને.

મુંબઈ પોલીસના પ્રવક્તા દીપક સકોરેએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘આજે મુંબઈમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી આવવાના છે એ જોતાં અમે વીવીઆઇપી બંદોબસ્ત કર્યો છે જેની બધી જવાબદારી ઝોન ચારના ડીસીપીને સોંપવામાં આવી છે. રાણા દંપતીની ધરપકડ પછી મુંબઈમાં કોઈ અનિચ્છનીય રાજકીય બનાવ ન બને એની અમે વિશેષ કાળજી લઈ રહ્યા છીએ. છેલ્લા કેટલાક સમયથી ચાલી રહેલા પૉલિટિકલ ડ્રામાને કારણે મુંબઈ પોલીસ ઑલરેડી હાઈ અલર્ટ પર જ છે.’

મુંબઈ પોલીસના ડીસીપી લેવલના એક અધિકારીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘ગઈ કાલની રાજકીય ઘટનાઓ પછી અમે દરેક પોલીસ સ્ટેશનને રાજકીય નેતાઓની હિલચાલ પર દેખરેખ રાખવા માટે આદેશ આપ્યો છે. આજે મુંબઈમાં આવી રહેલા પીએમ મોદીના કાફલાની પાસે અથવા તો જે વિસ્તારમાં પ્રોગ્રામ રાખવામાં આવ્યો છે ત્યાં કોઈ પરેશાની ન સર્જાય એ માટે અમારા મેઇન સ્પેશ્યલ અધિકારીઓને પૉલિટિકલ નેતાઓના સંપર્કમાં રહેવા કહેવામાં આવ્યું છે.’ 

mumbai mumbai news maharashtra mehul jethva