19 March, 2025 03:22 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
માથેરાનમાં ગઈ કાલે સજ્જડ બંધ પાળવામાં આવ્યો હતો.
મુંબઈગરાઓના ફેવરિટ હિલ સ્ટેશન માથેરાનમાં દસ્તૂરી નાકા પર પાર્કિંગ એરિયામાં કેટલાક ઘોડાવાળા, કૂલી, હોટેલ-રૂમના એજન્ટો, રિક્ષાવાળાઓને લીધે પર્યટકો પરેશાન થઈ રહ્યા છે. એટલું જ નહીં, આ લોકોને કારણે માથેરાનમાં પર્યટકોમાં જબરદસ્ત ઘટાડો થયો હોવાથી આ સમસ્યાનો ઉકેલ લાવવાની માગણી સાથે ગઈ કાલથી માથેરાન પર્યટન બચાવ સંઘર્ષ સમિતિ દ્વારા બંધની જાહેરાત કરવામાં આવી હતી. આ અનાઉન્સમેન્ટ મુજબ ગઈ કાલે માથેરાન સજ્જડ બંધ પણ રહ્યું હતું. હવે આજે સ્થાનિક પ્રશાસન, પોલીસના વરિષ્ઠ અધિકારીઓ અને સ્થાનિક વિધાનસભ્યની બેઠક બોલાવવામાં આવી છે, જેમાં આ બાબતે ઉકેલ આવવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.
માથેરાન પર્યટન બચાવ સંઘર્ષ સમિતિના મનોજ ખેડકરે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘માથેરાનમાં પર્યટકોની કેટલાક લોકો દ્વારા ચીટિંગ કરવામાં આવી રહી છે જેને લીધે માથેરાન ખૂબ બદનામ થઈ ગયું છે. આને કારણે માથેરાનમાં પ્રવાસીઓની સંખ્યા પચાસ ટકા થઈ ગઈ છે. માથેરાનમાં દસ્તૂરી નાકા પર પર્યટકોને ગેરમાર્ગે દોરીને આર્થિક ચીટિંગ કરવામાં આવી રહી છે, જેને લીધે માથેરાનના સામાન્ય લોકોથી લઈને હોટેલ-ઇન્ડસ્ટ્રીને મોટું નુકસાન થઈ રહ્યું છે. માથેરાનના ૪૫૦ ઘોડામાંથી ૧૫૦ ઘોડા દસ્તૂરી નાકા પર ઊભા રાખીને પર્યટકોને લૂંટવામાં આવી રહ્યા છે. ખરાબ અનુભવ થવાથી પર્યટકો બીજી વખત માથેરાન આવવાનું ટાળે છે અને સોશ્યલ મીડિયામાં પોસ્ટ કરીને અહીંની સ્થિતિ વિશે લખે છે. આને કારણે માથેરાનની ખૂબ બદનામી થઈ છે. ચાર મહિનાથી આવી હાલત છે. તમે માનશો નહીં, થર્ટી ફર્સ્ટ ડિસેમ્બરે જ્યાં પહેલાં બધું હાઉસફુલ રહેતું એની સામે આ વર્ષે પચાસ ટકા જ બુકિંગ થયું હતું. માથેરાન નગરપરિષદ અને પોલીસે પર્યટકોને લૂંટતા લોકો સામે કાર્યવાહી કરવી જોઈએ, કમનસીબે એવું નથી થતું. અમારું માનવું છે કે હોટેલૉ-બુકિંગથી લઈને ઘોડાવાળા અને ઈ-રિક્ષા સહિત તમામ સર્વિસ પ્રી-પેઇડ કરવામાં આવે તો મોટા ભાગની સમસ્યાનો ઉકેલ આવી જાય. આ બાબતે અમે ૧૯ દિવસ પહેલાં પ્રશાસન અને પોલીસને ઘટતું કરવાની માગણી કરી હતી, પરંતુ તેમના તરફથી કોઈ પગલાં ન લેવામાં આવ્યાં એટલે અમારે નાછૂટકે માથેરાન બંધ કરવું પડ્યું છે. માથેરાન પર્યટકો પર નભે છે. મહાબળેશ્વર અને બીજાં હિલ સ્ટેશનો પર સરકાર તરફથી જરૂરી સહયોગ કરવામાં આવે છે, પણ માથેરાન માટે હજી સુધી સરકાર કંઈ નથી કરતી. આવતી કાલે માથેરાનની સમસ્યા બાબતે માથેરાન નગરપરિષદ, વરિષ્ઠ પોલીસ-અધિકારી અને સ્થાનિક વિધાનસભ્યની બેઠક બોલાવવામાં આવી છે. એમાં કોઈ ઉકેલ નહીં આવે તો માથેરાન બેમુદત બંધ કરીશું.’