મુંબઈમાં યુરોપની સ્ટ્રીટ્સનો અનુભવ લેવા પહોંચી જાઓ કાલાઘોડા

15 July, 2026 06:59 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

શનિવારે અને રવિવારે સાંજે ૬ વાગ્યાથી મધરાત સુધી ફક્ત રાહદારીઓને એન્ટ્રી

પથ્થરની સુઘડ સ્ટ્રીટ, બાજુમાં ફૂલછોડનાં કૂંડાં અને મકાનોની દીવાલ પર દોરાયેલાં ભીંતચિત્રોએ માહોલ રંગીન કરી દીધો છે.

મુંબઈના કલારસિકોને કાલાઘોડા હવે એક નવા જ અવતારમાં જોવા મળશે. યુરોપિયન શૈલીના સ્ટ્રીટસ્કેપ, પૅડેસ્ટ્રિયન પ્લાઝા, લૅન્ડસ્કેપ્ડ વૉકવે, લાઇટિંગ અને કૅફેની બહાર બાર જેવી હાઈ ચૅર અને બોહેમિયન ટચ ધરાવતાં આર્ટ-વર્ક્સનો અનુભવ લઈ શકાશે કાલાઘોડા આર્ટ ઍવન્યુમાં. ગઈ કાલે મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ અને અન્ય નેતાઓની હાજરીમાં કાલાઘોડા આર્ટ ઍવન્યુ મુંબઈગરાઓ માટે ખુલ્લું મૂકવામાં આવ્યું હતું.

 

લાંબી અને સાંકડી ગલીઓમાં પથ્થરનો રોડ અને એમાં પણ જંક્શન પર ડિઝાઇનર ગોઠવણીને કારણે એ ગલીઓનો ગેટઅપ જ બદલાઈ ગયો છે. એમાં વળી પીળા પ્રકાશની લાઇટને કારણે જાણે ફૉરેનમાં ફરતા હોઈએ એવી અનુભૂતિ થાય તો નવાઈ નહીં.

સર જે. જે. સ્કૂલ ઑફ આર્ટના સ્ટુડન્ટ્સ દ્વારા આર્ટિસ્ટિક મ્યુરલ્સ ગોઠવવામાં આવ્યાં છે.

કાલાઘોડા આર્ટ ઍવન્યુનું ઉદ્ઘાટન કર્યા બાદ દેવેન્દ્ર ફડણવીસે લટાર મારીને ત્યાંની આર્ટ-ઍક્ટિવિટી નિહાળી હતી.

ફુટપાથ પર ખુલ્લામાં ટેબલ અને બેન્ચ ગોઠવી શાંતિથી લોકો બેસીને ભોજનનો આસ્વાદ માણી શકે એવી ગોઠવણ કરવામાં આવી છે.

આ પ્રોજેક્ટમાં કાલાઘોડા પરિસરના પાંચ રસ્તા સાંઈબાબા માર્ગ, રોપ વૉક લેન, ડૉ. વી. બી. ગાંધી માર્ગ (ફૉર્બ્સ સ્ટ્રીટ), રુધરફોર્ડ સ્ટ્રીટ અને બી. ભરૂચા માર્ગ પર હવે હેરિટેજ વૉકિંગનો અનુભવ લઈ શકાશે. આ પાંચ રસ્તા શનિવારે અને રવિવારે સાંજે ૬ વાગ્યાથી મધરાત સુધી ફક્ત રાહદારીઓ માટે ખુલ્લા રહેશે. આ સમયે વાહનોની અવરજવર પર પ્રતિબંધ રહેશે.

mumbai news mumbai kala ghoda south mumbai devendra fadnavis maharashtra news maharashtra maharashtra government