માનસિક રીતે અસ્થિર મહિલાએ દરિયામાં ઝંપલાવ્યું કૉન્સ્ટેબલે તેની પાછળ ઝંપલાવીને તેને બચાવી લીધી

04 July, 2025 11:07 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

૫૩ વર્ષની તે ​મહિલાનું નામ વેનેન્ટિયા સરિતા ક્રાસ્ટા હતું અને તે સેન્ટ બૅપ્ટિસ્ટ રોડ પર આવેલા આ​શિયાના અપાર્ટમેન્ટમાં રહેતી હતી. વળી તે માનસિક રોગી છે

દરિયામાં ડૂબતી મહિલાને બચાવીને કાંઠે લાવવામાં આવી હતી અને પછી હૉસ્પિટલમાં લઈ જવામાં આવી હતી.

બાંદરા પોલીસ-સ્ટેશનના કૉન્સ્ટેબલ સાંઈનાથ દેવડેએ બુધવારે દરિયામાં ઝંપલાવી દેનાર એક આધેડ મહિલાને બચાવવા પોતે પણ દરિયામાં ઝપલાવ્યું હતું અને તેને બચાવી લીધી હતી.

સાંઈનાથ દેવડે બુધવારે સાંજે પાંચ વાગ્યે સલમાન ખાન જેમાં રહે છે એ ગૅલૅક્સી અપાર્ટમેન્ટ સામે પૅટ્રોલિંગ કરી રહ્યો હતો. તેણે જોયું કે આધેડ વયની એક મહિલા દરિયામાં ડૂબકાં ખાઈ રહી છે. તેણે ક્ષણનો પણ વિચાર ન કરતાં દરિયામાં ઝંપલાવ્યું હતું અને મહિલાને બચાવીને કિનારે લઈ આવ્યો હતો. તે મહિલા જીવતી હતી એટલે તરત જ તેને પોલીસવૅનમાં બાંદરાની ભાભા હૉસ્પિટલમાં લઈ જવાઈ હતી.

 

દરિયામાં મહિલાને ડૂબતી જોઈને તેને બચાવી લેનાર કૉન્સ્ટેબલ સાંઈનાથ દેવડે.

એ પછીની તપાસમાં જણાઈ આવ્યું હતું કે ૫૩ વર્ષની તે ​મહિલાનું નામ વેનેન્ટિયા સરિતા ક્રાસ્ટા હતું અને તે સેન્ટ બૅપ્ટિસ્ટ રોડ પર આવેલા આ​શિયાના અપાર્ટમેન્ટમાં રહેતી હતી. વળી તે માનસિક રોગી છે અને છેલ્લાં ૨૦ વર્ષથી તેની સારવાર ચાલી રહી છે. તે બુધવારે સાંજે બૅન્ડ-સ્ટૅન્ડ પર ફરી રહી હતી ત્યારે તેને લાગ્યું કે કોઈ અદૃશ્ય શક્તિ તેનો પીછો કરી રહી છે એટલે તેણે દોડીને દરિયામાં ઝંપલાવી દીધું હતું. હાલ તેની તબિયત સારી છે. તેના પરિવારને આ વિશે જાણ કરવામાં આવતાં તેઓ પણ ભાભા હૉસ્પિટલમાં પહોંચી ગયા હતા. તેમની પૂછપરછ કરતાં તેમણે કહ્યું હતું કે તે ​માનસિક રીતે બીમાર છે, તેમને કોઈની સામે શંકા કે ફરિયાદ નથી.

bandra mental health suicide mumbai police news mumbai news mumbai bhabha hospital