બિલ્ડિંગને OC આપવા માટે કડક શરત લાદી હાઈ કોર્ટે

21 January, 2026 07:30 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

જો પ્રૉપર સિવેજ લાઇન નહીં નખાઈ હોય તો નહીં મળે

બૉમ્બે હાઈ કોર્ટ

બૉમ્બે હાઈ કોર્ટે મહારાષ્ટ્રના તમામ સુધરાઈઓને નિર્દેશ આપ્યો છે કે જ્યાં સુધી ડેવલપર્સ બિલ્ડિંગ પરવાનગીઓનું સંપૂર્ણ પાલન ન કરે અને યોગ્ય ગટર બનાવાઈ છે એ પાકું ન કરે ત્યાં સુધી કોઈ પણ બિલ્ડિંગને ઑક્યુપન્સી સર્ટિફિકેટ (OC) ઇશ્યુ ન કરે.

બૉમ્બે હાઈ કોર્ટના જસ્ટિસ રવીન્દ્ર ઘુગે અને અભય મંત્રીની બેન્ચે ઉલ્હાસ નદીમાં ગટરના ઠાલવવાથી થતી સમસ્યાની ગંભીર બાબત પર ધ્યાન આપ્યું કારણ કે થાણે જિલ્લામાં ૪૩૮ કથિત ગેરકાયદે બાંધકામો પર કોઈ યોગ્ય STP (સિવેજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ) બનાવવામાં આવ્યા નહોતા. કોર્ટ બદલાપુરના રહેવાસી દ્વારા દાખલ કરાયેલી અરજી પર સુનાવણી કરી રહી હતી જેમાં ડેવલપર દ્વારા ગેરકાયદેસર બાંધકામો વિશે ચિંતા વ્યક્ત કરવામાં આવી હતી. હાઈ કોર્ટે કહ્યું કે મ્યુનિસિપલ કાઉન્સિલે ઉલ્હાસ નદીમાં ગટરનું પાણી ઓછું ઠલવાય, ઓછું થાય અને આખરે બંધ થાય એ સુનિશ્ચિત કરવા માટે પગલાં લેવાં પડશે.

સમસ્યાની ગંભીરતાને ધ્યાનમાં લેતાં હાઈ કોર્ટે મહારાષ્ટ્રના તમામ સત્તાવાળાઓને નિર્દેશ આપ્યો કે જ્યાં સુધી કોઈ બિલ્ડિંગ પાસ કરાયેલી યોજનાઓ, મકાન પરવાનગીઓ અને સૌથી અગત્યનું, જ્યાં સુધી ઊંચી ઇમારતો માટે STP બનાવવામાં ન આવે ત્યાં સુધી OC ન આપવામાં આવે.

કોર્ટે અધિકારીઓને એવી બધી ઇમારતોની માહિતી લેવા માટે ઝુંબેશ શરૂ કરવાનો પણ આદેશ આપ્યો હતો જ્યાં બિલ્ડર દ્વારા STP પૂરું પાડવામાં આવ્યું નથી, સિવાય કે ગટર પાઇપલાઇન નાગરિક અધિકારીઓ દ્વારા પૂરી પાડવામાં આવેલી ભૂગર્ભ ડ્રેનેજ સિસ્ટમ સાથે જોડાયેલી હોય.

હાઈ કોર્ટે જણાવ્યું હતું કે સત્તાવાળાઓએ ખાતરી કરવી જોઈએ કે જે બિલ્ડરો અને બાંધકામ કંપનીઓને તેમનાં માળખાં માટે STP અથવા ગટર વ્યવસ્થાપન પૂરું પાડતાં નથી, તેમને બ્લૅકલિસ્ટ કરવા પગલાં લેવાવાં જોઈએ. જો ભવિષ્યમાં કોર્ટને ખબર પડશે   આવી સુવિધાઓની ગેરહાજરીમાં પણ OC આપવામાં આવ્યું છે તો એ ફક્ત બિલ્ડર/બાંધકામ કંપનીને બ્લૅકલિસ્ટ જ નહીં કરે પરંતુ સરકારી અધિકારીઓ સામે પણ કાર્યવાહી શરૂ કરશે. કોર્ટે આ મામલાની વધુ સુનાવણી ૨૮ જાન્યુઆરીના મુલતવી રાખી છે. 

mumbai news mumbai bombay high court maharashtra government maharashtra news maharashtra property tax real estate