સાસુ-વહુની મિસાલરૂપ જોડીઓને નવાજવાની અનોખી પહેલ

23 November, 2025 07:35 AM IST  |  Mumbai | Heena Patel

વર્ષોથી સાથે રહીને અને એક રસોડે જમીને સંયુક્ત કુટુંબની વિભાવના માટે ઉદાહરણરૂપ બનેલી ૬૦ જોડીઓનું થશે સન્માન

સાસુ-વહુની કેટલીક જોડી

આજના જમાનામાં સંયુક્ત પરિવારો હવે તસવીરોમાં અને યાદોમાં સમેટાઈને રહી ગયા છે. એક સમયે દાદા-દાદી, વહુ-દીકરો, પૌત્ર-પૌત્રી બધાના સાથે રહેવાથી ઘરમાં ચહલપહલ અને રોનક જોવા મળતી. આજે એ ઘર અનેક હિસ્સામાં વહેંચાઈ રહ્યું છે. સાસુઓને ઘરમાં વર્ષોથી ચાલી આવતી પરંપરા અને પોતાના અનુભવોને લઈને ચાલવું છે. વહુઓને પોતાની રીતે આઝાદીથી જીવવું છે, પોતાની મરજીનું ઘર બનાવવું છે. આમાં વાંક કોઈનો નથી. બસ, બન્નેની દુનિયા અલગ છે. આ દુનિયાને એક કરીને સંયુક્ત રીતે જીવવું હોય તો સાસુ-વહુએ નાના-નાના પ્રયાસો અને સમજણથી આગળ વધવું પડશે. આપણી આસપાસ જે હજી થોડાંઘણાં સંયુક્ત કુટુંબ બચ્યાં છે એને તમે ધ્યાનથી જોશો તો સમજાશે કે પરિવારને સંયુક્ત રાખવામાં એ ઘરનાં સાસુ-વહુમાં કઈ રીતનો સમજદારીભર્યો સંબંધ છે. સમાજમાં રહેલી આવી સાસુ-વહુની જોડી જે હજી સંયુક્ત કુટુંબની પરંપરા જાળવીને બેઠી છે તેમને પ્રોત્સાહન આપવા માટે શ્રી અંધેરી કચ્છી વીસા ઓસવાળ સેવા સમાજની મહિલા પાંખ દ્વારા એક સુંદર પહેલ કરવામાં આવી છે. આ પહેલ એટલે વીસથી ૪૭ વર્ષથી સાથે રહેતી અને એક રસોડે જમતી સાસુ-વહુની જોડીનું સન્માન. આજે બપોરે અંધેરી-ઈસ્ટમાં આવી ૬૦ જોડીનું સન્માન કરવાનું આયોજન કરવામાં આવ્યું છે.

આ કાર્યક્રમ વિશે અને સાસુ-વહુની જોડીના સન્માનનો વિચાર કઈ રીતે આવ્યો એ વિશે વાત કરતાં શ્રી અંધેરી ક.વી.ઓ. સેવા સમાજના ટ્રસ્ટી ચંદ્રકાંત ગાલા કહે છે, ‘હું અને મારી પત્ની અલકા કચ્છમાં વતનમાં ગયાં હતાં. અમે બાજુના ગામમાં કોઈ બીજા સમાજ દ્વારા આયોજિત એક આવા પ્રકારનો કાર્યક્રમ જોયેલો જેમાં હળીમળીને એક જ ઘરમાં સાથે રહેતાં સાસુ-વહુનું સન્માન કરવામાં આવી રહ્યું હતું. એ જોયા પછી મારી પત્નીને વિચાર આવ્યો કે આપણે મુંબઈમાં પણ આવું કંઈક કરવું જોઈએ જેથી સમાજની બીજી મહિલાઓને સંયુક્ત કુટુંબમાં રહેવાની પ્રેરણા મળે. મારી પત્ની પોતે પણ મહિલા પાંખની પ્રમુખ રહી ચૂકી છે. અમે અંધેરીમાં રહેતી અમારા સમાજની સાસુ-વહુની એવી ૬૦ જોડીઓનું સન્માન કરવાનું નક્કી કર્યું છે જે વીસથી ૪૭ વર્ષથી સાથે રહેતી હોય. કાર્યક્રમનું આયોજન અંધેરી-ઈસ્ટમાં ‍BMC સ્કૂલ હૉલમાં આજે બપોરે બપોરે અઢી વાગ્યે થયું છે જેમાં મ્યુઝિકલ હાઉઝી, સાસુ-વહુની જોડીનું સન્માન અને જમણવાર છે.’ 
આજે જેમનું સન્માન થવાનું છે એવી સાસુ-વહુની કેટલીક જોડીઓની વહુઓ સાથે ‘મિડ-ડે’એ વાત કરી. 

થોડું તમે અને થોડું તે જતું કરે તો બધું બૅલૅન્સ થઈ જાય: વૈશાલી મારુ

હું માનું છું કે સાસુ-વહુનો સંબંધ ટકાવી રાખવા માટે મોઢામાં મીઠાશ અને દિલમાં જતું કરવાની ભાવના રાખવી જોઈએ એમ જણાવતાં પચાસ વર્ષનાં વૈશાલી મારુ કહે છે, ‘ઘણી વસ્તુ એ‍વી હોય જે તેમની મને પસંદ ન હોય કે ઘણી મારી એવી વસ્તુ હોય જે તેમને પસંદ ન હોય. તો એવા સમયે એ વસ્તુ કરતાં પહેલાં હું પહેલાં તેમનો વિચાર કરું અને તે પણ મારો વિચાર કરે અને અમે બન્ને થોડુંઘણું જતું કરી દઈએ. ઘણી વાર હું તેમના મુજબ ઢળવાનો પ્રયત્ન કરું અને ઘણી વાર તે મને સમજવાનો પ્રયત્ન કરે તો એ રીતે બધી વસ્તુઓ બૅલૅન્સ થઈ જાય છે. અમારું માનવું છે કે મતભેદ થાય તો ચાલે, પણ મનભેદ ન થવો જોઈએ. અમે આપસમાં ચર્ચા કરીને ઉકેલ લાવી દઈએ. લગ્ન કરીને આવી ત્યારે રસોઈ બનાવવાની રીત, રહેણીકરણી બધુ બહુ અલગ હતું. એ સમયે એમ થતું કે કેવી રીતે હું ઍડ્જસ્ટ કરીશ? પણ સાસુ કો-ઑપરેટિવ હોય તો બધું થઈ જાય. તેમને મોહનથાળ, ઘૂઘરા એ બધું સારી રીતે બનાવતાં આવડે. મારા હાથનાં રોટલી, થેપલાં સારાં બને. તો અમે એ હિસાબે કામ વહેંચી લઈએ. મારાં સાસુ ભાનુબહેન સાથે મને ૨૫ વર્ષ થયાં છે. મને લાગે છે કે જો બન્ને બાજુથી સમજણપૂર્વક કામ લેવામાં આવે તો વાંધો આવતો નથી.’

આજના વડીલો પણ હવે બ્રૉડમાઇન્ડેડ થયા છે: રશ્મિ શેઠિયા

સાસુ હોય તો આપણને એના અનુભવોમાંથી ઘણું શીખવા મળે એમ જણાવતાં ૬૨ વર્ષનાં રશ્મિ શેઠિયા કહે છે, ‘મારા સસરાનું નવ ભાઈ-બહેનનું ફૅમિલી હતું. મારા સસરા સૌથી મોટા હતા. એટલે ઘરનાં મોટાં વહુ તરીકે મારાં સાસુ સુશીલાબહેને બધો વ્યવહાર ખૂબ સરસ રીતે સંભાળેલો. હું સાસરે ગઈ એ પછી તેમણે મને પણ બધી જ વસ્તુમાં સાથે ને સાથે રાખી. અમારી સારી વાત એ છે કે તેમણે મને ક્યારેક કંઈ કહી દીધું હોય તો હું શાંત રહું અને મારાથી ક્યારેક કંઈ આડુંઅવળું થઈ ગયું હોય તો તેઓ સાચવી લે. જોકે આવું પણ ભાગ્યે જ થતું. મોટા ભાગે અમે એકબીજાનું માનીને જ આગળ ચાલીએ. મારી પોતાની પણ એક વહુ તેજસ્વી છે. છેલ્લાં ૧૦ વર્ષથી અમે સાથે જ છીએ. અમારા જમાનામાં વડીલો એટલા ખુલ્લી વિચારસરણીવાળા નહોતા પણ હવે તો આજકાલના વડીલો પણ બધું સમજે છે. જૉઇન્ટ ફૅમિલીમાં તમે જેવું ઇચ્છતા હો એ‍વું ૧૦ ટકા કદાચ કરવા ન મળે, પણ ૯૦ ટકા તો તમે તમારી રીતે જીવી જ શકો છો.’ 

પર્સનલ સ્પેસનો મુદ્દો માઇન્ડસેટનો પ્રૉબ્લેમ છે: ગીતા સોની

હસબન્ડ તો સવારે કામે જાય અને સીધા રાત્રે ઘરે આવે, એવા સમયે ઘરમાં આખો દિવસ તમારી સાથે સમય પસાર કરવા માટે તમારાં સાસુ જ હોય એમ જણાવતાં ૪૭ વર્ષનાં ગીતા સોની કહે છે, ‘હું પરણીને સાસરે આવી ત્યાં સુધીમાં મારા સસરા ગુજરી ગયા હતા. મારાં સાસુ રતનબહેન તેમનાં માતા-પિતાના એકમાત્ર સંતાન હતાં એટલે તેમનાં મમ્મી પણ ૧૨ વર્ષ અમારી સાથે રહેલાં. એ લોકો હતા એટલે મને ઘર ભરેલું લાગ્યું છે. કોઈ દિવસ ખાલીપણું લાગ્યું નથી. મારાં બાળકોને ઉછેરવામાં પણ તેમનો ખૂબ જ સહયોગ રહ્યો છે. હું એમ નથી માનતી કે મારાં સાસુ મારી સાથે રહે છે. હું એમ માનું છું કે મારાં સાસુ સાથે હું રહું છું. આજની ઘણી સ્ત્રીઓ એમ માને છે કે સંયુક્ત કુટુંબમાં પર્સનલ સ્પેસ ન મળે. જોકે હું માનું છું કે આ માઇન્ડસેટનો પ્રૉબ્લેમ છે. તમે ભીડમાં પણ એકલા રહી શકો અને તમે એકલા રહેશો તો પણ તમને એકલતા લાગવાની જ છે. તમે એકલા રહેતા હો પણ દિમાગમાં બીજાના વિચારો લઈને ફરતા હો તો કેવી રીતે તમને સ્પેસ મળશે? તમે ભેગા રહેતા હો અને વસ્તુઓને વધારે મગજ પર ન લો તો તમે સારી રીતે રહી શકો છો. બાકી મારાં સાસું દેશનાં છે અને હું મુંબઈમાં જ ઊછરી છું. અમારી વચ્ચે ઉંમરનો તફાવત પણ ઘણો છે. તેમને મોડેથી સંતાન થયેલું એટલે મારી અને મારાં સાસુ વચ્ચેનો તફાવત ૩૬ વર્ષનો છે. એમ છતાં અમને સાથે રહેતાં ૨૮ વર્ષ થઈ ગયાં. મા-દીકરી વચ્ચે પણ વિચારોમાં તફાવત હોય તો પછી સાસુ-વહુ વચ્ચે તો રહેવાનો જને.’

સાસુનો સ્વભાવ પ્રેમાળ અને ઠરેલ હોય તો વાંધો ન આવે ઃ લતા નાગડા

અમારો સાસુ-વહુનો સંબંધ મજબૂત બનાવવામાં મારાં સાસુનો પ્રેમાળ અને ઠરેલ સ્વભાવ ખૂબ કામ આવ્યો છે એમ જણાવતાં ૬૮ વર્ષનાં લતા નાગડા કહે છે, ‘હું દોઢ વર્ષની હતી ત્યારે જ મારી મમ્મી ગુજરી ગયેલી. ઘરમાં ફુલટાઇમ મેઇડ હતી. પરણીને સાસરે આવેલી ત્યારે મને કોઈ કામ આવડતું નહોતું. કઢી કેમ બનાવવાની, રોટલા કેમ ઘડવાના બધું તેમણે જ શીખવાડેલું. મારા પપ્પાને મારા માટે એવું જ ઘર જોઈતું હતું જ્યાં સાસુ સારાં હોય અને મને સંભાળી લે. મારાં સાસુ મોંઘીબહેન બહુ ઠરેલ મગજનાં છે. અમારી વચ્ચે ક્યારેય કોઈ વસ્તુને લઈને ખટપટ થઈ નથી. થોડા દિવસથી મારો જમણો હાથ દુખે છે એટલે કોઈ કામ હોય તો મને તરત કહે, લાવ હું કરી આપું. તેમની ઉંમર ૯૨ વર્ષ છે. હમણાં તો તે ચાલી નથી શકતાં. એમ છતાં ઘરે બેઠાં-બેઠાં શાક સમારવાનું કામ કરી આપે. મારાં સાસુએ મને દીકરીની જેમ રાખી છે. એવી જ રીતે મેં પણ મારાં સાસુને મા જ માન્યાં છે. આ ઉંમરે પણ તેમને બધું ખાવાનું બહુ મન થાય. એમ છતાં તે સામેથી ન બોલે. એટલે હું જ તેમને સામેથી પૂછી લઉં કે તમારે આ ખાવું છે? બનાવી આપું? એટલે સાસુ-વહુ જો એકબીજાને સમજે અને સાચવી લે તો સાથે રહેવામાં ક્યાંય કોઈ તકલીફ આવતી નથી.’

સાસુ-વહુ બન્ને ધીરજ-પ્રેમથી કામ લે તો બધું સચવાઈ જાય ઃ છાયા ભેદા

વહુ માટે સાસુ એક સપોર્ટ-સિસ્ટમ હોય છે એમ જણાવતાં બાવન વર્ષનાં છાયા ભેદા કહે છે, ‘ઘરમાં જો સાસુ હોય તો તમારે ઘરની ચિંતા ન હોય. તેમના ભરોસે તમે ઘર મૂકીને કોઈ પણ જાતની ચિંતા વગર મુક્તપણે હરીફરી શકો છો. તમારાં બાળકોને ઉછેરવામાં તેમનો ખૂબ મોટો સાથસહકાર હોય છે. મારાં સાસું લીલાવતીબહેન મને કંઈ ન આવડતું હોય તો શીખવે. તેમને એવું પણ નથી કે હું કરું એમ જ તારે કરવાનું. રસોઈમાં ઘણી વાર હું વાનગીને થોડી હેલ્ધી બનાવવાનો પ્રયત્ન કરું તો એમાં મને ટોકે નહીં. હા, મારા સસરા થોડા ટાઇમના પાકા હતા એટલે તેમને બધી વસ્તુ સમયસર જોઈએ. તો એ વખતે મારાં સાસુ મને કહી દે કે તારે બસ સસરાની જરૂરિયાતો સાચવી લેવાની. બાકી મારાં સાસુએ મારા પર કોઈ વસ્તુ થોપવાનો પ્રયત્ન કર્યો નથી. પહેરવેશને લઈને પણ એવાં કોઈ બંધન નહોતાં. ૩૦ વર્ષ પહેલાં પણ હું ડ્રેસ, પૅન્ટ બધું જ પહેરતી. બસ, ઘરમાં વડીલો સામે મર્યાદા જળવાઈ રહે એટલું ધ્યાન રાખવાનું. એક વૃક્ષને આખું ઉખાડીને તમે નવી જગ્યાએ વાવો છો તો એને મૂળ પકડતાં વાર લાગશે તો એ‌નું સિંચન તમારે એ રીતે કરવું પડે. એવી રીતે વહુ ૨૦-૨૫ વર્ષ એક ઘરમાં રહીને તમારે ત્યાં આવી રહી છે તો તેને તમારી ફૅમિલી સાથે ઍડ્જસ્ટ થતાં વાર લાગશે. તમારે એ સ્વીકારવું પડશે. એવી જ રીતે વહુઓએ પણ પેશન્સ રાખવી પડશે. આ લોકો આવા છે, તેવા છે એમ ધારી લેવાને બદલે ધીરજ રાખીને બધાને સમજવાનો પ્રયત્ન કરવો પડશે.’

mumbai news mumbai andheri jain community gujaratis of mumbai gujarati community news sex and relationships kutchi community