ગર્વ કરો આ ગુજરાતીઓ પર : હર્લી હજી આગળ જઈને દેશનું નામ રોશન કરશે જ

21 November, 2022 08:56 AM IST  |  Mumbai | Priti Khuman Thakur

આવું કહે છે ન્યુ ઝીલૅન્ડ સામેની ભારતની અન્ડર-19 ટીમમાં સિલેક્ટ થયેલી અને મિડ-ડે લેડીઝ ક્રિકેટમાં પણ ટૅલન્ટનો પરચો આપી ચૂકેલી હર્લી ગાલાના પપ્પા

હર્લી ગાલા

એક સંબંધીને ત્યાં ક્રિકેટ ટુર્નામેન્ટ યોજાઈ હતી અને ત્યાં જુહુનો ગાલા પરિવાર પણ જોડાયો હતો. ટુર્નામેન્ટમાં એક પ્લેયર ઓછો પડતાં જુહુમાં ચર્ચ રોડ પર રહેતી હર્લી તન્મય ગાલાને રમવાની તક મળી અને તેણે અચાનક જ અફલાતૂન પર્ફોર્મન્સ આપતાં ક્રિકેટર બનેલી અને મિડ-ડે લેડીઝ ક્રિકેટમાં શાનદાર પરફૉર્મન્સ આપનાર હર્લીની હવે ઇન્ડિયાની મહિલા ક્રિકેટ ટીમમાં પસંદગી થઈ છે.

આ વાત છે શ્રી વાગડ વીસા ઓસવાળ સમાજની ૧૬ વર્ષની હર્લી તન્મય ગાલાની. સ્કૂલથી જ ઍથ્લીટ રહેલી, સ્કેટિંગમાં સ્ટેટ લેવલ સુધી પહોંચેલી અને રનિંગમાં હંમેશાં ગોલ્ડ મેડલ જીતતી હર્લીએ ૧૧ વર્ષની હતી ત્યારથી જ ક્રિકેટ રમવાનું શરૂ કર્યું હતું. પોતાની મહેનત, પપ્પા-મમ્મીની પ્રેરણા અને આખા પરિવારના સહયોગ દ્વારા હર્લીને ખૂબ જ ટૂંકા ગાળામાં ઇન્ડિયાની અન્ડર-૧૯ ટીમમાં રમવાની તક મળી છે.

પરિવારના સહયોગ અને પોતાની મહેનતે હર્લીને આ મુકામે પહોંચાડી છે એમ જણાવતાં હર્લીના પપ્પા તન્મય ગાલાએ ‘મિડ-ડે’ને જણાવ્યું હતું કે ‘હર્લી બાંદરાની રિઝવી કૉલેજમાં ફર્સ્ટ યર કૉર્મસમાં અભ્યાસ કરે છે. તે નાનપણથી જ રમતગમત ભાગ લેતી હતી. તે સ્કેટિંગમાં પણ અવ્વલ છે. એક વખત પરિવારના એક સંબંધી દ્વારા ક્રિકેટ ટુર્નામેન્ટ યોજાઈ હતી અને એમાં એક પ્લેયર ખૂટતાં એની જગ્યાએ હર્લી રમી શકે છે એમ મેં કહ્યું હતું. આ ટુર્નામેન્ટમાં હર્લીનો પર્ફોર્મન્સ એક્સ્ટ્રા-ઑર્ડિનરી હતો એટલે અમે વિચારી લીધું કે તેને ક્રિકેટમાં આગળ વધારવી છે. હર્લીનો પણ ક્રિકેટ પ્રત્યે ઉત્સાહ હતો અને એના ચોથા દિવસે જ અમે તેની ક્રિકેટની ટ્રેઇનિંગ શરૂ કરી દીધી હતી. એ દિવસ અને આજની ઘડી અમે સતત તેના પડખે ઊભા રહ્યા અને આજે આ દિવસ અમને જોવા મળ્યો છે. અમારા પરિવારનો સેવન-સ્ટાર કેબલ ઍન્ડ ઇન્ટરનેટ પ્રોવાઇડરનો બિઝનેસ છે. પરિવારના બધા સભ્યોએ મને સપોર્ટ આપ્યો એટલે હું હર્લી સાથે ઊભો રહી શક્યો છું. નવમા ધોરણમાં ભણતી હર્લીની નાની બહેન બે​લીઝા પણ સ્પોર્ટ્સમાં ખૂબ રસ ધરાવે છે. હર્લી આ મુકામે પહોંચી એમાં તેની મહેનત તો છે જ, સાથે સૌકોઈનો સપોર્ટ પણ છે. આખો પરિવાર ખૂબ ગર્વ અનુભવી રહ્યો છે. હર્લી ખૂબ જ આગળ વધશે અને દેશનું નામ રોશન કરશે.’

mumbai mumbai news india gujarati mid-day andheri juhu preeti khuman-thakur