વેલકમ મૅડમ કમિશનર: ઓળખી લો IAS અધિકારી અશ્વિની ભિડેને

01 April, 2026 07:21 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

મુંબઈનાં મેટ્રો વુમન કહેવાતાં અશ્વિની ભિડે ૧૫૦+ વર્ષોનો ઇતિહાસ ધરાવતા BMCનાં પ્રથમ મહિલા કમિશનર બન્યાં

BMCનાં કમિશનરપદે નિમાયેલાં અશ્વિની ભિડેને મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે પુષ્પગુચ્છ આપીને શુભેચ્છા આપી હતી

સિનિયર ઇન્ડિયન ઍડ્‍મિનિસ્ટ્રેટિવ સર્વિસ (IAS) ઑફિસર અશ્વિની ભિડેની ગઈ કાલે બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કૉર્પોરેશન (BMC)નાં કમિશનરપદે વરણી થઈ હતી. તેઓ પહેલાં મહિલા-ઑફિસર છે જે આ પદભાર સંભાળશે. BMCના કમિશનર તરીકે ભૂષણ ગગરાણી ગઈ કાલે નિવૃત્ત થતાં અશ્વિની ભિડેએ તેમનો ચાર્જ સંભાળ્યો હતો. ૧૯૯૫ના બૅચનાં IAS ઑફિસર અશ્વિની ભિડેની ગણના કાબેલ અને નો-નૉનસેન્સ ઑફિસરોમાં થાય છે. ૩૦ માર્ચ સુધી તેઓ ચીફ મિનિસ્ટર્સ ઑફિસમાં ઍડિશનલ ચીફ સેક્રેટરી હતાં. આજ સુધી તેમણે અનેક મહત્ત્વના ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સ સફળ રીતે હૅન્ડલ કર્યાં છે. તેઓ મુંબઈ મેટ્રો રેલ કૉર્પોરેશનનાં ડિરેક્ટર છે અને આ પદ પર પણ ચાલુ રહેશે. મુંબઈમાં મેટ્રો-૩ની સફળતા પાછળ અશ્વિની ભિડેની કાબેલિયત પુરવાર થઈ હોવાથી મુંબઈના ઍડ્‍મિનિસ્ટ્રેટિવ  ઇન્ફ્રાસ્ટ્રક્ચર સર્કલમાં તેઓ મેટ્રો વુમન ઑફ મુંબઈ તરીકે ખ્યાતનામ છે.

યુનિયન પબ્લિક સર્વિસ કમિશન (UPSC) દ્વારા લેવામાં આવેલી ભરતી પરીક્ષામાં ઑલ ઇન્ડિયા રૅન્ક ૯ મેળવ્યો અને મહિલા ઉમેદવારોમાં ટોચનું સ્થાન મેળવ્યું.

અશ્વિની ભિડેએ તેમની કારકિર્દીની શરૂઆત કોલ્હાપુરથી કરી હતી અને ત્યાર બાદ નાગપુર અને સિંધુદુર્ગ જિલ્લા પરિષદમાં પણ ચીફ એક્ઝિક્યુટિવ ઑફિસર તરીકે કામગીરી નિભાવી હતી. એ પછી તેમણે થોડો વખત રાજભવનમાં ફરજ બજાવી હતી અને ત્યાર બાદ મુંબઈ મેટ્રોપૉલિટન રીજન ડેવલપમેન્ટ ઑથોરિટીમાં ઍડિશનલ કમિશનર પણ રહી ચૂક્યાં છે.

ભૂષણ ગગરાણીની જગ્યાએ કોની નિમણૂક કરવી એ માટે મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ અને નાયબ મુખ્ય પ્રધાન એકનાથ શિં​દે વચ્ચે સોમવારે બેઠક થઈ હતી. દેવેન્દ્ર ફડણવીસ અશ્વિની ભિડેને નીમવાના પક્ષમાં હતા, જ્યારે એકનાથ શિંદેએ એ માટે અસિમ ગુપ્તાનું નામ સજેસ્ટ કર્યું હતું. અસિમ ગુપ્તા હાલ અર્બન ડેવલપમેન્ટ ડિપાર્ટમેન્ટના હેડ છે. વળી BMC એકનાથ શિંદેના અર્બન ડેવલપમેન્ટ ડિપાર્ટમેન્ટ હેઠળ આવતું હોવાથી અસિમ ગુપ્તાની વરણી થવાની શક્યતા હતી. એ ઉપરાંત રેસમાં રેવેન્યુ ડિપાર્ટમેન્ટના વિકાસ ખર્ગે અને પબ્લિક વર્ક્સ ડિપાર્ટમેન્ટના મિલિંદ મ્હૈસકરનાં નામ પણ ચર્ચાઈ રહ્યાં હતાં. આખરે અશ્વિની ભિડેના નામ પર મહોર લગાવાઈ હતી.

૨૦૨૩માં ETPrime મહિલા નેતૃત્વ પુરસ્કારોમાં અશ્વિની ભિડેને ‘વુમન લીડર ઑફ ધ યર – ગવર્નન્સ’ તરીકે નવાજવામાં આવ્યાં હતાં

જન્મ ૨૫ મે ૧૯૭૦

 પશ્ચિમ મહારાષ્ટ્રના એક મધ્યમ વર્ગના પરિવારમાંથી આવે છે.

 પિતા સ્ટેટ બૅન્ક ઑફ ઇન્ડિયા
(SBI)માં કામ કરતા હતા, જેના કારણે તેમના ઉછેર દરમ્યાન વારંવાર બદલી થતી હતી.

 તેમણે સાંગલી અને પુણેમાં મરાઠી માધ્યમની શાળામાં અભ્યાસ કર્યો હતો.

 પ્રારંભિક જીવન અને શિક્ષણ, તેમનો ઉછેર એક સાધારણ ઘરમાં થયો હતો, ગ્રામીણ વાતાવરણમાં થયો હતો.

 તેમણે સાંગલીની વિલિંગ્ડન કૉલેજમાં અભ્યાસ કર્યો હતો.

 પુણેમાં અંગ્રેજી સાહિત્યમાં પોસ્ટ ગ્રૅજ્યુએશન ડિગ્રી કર્યું છે અને MBA છે.

 કૌટુંબિક પ્રભાવ : તેમના પિતાની બૅન્કિંગ કારકિર્દીને કારણે તેમને વારંવાર બદલીઓનો સામનો કરવો પડતો હતો, જેનાથી તેમણે કોઈ પણ પરિસ્થિતિને જલદીથી ઍડપ્ટ કરી લેવાની કાબેલિયત કેળવી.

 મુંબઈના મંત્રાલયમાં કામ કરતા એક સંબંધીએ તેમને IAS બનવાની સલાહ આપી હતી, જેનાથી વહીવટી સેવાઓમાં તેમની સફર શરૂ થઈ હતી.

 પુણેમાં પોસ્ટ ગ્રૅજ્યુએશન કરતી વખતે તેમણે મહારાષ્ટ્ર પબ્લિક સર્વિસ કમિશન અને યુનિયન પબ્લિક સર્વિસ કમિશનની UPSC પરીક્ષાઓની તૈયારી કરી.

 બૅચમેટ અને પાછળથી સરકારી અધિકારી બનેલા સતીશ ભિડે સાથે લગ્ન કર્યાં.

 દંપતીને મલ્હાર નામનો દીકરો છે.

અશ્વિની ભિડે : ​કારકિર્દી અને મહત્ત્વનાં સોપાન

૧૯૯૭થી ૧૯૯૯ દરમ્યાન કોલ્હાપુર જિલ્લાનાં અસિસ્ટન્ટ કલેક્ટર તરીકે કારકિર્દીની શરૂઆત કરી.

 ૧૯૯૯થી ૨૦૦૦ સુધી સિંધુદુર્ગ જિલ્લાનાં ચીફ એક્ઝિક્યુટિવ ઑફિસર (CEO) તરીકે નિયુક્ત કરવામાં આવ્યાં.

 ત્યાર બાદ નાગપુર જિલ્લામાં બદલી કરવામાં આવી.

 ૨૦૦૦થી ૨૦૦૩ દરમ્યાન નાગપુર જિલ્લા પરિષદનાં CEO તરીકે નિયુક્ત કરવામાં આવ્યાં. ત્યાં ૩૧૦ ગામોમાં ૪૩૪ બંધ બાંધ્યા, જેનાથી ૭૦૦૦ હેક્ટર જમીન સિંચાઈ હેઠળ આવી.

 ૨૦૦૪થી ૨૦૦૮ દરમ્યાન મહારાષ્ટ્રના રાજ્યપાલનાં નાયબ સચિવ તરીકે નિયુક્ત કરવામાં આવ્યાં.

 ત્યાર બાદ મુંબઈ મેટ્રોપૉલિટન રીજન ડેવલપમેન્ટ ઑથોરિટી  (MMRDA) ખાતે ઍડિશનલ મેટ્રોપૉલિટન કમિશનર તરીકે નિયુક્ત કરવામાં આવ્યાં.

 શાળા શિક્ષણ અને રમતગમત સચિવ તરીકે પણ સેવા આપી અને વિદ્યાર્થીઓ દ્વારા ઈ-ગવર્નન્સ હેઠળ શિક્ષણ પ્રાપ્ત કરવા માટે સિસ્ટમૅટિક ઍડ્મિનિસ્ટ્રેટિવ રિફૉર્મ્સ ફૉર અચીવિંગ ઍન્ડ લર્નિંગ બાય સ્ટુડન્ટ્સ (SARAL) ડેટાબેઝને ઑનલાઇન લાવવામાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી.

 MMRDA ખાતેના કાર્યકાળ દરમ્યાન ઘણા મોટા પ્રોજેક્ટ્સ માટે પ્રેરક બળ તરીકે જોવામાં આવ્યાં જેમાં ઈસ્ટર્ન ફ્રીવે, સહાર એલિવેટેડ ઍક્સેસ રોડ અને મીઠી નદીની સફાઈનો સમાવેશ થાય છે.

 ૫૦૦૦થી વધુ અસરગ્રસ્ત પ્રોજેક્ટેડ અસરગ્રસ્ત લોકોનું પુનર્વસન

 વિવિધ માળખાગત પ્રોજેક્ટ્સ માટે શહેરભરમાં ૫૦૦૦ લોકોના પુનર્વસનમાં તેમના કાર્યને કેસસ્ટડી ગણવામાં આવે છે.

 મુંબઈ મોનોરેલ

 મુંબઈ મેટ્રોની પહેલી લાઇન

 માર્ચ ૨૦૨૦માં MMRCમાંથી બહાર નીકળ્યા પછી તેમને કોઈ ભૂમિકા સોંપવામાં આવી નહોતી. તેમને મહારાષ્ટ્રમાં ચાલી રહેલા કોરોના રોગચાળાનો સામનો કરવા માટે BMCની ટાસ્ક ફોર્સમાં વધારાનાં મ્યુનિસિપલ કમિશનર તરીકે નિયુક્ત કરવામાં આવ્યાં હતાં.

 કૉર્પોરેશનના સંપર્ક ટ્રેસિંગ પ્રયાસોની દેખરેખ રાખવાનું તેમ જ કન્ટ્રોલ-રૂમનું નિરીક્ષણ કરવાનું અને હૉસ્પિટલોને સહાય પૂરી પાડવાનું કામ સોંપવામાં આવ્યું હતું.

અશ્વિની ભિડેને નાનપણમાં માતા-પિતા તરફથી ગિફ્ટમાં પુસ્તકો મળતાં, એને કારણે આગળ જઈને લોકોને સમજવામાં ફાયદો થયો

અશ્વિની ભિડેને બાળપણમાં માતા-પિતા તરફથી ગિફ્ટમાં પુસ્તકો મળતાં. એથી તેમનામાં વાંચનનો રસ જાગ્યો. તેમનું સ્કૂલનું કેટલુંક ભણતર સાંગલીના જયસિંગપુરમાં થયું. ભણવામાં હોશિયાર હતાં અને દસમા અને બારમામાં મેરિટ લિસ્ટમાં આવવા છતાં તેમણે બૅચલર ઑફ આર્ટ્સમાં પ્રવેશ લીધો. મંત્રાલયમાં સર્વિસ કરતા એક સંબંધીના કહેવાથી UPSCની તૈયારીઓ ચાલુ કરી. ઇંગ્લિશ લિટરેચર પછી મરાઠી લિટરેચરમાં પોસ્ટ-ગ્રૅજ્યુએશન કર્યું. એટલું જ નહીં, યુરોપિયન, રશિયન, અમેરિકન અને સાથે જ ભારતીય સાહિત્યનો વ્યાપક અભ્યાસ કર્યો. તેમના મતે સાહિત્ય સમાજનો અરીસો હોય છે. સમાજ કેમ બદલાય છે, લોકો ચોક્કસ પરિસ્થિતિમાં કોઈ ચોક્કસ રીતે કેમ વર્તન કરે છે એ સાહિત્ય શીખવે છે. પ્રશાસનમાં નિર્ણય લેતી વખતે આ સંવેદનશીલતા ઉપયોગી થાય છે. 

પહેલું પોસ્ટિંગ અને અનેક પડકારો

IAS થયા પછી તેમનું પહેલું પોસ્ટિંગ કોલ્હાપુર ડિવિઝનમાં ઇચલકરંજીનાં અસિસ્ટન્ટ કલેક્ટર તરીકે થયું હતું. એ વખતે ટેક્સટાઇલ મિલોમાં કામદારોની ચળવળ, રાજકીય રીતે અસ્થિર એવો એ વિસ્તાર હતો. એકથી સવા વર્ષના એ કાર્યકાળમાં અલગ-અલગ હડતાળો થઈ. બોનસ માટે ચાર-ચાર રાત લાગલગાટ મીટિંગો થતી. માથાડી કામદારોની હડતાળ પડી. આવી પરિસ્થિતિ ટૅકલ કરતી વખતે વાંચનનો તેમને બહુ ફાયદો થયો એમ જણાવતાં અશ્વિની ભિડેએ કહ્યું હતું કે ‘સાહિત્યનો અભ્યાસ કરતી વખતે, અનેક પાત્રોનો અભ્યાસ કરતી વખતે એ પાત્રો એમ શા માટે વર્તે છે એ જાણ્યા પછી તમારા દૃષ્ટિકોણમાં બહુ જ ફરક પડે છે. એક અલગ રીતે તમે એને અપ્રોચ કરતા થઈ જાઓ છો.’

mumbai news mumbai ashwini bhide brihanmumbai municipal corporation mumbai metropolitan region mmr maharashtra government maharashtra news maharashtra