03 July, 2026 07:16 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
મરોલમાં રિક્ષા પર તૂટી પડેલું ઝાડ.
ગુરુવારે વહેલી સવારે ચર્ચગેટ સ્ટેશન અને સિડનહૅમ કૉલેજની સામે તથા ચર્ચગેટ સ્ટેશન નજીક ઝાડ તૂટી પડવાની ઘટના બાદ શહેરના અન્ય ભાગોમાં પણ વૃક્ષો પડવાની ઘટના બની હતી. મરોલમાં મિલિટરી રોડ પર પાર્ક કરેલી રિક્ષા પર ઝાડ પડ્યું હતું. જોકે રિક્ષામાં કોઈ બેઠું ન હોવાથી કોઈ દુર્ઘટના બની નહોતી. જોકે આ ઘટનાને કારણે રસ્તાની બન્ને બાજુનો ટ્રાફિક અટવાઈ ગયો હતો. વાહનો તો ઠીક, લોકો પણ મહામહેનતે ઝાડને પાર કરીને પસાર થઈ રહ્યા હતા.
આ ઉપરાંત મીરા-ભાઈંદરમાં ગોલ્ડનેસ્ટ કૉમ્પ્લેક્સ નજીક વૉર્ડ-નંબર ૧૦ પાસે પણ એક મોટું ઝાડ તૂટ્યું હતું. આ ઘટનામાં આસપાસની દુકાનોની છતને નુકસાન પહોંચ્યું હતું અને રસ્તો પણ અવરોધાયો હતો. જોકે આ ઘટનામાં પણ કોઈને ઈજા પહોંચી નહોતી. થોડી જ વારમાં ફાયર-બ્રિગેડે આવીને ઝાડને હટાવ્યું હતું અને ટ્રાફિક સરળ રીતે શરૂ કર્યો હતો.
ચેમ્બુરમાં મંગળવારે પીપળાનું ૪૦ ફુટ ઊંચું ૬૦ વર્ષ જૂનું તોતિંગ વૃક્ષ એક સ્કૂલ-બસ પર તૂટી પડતાં ૧૧ વર્ષના વિદ્યાર્થીનું મોત થયું હતું. એ દુર્ઘટના બાદ આ કેસની તપાસ માટે મ્યુનિસિપલ કમિશનર અશ્વિની ભિડેએ બે ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનરની કમિટી બનાવી હતી, જેમણે કરેલી તપાસમાં જણાઈ આવ્યા મુજબ બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કૉર્પોરેશન (BMC)ના વરસાદના પાણીનો નિકાલ કરતા સ્ટૉર્મ વૉટર ડ્રેન (SWD) વિભાગે એ જગ્યાએ કૉન્ક્રીટનો રોડ બન્યો ત્યારે વરસાદના પાણીનો નિકાલ કરતી ગટરની ડિઝાઇન ફેરવીને એ પ્રમાણે ફેરફાર કર્યા હતા જેને કારણે ઝાડનાં મૂળિયાંએ અેમની પકડ ગુમાવી હતી અને એ મરી ગયાં કે સુકાઈ ગયાં હતાં જેને કારણે એ ઝાડ અંદરથી નબળું પડી ગયું હતું. વળી ઝાડની હરતેફરતે જે ખાડો છોડવો પડે એ પણ નાનો અને છીછરો જ છોડ્યો હતો અને ઝાડના થડ માટે ફ્રી જમીન પણ છોડી નહોતી એથી એ પીપળાનું ઝાડ તૂટી પડ્યું હતું. હવે પછી આ તપાસ કરનાર કમિટી એ તૂટી પડેલા ઝાડની સાચવી રખાયેલી ડાળીઓ અને થડની પણ તપાસ કરવાની છે.
BMCની M વૉર્ડ ઑફિસ અને ગાર્ડન ડિપાર્ટમેન્ટનું કહેવું છે કે તેમણે રોડ ડિપાર્ટમેન્ટને આ રોડનું કૉન્ક્રીટાઇઝેશન કરતી વખતે જરૂરી કાળજી લેવામાં આવે એમ ઑલરેડી જણાવ્યું હતું. ગાર્ડન ડિપાર્ટમેન્ટનું કહેવું છે કે ૧૨ જૂને જ્યારે તેમણે મૉન્સૂનની તૈયારી રૂપે એ ઝાડની ચકાસણી કરી ત્યારે એ મજબૂત જણાઈ આવ્યું હતું અને એથી એનું ટ્રિમિંગ પણ કરવામાં આવ્યું હતું. BMCએ કહ્યું છે કે આ ઝાડને લઈને ઑનલાઇન કે ઑફલાઇન એમ કોઈ પણ ફરિયાદ તેમને મળી નથી.
થાણેમાં જોખમી ઝાડ શોધી કાઢવા મેયર શર્મિલા પિંપળોલકરે અધકારીઓ સાથે બેઠક કરી હતી.
ભારે વરસાદમાં મંગળવારે ચેમ્બુરમાં સ્કૂલ-બસ પર ઝાડ પડવાથી એક વિદ્યાર્થીનું મોત થયા બાદ થાણેનાં મેયર શર્મિલા પિંપળોલકરે શહેરભરમાં જોખમી વૃક્ષોનો સેફ્ટી સર્વે કરવાનો આદેશ આપ્યો છે. શર્મિલા પિંપળોલકરે બુધવારે થાણે મ્યુનિસિપલ કોર્પોરેશન (TMC)ના ટ્રી ઑથોરિટી વિભાગની તાત્કાલિક બેઠક બોલાવી હતી અને અધિકારીઓને સ્કૂલો, કૉલેજો, હાઉસિંગ સોસાયટીઓ, હૉસ્પિટલો અને મુખ્ય ટ્રાફિક જંક્શનની અંદરનાં વૃક્ષોનું ઇન્સ્પેક્શન કરવાનો નિર્દેશ આપ્યો હતો. એની સાથે જ અગાઉ કાપેલાં વૃક્ષોની મજબૂતી ચકાસવા માટે ફરીથી સર્વે કરવાનો પણ આદેશ આપ્યો હતો. મેયરે ચોમાસા દરમ્યાન ટ્રાફિક જૅમ ટાળવા માટે કાપણી પછી રસ્તાના કિનારે બાકી રહેલી ડાળીઓને તાત્કાલિક સાફ કરવાનો પણ આદેશ આપ્યો હતો. લોકોને તાત્કાલિક TMCને જોખમી વૃક્ષોની જાણ કરવા વિનંતી કરવામાં આવી છે.
પુણ્યશ્ળોક અહિલ્યાબાઈ હોળકર ખેડૂત કર્જમુક્તિ યોજના 2026 મંજૂર
મહારાષ્ટ્ર સરકારે ખેડૂતોને કર્જમાફી માટેની પુણ્યશ્ળોક અહિલ્યાબાઈ હોળકર ખેડૂત કર્જમુક્તિ યોજના 2026 મંજૂર કરી ત્યાર બાદ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ, નાયબ મુખ્ય પ્રધાન સુનેત્રા પવાર તથા અન્ય પ્રધાનોએ વિધાનભવનમાં આ યોજના વિશેનું માહિતી પુસ્તક બહાર પાડ્યું હતું. આ યોજનાનો લાભ મહારાષ્ટ્રના ૫૩ લાખ ખેડૂતોને મળશે.